News of Thursday, 9th July 2026
ભારતનું નવું હાઇપરસ્કેલ AI હબ બનશે ગુજરાત: રાજ્ય સરકાર દ્વારા ઐતિહાસિક ‘ડેટા સેન્ટર પોલિસી’ જાહેર : ૬ લાખ કરોડના જંગી રોકાણ સાથે ૭.૫ ગીગાવોટ ક્ષમતા સ્થાપિત કરવાનો લક્ષ્યાંક
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે નીતિનું અનાવરણ : ધોલેરામાં મૂડી સબસીડી, ૨૦ વર્ષ સુધી પાવર ટેરિફ, વીજ ડ્યૂટી અને એસજીએસટીમાં ૧૦૦% વળતર સહિતના ભારે નાણાકીય પ્રોત્સાહનોની જાહેરાત : વૈશ્વિક સ્તરના ક્લાઉડ સર્વિસ પ્રોવાઇડર્સ આકર્ષાશે

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: ગુજરાતને ભારતના અગ્રણી હાઇપરસ્કેલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ડેટા સેન્ટર ડેસ્ટિનેશન તરીકે વિકસિત કરવાના મુખ્ય ઉદ્દેશ સાથે રાજ્ય સરકાર દ્વારા આજે એક ઐતિહાસિક ‘ગુજરાત ડેટા સેન્ટર પોલિસી’ જાહેર કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ નીતિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય સચિવ એમ. કે. દાસે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આવી નીતિ અમલમાં મૂકનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે અને તેના પરિણામે રાજ્યમાં ₹૬ લાખ કરોડનું માતબર રોકાણ આકર્ષિત થશે તેમજ ૭.૫ ગીગાવોટ (GW) ની ડેટા સેન્ટર ક્ષમતા ઊભી થશે. આ પોલિસી રાજ્યમાં સ્કેલેબલ, સુરક્ષિત અને ટકાઉ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇકોસિસ્ટમ તૈયાર કરશે, જે દેશની ડિજિટલ અર્થવ્યવસ્થાને નવી ઊંચાઈઓ પર લઈ જશે.
ધોલેરામાં વિશેષ કેપિટલ સબસીડી અને ૨૦ વર્ષ સુધી ટેક્સ-વીજળીના દરોમાં મોટી રાહતો:
રોકાણકારોને આકર્ષિત કરવા માટે આ નીતિમાં નાણાકીય પ્રોત્સાહનોનું વ્યાપક પેકેજ જાહેર કરાયું છે. જે અંતર્ગત, ધોલેરા સેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (SIR) વિસ્તારમાં માન્ય ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ પર ૨.૫% ની કેપિટલ સબસીડી આપવામાં આવશે, જેના પર ૧૦ વર્ષની અંદર દાવો કરી શકાશે. આ ઉપરાંત, ૧૦ વર્ષની ટર્મ લોન પર ૪% સુધીની વ્યાજ સબસીડી મળશે, જેની મહત્તમ મર્યાદા વાર્ષિક ₹૨૫ કરોડ નક્કી કરાઈ છે. ડેટા સેન્ટરો માટે સૌથી મહત્વના ગણાતા વીજ પુરવઠા માટે ૨૦ વર્ષ સુધી પ્રતિ યુનિટ ₹૧ ની પાવર ટેરિફ સબસીડી અને ૨૦ વર્ષ સુધી ઇલેક્ટ્રિસિટી ડ્યૂટીનું ૧૦૦% રિઇમ્બર્સમેન્ટ (વળતર) આપવામાં આવશે. જમીનની લીઝ અથવા ખરીદીના વ્યવહારો પર સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ફીમાંથી ૧૦0% મુક્તિ અપાશે. કરવેરાનો બોજ ઘટાડવા માટે પ્લાન્ટ-મશીનરી, બિલ્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માન્ય સેવાઓ પર ૨૦ વર્ષ સુધી એસજીએસટી (SGST) નું સંપૂર્ણ રિઇમ્બર્સમેન્ટ આપવાની ક્રાંતિકારી જોગવાઈ કરાઈ છે.
