તા. ૧૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૮ રવિવાર
News of Tuesday, 3rd November 2026
ગુજરાત ATSએ દાઉદના સાગરિત અને ડ્રગ તસ્કર સલીમ ડોલાની કસ્ટડી મેળવી
પૂછપરછથી કથિત ડ્રગ સિન્ડિકેટની કામગીરી, નાણાકીય કડીઓ અને આંતરરાષ્ટ્રીય જોડાણો પર વધુ વિગતો બહાર આવી શકે છે

અમદાવાદ તા.૩: ગુજરાત એટીએસે દાઉદના સાગરિત અને ડ્રગ તસ્કર સલીમ ડોલાની કસ્ટડી મેળવી હતી. સલીમ વડોદરાના સિધરોટ ખાતેની ગેરકાયદેસર ડ્રગ ફેક્ટરીમાંથી ૮૭.૭૨૮ કિલો મેફેડ્રોન જપ્ત કરવા સંબંધિત ૨૦૨૨ના નાર્કોટિક્સ કેસમાં વોન્ટેડ છે. એપ્રિલ ૨૦૨૬માં તુર્કીથી ભારત લાવવામાં આવેલા ડોલાની આંતરરાષ્ટ્રીય ડ્રગ ટ્રાફિકિગ નેટવર્કમાં સંડોવણી બદલ પૂછપરછ કરવામાં આવે તેવી શક્યતા છે.
NCBના ઓપરેશન ગ્લોબલ હન્ટ હેઠળ ડોલાને તુર્કીમાં અટકાયતમાં લેવામાં આવ્યો હતો અને ૨૮ એપ્રિલ, ૨૦૨૬ના રોજ ભારત લાવવામાં આવ્યો હતો. ગુજરાત એટીએસે હવે સિધરોટ ડ્રગ મેન્યુફેક્ચરિંગ કેસના સંદર્ભમાં તેની સત્તાવાર કસ્ટડી મેળવી હતી. કેટલાક અહેવાલ પ્રમાણે, ડોલાએ ડ્રગના કાળા કારોબારમાં પ્રવેશતા પહેલાં સામાન્ય ગુનાઓ સાથે પોતાની ગુનાહિત કારકિર્દીની શરૂઆત કરી હતી. શરૂઆતમાં, તેણે શકીલની મદદથી મુંબઈમાં ગાંજાનો સપ્લાય કર્યો હોવાનો આક્ષેપ છે, જે બાદમાં મોટા પાયે નાર્કોટિક્સ ટ્રાફિકિગમાં ફેરવાઈ ગયો હતો.
૧૯૯૮માં મુંબઈ એરપોર્ટ પર ૪૦ કિલો મેન્ડ્રેક્સ જપ્ત કરવાના મામલે અને ૨૦૧૨માં ૮૦ કિલો ગાંજો રાખવા બદલ ધરપકડ થઈ હતી. આ ઉપરાંત ફેન્ટાનાઇલના ઉત્પાદન સાથે કથિત રીતે જોડાયેલા ૧૦૦ કિલો પ્રિકર્સર કેમિકલ્સ સંબંધી કેસમાં ડિસેમ્બર ૨૦૧૮માં પણ તેની ધરપકડ કરવામાં આવી હતી. જામીન મેળવ્યા બાદ તે કથિત રીતે વિદેશ ભાગી ગયો હતો અને ત્યાંથી ડ્રગ ટ્રાફિકિગ નેટવર્ક ચલાવવાનું ચાલુ રાખ્યું હતું.
સાંગલી એમડી ડ્રગ કેસ સહિત આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ ટ્રાફિકિગમાં કથિત સંડોવણી બદલ ઇન્ટરપોલે માર્ચ ૨૦૨૪માં ડોલા સામે રેડ નોટિસ જાહેર કરી હતી. ત્યારબાદ, જૂન ૨૦૨૬માં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેના કથિત મની લોન્ડરિંગ નેટવર્કની તપાસના ભાગરૂપે સુરત, અંકલેશ્વર અને રાજકોટમાં વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા હતા. એજન્સીએ બેંક ખાતાઓ ફ્રીઝ કરવા ઉપરાંત રૂ.૧.૩૩ કરોડની રોકડ, વિદેશી ચલણ અને સોનું જપ્ત કર્યું હોવાનું સામે આવ્યું હતું. ગુજરાત એટીએસ દ્વારા તેની પૂછપરછથી કથિત ડ્રગ સિન્ડિકેટની કામગીરી, નાણાકીય કડીઓ અને આંતરરાષ્ટ્રીય જોડાણો પર વધુ વિગતો બહાર આવી શકે છે.
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
