હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગુજરાત વિધાનસભામાં ‘ગુજરાત પશુધન આહાર, મરઘાં-ચણ અને ખનિજ મિશ્રણ વિધેયક-૨૦૨૬’ સર્વાનુમતે પસાર
અબોલ પશુઓ અને પશુપાલકોના હિતમાં રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય:સત્તાપક્ષ અને વિપક્ષના તમામ ધારાસભ્યોશ્રીઓએ ઉત્સાહપૂર્વક અને હકારાત્મક રીતે ચર્ચામાં ભાગ લઈ વિધેયકને આવકાર્યું:અબોલ પશુઓ માટે પ્રોએક્ટિવ એપ્રોચ સાથે બિલ લાવવા બદલ વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણીને અભિનંદન પાઠવ્યા

( અશ્વિન વ્યાસ દ્વારા ) ગાંધીનગર :રાજ્યના પશુપાલકોની સમૃદ્ધિ, પશુધનના સ્વાસ્થ્ય રક્ષણ અને ગુણવત્તાયુક્ત પશુઆહાર સુનિશ્ચિત કરવાના ઉદ્દેશથી ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા રજૂ કરવામાં આવેલું ‘ગુજરાત પશુધન આહાર, મરઘાં-ચણ અને ખનિજ મિશ્રણ (ઉત્પાદન, સંગ્રહ, વિતરણ, વેચાણ અને ગુણવત્તા નિયંત્રણનું નિયમન) વિધેયક-૨૦૨૬’ ગૃહ દ્વારા સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું.
રાજ્યના ૧૦૬ લાખથી વધુ ભેંસો,૯૬ લાખથી વધુ ગાયો તેમજ ઘેટાં-બકરાં અને મરઘાં સહિતના બહોળા પશુધનના આરોગ્યની સુરક્ષા અને દૂધ ઉત્પાદકતામાં વધારો કરવા માટે આ કાયદો બનાવવામાં આવ્યો છે.
પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે આ વિધેયક વર્લ્ડહેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા આપવામાં આવેલી "One Health"ની વિચારધારા પર આધારિત છે. કાયદાનું પાલન કરતા પ્રામાણિક ઉત્પાદકો અને પશુપાલકો માટે આ કાયદો રક્ષણની ઢાલ બનશે અને અનૈતિક પ્રથાઓ આચરનારાઓ સામે કડક પગલાં લેવાશે. સમગ્ર ગૃહની સામૂહિક સંમતિથી પસાર થયેલું આ બિલ ગુજરાતના પશુપાલન ક્ષેત્રને "સ્વસ્થ પશુ – સમૃદ્ધ પશુપાલક – સશક્ત ગ્રામ્ય અર્થતંત્ર" ના સંકલ્પ તરફ આગળ ધપાવશે.
આ વિધેયક દ્વારા પશુ આહારના વ્યવસાયમાં પારદર્શિતા અને ગુણવત્તા લાવવા માટે કેટલીક કડક જોગવાઈઓ કરવામાં આવી છે.
પશુધન આહાર, મરઘાં-ચણ અને ખનીજ મિશ્રણના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ માટે હવે લાયસન્સ લેવું ફરજિયાત બનશે.
દરેક ઉત્પાદકે હવે ભારતીય માનક બ્યુરો (BIS) અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ (ICAR) દ્વારા નિર્ધારિત ધોરણોનું ફરજિયાત પાલન કરવાનું રહેશે.
પશુ આહારના નમૂનાઓનું સમયાંતરે પૃથ્થકરણ અને પરીક્ષણ કરવામાં આવશે.
ગેરમાર્ગે દોરતી જાહેરાતો કે ભ્રામક બ્રાન્ડિંગ અટકાવવા માટે પેકેજિંગ અને લેબલિંગના નિયમો પણ નક્કી કરાયા છે.
પશુપાલકો સાથે છેતરપિંડી કરનારા અને ભેળસેળયુક્ત આહાર બનાવનારાઓ સામે મંત્રીશ્રીએ કડક હાથે કામ લેવાની નેમ વ્યક્ત કરી છે.
વિધેયકમાં નીચે મુજબના દંડ અને સજાની જોગવાઈ છે:
- નિમ્ન કક્ષાનો આહાર બનાવવો: રૂ. ૫ લાખ સુધીનો દંડ અને ૧ વર્ષ સુધી લાયસન્સ મોકૂફ.
- ભ્રામક બ્રાન્ડિંગ: રૂ. ૫ લાખ સુધીનો દંડ અને ૩ વર્ષ સુધી લાયસન્સ મોકૂફ.
- ભેળસેળયુક્ત આહાર (મૃત્યુ ન થાય તો): લાયસન્સ તાત્કાલિક રદ, ૧ વર્ષની કેદ અને રૂ. ૫ લાખ સુધીનો દંડ.
- ભેળસેળયુક્ત આહારથી પશુનું મૃત્યુ: લાયસન્સ રદ, ૭ થી ૧૦ વર્ષની જેલ અને રૂ. ૧૦ લાખ સુધીનો દંડ.
મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, આ વિધેયક ઉદ્યોગ વિરોધી નથી, પરંતુ “ગુણવત્તા વિરોધી વ્યવસાયકારો” સામે છે. લાયસન્સની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન અને ફેસલેસ રાખવામાં આવશે, જેથી ઉદ્યોગકારોને કોઈ બિનજરૂરી કનડગત ન થાય. વધુમાં, જે ખેડૂતો પોતાના પશુઓ માટે ઘરે આહાર બનાવે છે અથવા સંશોધન હેતુ આહાર બનાવે છે, તેમને આ કાયદામાંથી મુક્તિ આપવામાં આવી છે.
અંતમાં, મંત્રી જીતુભાઈ વાઘાણીએ મક્કમતાપૂર્વક જણાવ્યું કે, સ્વસ્થ પશુ, સમૃદ્ધ પશુપાલક અને સશક્ત ગ્રામ્ય અર્થતંત્ર એ જ અમારી સરકારનો મુખ્ય સંકલ્પ છે.
વિધાનસભા ગૃહમાં આ વિધેયક પરની ચર્ચા દરમિયાન તમામ ધારાસભ્યઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક અને હકારાત્મક રીતે સહભાગી થઈને પોતાના આશાસ્પદ સૂચનો રજૂ કર્યા હતા અને આ બિલને સહર્ષ આવકાર્યું હતું.
વિશેષરૂપે, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા પણ વિધેયક સંબંધિત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. અબોલ પશુઓના કલ્યાણ અને આરોગ્ય સુરક્ષા માટે આવા પ્રોએક્ટિવ એપ્રોચ સાથે આ મહત્વપૂર્ણ બિલ લાવવા બદલ અધ્યક્ષએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણીને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
