તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th July 2026
આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાઈ દેશવિરોધી ષડયંત્ર રચતા વધુ ૫ આતંકીઓ બિલાલ શેરા, મહમદ કડીવાલ, મોહમ્મદ સુણસરા, શફીઅ મુખી અને મોહમદહસન કરડીયાની ગુજરાત એટીએસ દ્વારા કરાઈ ધરપકડ
પોલીસ અધિક્ષક કે. સિદ્ધાર્થ અને નાયબ પોલીસ અધિક્ષક એસ. એલ. ચૌધરી તેમજ હર્ષ ઉપાધ્યાયની ટીમોએ ઓપરેશન પાર પાડી ૮ દિવસના મેળવ્યા રિમાંડ : મદ્રેસાઓમાં રહી બોમ્બ બનાવવાની પદ્ધતિઓ શીખતા હોવાનો ચોંકાવનારો ખુલાસો

અમદાવાદ: ગુજરાત એટીએસ (એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ) દ્વારા દેશવિરોધી પ્રવૃત્તિઓ કરનારા તત્વો પર સતત રાખવામાં આવી રહેલી નજર દરમિયાન એક મોટી સફળતા મળી છે. પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) ની વિચારધારાને પ્રોત્સાહન આપી ગુજરાતમાં સક્રિયપણે આતંકવાદી પ્રવૃત્તિઓનું આયોજન કરવા બદલ વધુ ૫ આરોપીઓની એટીએસ દ્વારા કાયદેસરની ધરપકડ કરવામાં આવી છે.
ગુપ્ત બાતમીના આધારે ગુનો દાખલ કરાયો હતો:
આ કામગીરી અંગે એટીએસના નાયબ પોલીસ અધિક્ષક હર્ષ ઉપાધ્યાયને ચોક્કસ ગુપ્ત બાતમી મળી હતી કે કેટલાક ઇસમો પ્રતિબંધિત સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડપણ હેઠળ ભારતના લોકોને વિવિધ માધ્યમોથી સંપર્ક કરી ગુજરાતમાં આતંકવાદી નેટવર્ક ઊભું કરી રહ્યા છે અને દેશવિરોધી કૃત્યોનો પ્રચાર-પ્રસાર કરે છે. જે બાબતે ગુજરાત એટીએસ દ્વારા આ કાવતરામાં સંડોવાયેલ કુલ ૦૮ લોકો વિરૂદ્ધ તા. ૦૨/૦૭/૨૦檢૬ ના રોજ એટીએસ પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં ૦૫/૨૦૨૬ થી અનલોફુલ એક્ટીવીટીસ પ્રિવેન્શન એક્ટ (UAPA) ની વિવિધ કલમો તથા ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૬૧ તથા ૧૪૮ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શનમાં સ્પેશિયલ ટીમોની રચના:
આ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી એટીએસના પોલીસ અધિક્ષક કે. સિદ્ધાર્થના માર્ગદર્શન હેઠળ વિશેષ ટીમો બનાવવામાં આવી હતી. જેમાં તપાસ કરનાર અધિકારી નાયબ પોલીસ અધિક્ષક એસ. એલ. ચૌધરીની આગેવાનીમાં ઇન્વેસ્ટીગેશન ટીમ અને નાયબ પોલીસ અધિક્ષક હર્ષ ઉપાધ્યાયની આગેવાનીમાં ઇન્ટ્રોગેશન ટીમ કાર્યરત કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી જૈશ-એ-મોહમ્મદનો ઝંડો, આતંકી મસુદ અઝહરની જેહાદી કિતાબોની પ્રિન્ટેડ કોપીઓ, તેને લખેલા ખતની નકલ અને ટેરર ફંડિંગના રોકડા રૂ. ૧,૩૦,૦૦૦/- રિકવર કરાયા હતા.