ગ્રીન ગ્રોથ પર વિશેષ ભાર: ઓછામાં ઓછી ૫૧% વીજળી અક્ષય ઊર્જામાંથી મેળવવી ફરજિયાત:
ગુજરાતની હરિત વિકાસ (Green Growth) પ્રત્યેની પ્રતિબદ્ધતાને મજબૂત રાખતા પોલિસીમાં શરત રાખવામાં આવી છે કે, આ પ્રોત્સાહનોનો લાભ મેળવનારા તમામ પ્રોજેક્ટ્સે પોતાની કુલ વીજ વપરાશના ઓછામાં ઓછા ૫૧% વીજળી નવીનીકરણીય (રિન્યુએબલ) ઊર્જામાંથી મેળવવી પડશે. આ તમામ પ્રોત્સાહનોની કુલ મર્યાદા ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટના મહત્તમ ૭૫% સુધીની રહેશે, જે આગામી ૨૦ વર્ષોમાં વિતરિત કરવામાં આવશે. આ ઉપરાંત ટકાઉ વિકાસને વેગ આપવા માટે કેપ્ટિવ ડિસેલિનેશન પ્લાન્ટ (દરિયાના પાણીને મીઠું બનાવવાનો પ્લાન્ટ) સ્થાપવા માટે ૨૦% કેપિટલ સપોર્ટ અથવા ₹૨ કરોડ પ્રતિ એમએલડી (MLD) ની સહાય પૂરી પાડવામાં આવશે.
ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ: બિલ્ડિંગ નિયમોમાં છૂટછાટ અને સિંગલ વિન્ડો ક્લિયરન્સ:
ડેટા સેન્ટરોના હાઇપરસ્કેલ-રેડી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સક્ષમ બનાવવા માટે બાંધકામના નિયમો જેવા કે એફએસઆઈ (FSI), પાર્કિંગ, ગ્રાઉન્ડ કવરેજ અને અન્ય તકનીકી જોગવાઈઓમાં વિશેષ છૂટછાટો આપવામાં આવશે. બિન-નાણાકીય લાભો હેઠળ ડ્યુઅલ પાવર ફીડર્સ, ઓપન એક્સેસ પરવાનગીઓ અને વિતરણ લાઇસન્સની સુવિધાઓ સરળતાથી મળશે. મંજૂરીઓની પ્રક્રિયાને ઝડપી અને વેગવંતી બનાવવા માટે 'ઇન્વેસ્ટર ફેસિલિટેશન પોર્ટલ' અને 'DST ઇન્સેન્ટિવ મેનેજમેન્ટ પોર્ટલ' મારફતે 'સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ' અમલમાં મૂકવામાં આવી છે, જેનાથી પ્રોજેક્ટ્સનું ઝડપી અમલીકરણ સુનિશ્ચિત થઈ શકે.
વૈશ્વિક સ્તરે ભારત અને ગુજરાત માટે મોટો અવસર, ટૂંક સમયમાં બે કેબલ લેન્ડિંગ સ્ટેશન કાર્યરત થશે:
વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના સચિવ સુશ્રી પી. ભારતીએ ડેટા સેન્ટરના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે, વિશ્વભરમાં અંદાજે ૧૨,૦૦૦ ડેટા સેન્ટર્સ છે, જેમાંથી આશરે ૭૦ ટકા જેટલા માત્ર અમેરિકા અને ચીનમાં છે. વિશ્વના કુલ ડેટા વપરાશમાં ભારતનો હિસ્સો ૨૦ ટકા જેટલો મોટો હોવા છતાં વૈશ્વિક ડેટા સેન્ટર ક્ષમતામાં ભારતનો હિસ્સો માત્ર ૩ ટકા જ છે, જે આપણા માટે એક બહુ મોટી તક દર્શાવે છે. આ આંતરરાષ્ટ્રીય સ્તરની કનેક્ટિવિટીને મજબૂત કરવા માટે ટૂંક સમયમાં જ ગુજરાતમાં બે ઓપરેશનલ કેબલ લેન્ડિંગ સ્ટેશન (Cable Landing Stations) કાર્યરત કરવામાં આવશે અને ત્રીજા પ્રોજેક્ટની જાહેરાત પણ ટૂંક સમયમાં થવાની સંભાવના છે. આ પોલિસીના માધ્યમથી રાજ્યમાં ક્લાઉડ એન્જિનિયરિંગ, સાયબર સુરક્ષા અને એઆઈ ક્ષેત્રે હજારો ઉચ્ચ મૂલ્ય ધરાવતી રોજગારીની તકો અને કૌશલ્ય વિકાસના નવા દ્વાર ખુલશે.
(5:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
