<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

વિધાનસભા ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસ એક્શન મોડમાં:પ્રભારી રણદીપ સુરજેવાલા બુધ- ગુરુ બે દિવસીય ગુજરાત પ્રવાસે:મહત્વપૂર્ણ બેઠકો યોજશે.

સુરજેવાલા પ્રદેશ કોંગ્રેસની સૌથી મહત્વપૂર્ણ ગણાતી પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠક યોજશે:રાજ્યની વર્તમાન રાજકીય પરિસ્થિતિ, વિપક્ષ તરીકેની ભૂમિકા અને આગામી કાર્યક્રમો અંગે મંથન કરાશે :શહેર-જિલ્લા પ્રમુખો અને પૂર્વ ધારાસભ્યો સાથે સંવાદ કરશે

અમદાવાદ :રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓને લઈને ગુજરાત કોંગ્રેસ અત્યારથી જ એક્શન મોડમાં આવી ગઈ છે. સંગઠનને જમીની સ્તરે વધુ મજબૂત કરવા અને આગામી રાજકીય રણનીતિ ઘડવા માટે કોંગ્રેસના ગુજરાત પ્રભારી રણદીપ સુરજેવાલા આગામી 18 અને 19 નવેમ્બરના રોજ બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેમના આ પ્રવાસને પગલે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોમાં ભારે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે.

પ્રાપ્ત સત્તાવાર કાર્યક્રમ અનુસાર, કોંગ્રેસ પ્રભારી રણદીપ સુરજેવાલા 18 નવેમ્બરના રોજ બપોરે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે. એરપોર્ટ પર પ્રદેશના વરિષ્ઠ નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. અમદાવાદ આગમન બાદ તે જ દિવસે એટલે કે 18 નવેમ્બરે સુરજેવાલા પ્રદેશ કોંગ્રેસની સૌથી મહત્વપૂર્ણ ગણાતી પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠક યોજશે. આ બેઠકમાં રાજ્યની વર્તમાન રાજકીય પરિસ્થિતિ, વિપક્ષ તરીકેની ભૂમિકા અને આગામી કાર્યક્રમો અંગે ઊંડાણપૂર્વક મંથન કરવામાં આવશે.

 

 

 

 

પ્રવાસના બીજા દિવસે એટલે કે 19 નવેમ્બરે રણદીપ સુરજેવાલા સંગઠનના માળખાકીય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ દિવસે તેઓ રાજ્યના તમામ શહેર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખો સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે અને સ્થાનિક સ્તરે પક્ષની કામગીરીનો તાગ મેળવશે.

આ ઉપરાંત, 19 નવેમ્બરે જ સુરજેવાલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો સાથે પણ વિશેષ બેઠક યોજવાના છે. આ બેઠકમાં પૂર્વ ધારાસભ્યોના અનુભવો અને તેમના મતવિસ્તારના પ્રશ્નો સાંભળીને આગામી ચૂંટણી માટેની નક્કર બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવશે. પ્રભારીના આ બે દિવસીય પ્રવાસથી ગુજરાત કોંગ્રેસમાં નવો સંચાર થવાની અપેક્ષા સેવાઈ રહી છે.

(9:37 PM IST)