મદ્રેસામાં રહી ૨૦૨૩ થી બોમ્બ બ્લાસ્ટની પદ્ધતિઓનો અભ્યાસ કરતા હતા:
આરોપીઓની ઉંડાણપૂર્વકની પૂછપરછમાં સામે આવ્યું છે કે તેઓ જામિયા અબુલ હસન મદ્રેસા, ખડિયાસન ખાતે રહીને વર્ષ ૨૦૨૩થી આઈઈડી (IED) ડેટોનેટ કરવાની મિકેનિઝમ અને બોમ્બ બનાવવાની પદ્ધતિઓ શીખી રહ્યા હતા. આ માટે તેઓ “અકેલા મુજાહિદ જિહાદ કૈસે કરે” જેવી કિતાબોનો અભ્યાસ કરતા હતા. અગાઉ પકડાયેલ આરોપી મોહમ્મદ અમીન શેરા દ્વારા જેહાદી બયાન પણ અપાયા હતા. આરોપીઓએ વર્ષ ૨૦૨૩ થી ફેબ્રુઆરી ૨૦૨૬ સુધીમાં કુલ ૦૮ વાર અલગ-અલગ જગ્યાએ ટાઇમર મિકેનિઝમથી બ્લાસ્ટ કરવાનો સક્રિય પ્રયાસ કર્યો હતો. ગન પાઉડર બનાવવાની સામગ્રી ઓનલાઈન પ્લેટફોર્મ અને લોકલ માર્કેટમાંથી ખરીદવામાં આવી હતી, જે સામગ્રી મોહમ્મદ અમીન શેરા પાસેથી જપ્ત કરાઈ છે.
ધરપકડ કરાયેલા વધુ પાંચ આરોપીઓની વિગત:
ગુજરાત અને રાજસ્થાનના વિવિધ શહેરોની સ્થાનિક પોલીસને સાથે રાખી એટીએસની ટીમોએ સઘન કાર્યવાહી કરીને વધુ પાંચ સક્રિય સભ્યોની તા. ૧૫/૦૭/૨૦૨૬ ના રોજ અટકાયત કરી ૮ દિવસના પોલીસ રિમાંડ મેળવ્યા છે, જેમની વિગતો નીચે મુજબ છે:
૧. બિલાલ આબીદભાઈ શેરા (ઉ.વ. ૨૪): હાલ રહે. હોટલ દિવ્યા પેલેસની ઉપર, કઠવાડા જીઆઈડીસી, અમદાવાદ (મૂળ રહે. ચાટાવાડા, તા. સિદ્ધપુર, જી. પાટણ). તેણે અગાઉ પકડાયેલા આરોપીને પેનડ્રાઇવ આપી હતી જેમાં મસુદ અઝહરના જેહાદી વિડિયો અને બયાન હતા.
૨. મહમદ ઐયુબ કડીવાલ (ઉ.વ. ૨૨): રહે. ખડીયાસણ, હન્ફીપુરા, તા. સિધ્ધપુર, જી. પાટણ (હાલ- જામિયા અબુલ હસન મદ્રેસા, ખડિયાસણ). જેણે અન્ય આરોપીઓ સાથે મળી મસ્જિદમાં આઈઈડી બોમ્બ અસેમ્બલ કરી બ્લાસ્ટ કરવાનું શીખ્યું હતું.
૩. મોહમ્મદ ઐયુબભાઈ સુણસરા ઉર્ફે મોહમ્મદ ખળી (ઉ.વ. ૨૦, ધંધો-અભ્યાસ): રહે. ખળી, તા. સિધ્ધપુર, જી. પાટણ (હાલ- દારુલ ઉલૂમ માટલીવાલા મદ્રેસા, ભરૂચ).
૪. શફીઅ રઈસ મુખી ઉર્ફે શફિ છાપી (ઉ.વ. ૨૧): રહે. છાપી, તા. વડગામ, જી. બનાસકાંઠા (હાલ- જામિયા ઇસ્લામિયા તાલિમ્મુદ્દિન મદ્રેસા, દાભેલ).
૫. મોહમદહસન હનીફભાઈ કરડીયા ઉર્ફે હસન હૈદરપુરી (ઉ.વ. ૨૦): રહે. હૈદરપુરા, તા. સરસ્વતી, જી. પાટણ (હાલ- દારુલ ઉલૂમ માટલીવાલા મદ્રેસા, ભરૂચ).
આ તમામ આરોપીઓ પ્રતિબંધિત પુસ્તકોની ઝેરોક્ષ કરાવી વાંચતા અને મદ્રેસાના અન્ય વિદ્યાર્થીઓને જેહાદમાં જોડાવા માટે પ્રેરિત કરતા હતા. તેઓએ આવી કુલ ૦૩ વાર દાવત આપી હોવાનું પણ તપાસમાં ખુલવા પામ્યું છે.
(1:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
