તા. ૩૦ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૦ મંગળવાર
News of Friday, 4th September 2026
ગુજરાતમાં છેલ્લા ૩ વર્ષનું સૌથી નીરસ ચોમાસું: અલ નીનોના કારણે ઓગસ્ટ કોરોધાકોર રહ્યા બાદ સપ્ટેમ્બરમાં પણ વરસાદ હાથતાળી આપશે, IMD ની ચિંતાજનક આગાહી!
જૂન-જુલાઈમાં મેઘમહેર બાદ ઓગસ્ટમાં વિરામ: રાજ્યમાં સીઝનનો માત્ર ૭૫ ટકા વરસાદ, સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પાણીની ગંભીર ખેંચ છતાં ૩૬ ડેમો હાઈએલર્ટ પર

ગાંધીનગર : ગુજરાતમાં આ વર્ષે અલ નીનોના પ્રભાવ હેઠળ ચોમાસાની સ્થિતિ ચિંતાજનક વળાંક લઈ રહી છે. જુલાઈ મહિનામાં રાજ્યભરમાં મેઘરાજાએ મનમૂકીને હેત વરસાવ્યા બાદ ઓગસ્ટ મહિનો આખો એકંદરે કોરો ધાકોર રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ની નવીનતમ આગાહી મુજબ, સપ્ટેમ્બર મહિનામાં પણ ગુજરાતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાવાની શક્યતા છે, જેના કારણે છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ આ વર્ષે ચોમાસું સૌથી નબળું સાબિત થઈ રહ્યું છે.
સીઝનનો માત્ર ૭૫ ટકા વરસાદ, ૨૦ સપ્ટેમ્બરથી વિદાયના એંધાણ:
રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો સરેરાશ ૬૮૫.૬૫ મી.મી. એટલે કે ૭૫.૪૪ ટકા વરસાદ જ નોંધાયો છે. વર્ષ ૨૦૨૩માં ૧૦૮ ટકા, ૨૦૨૪માં ૧૪૩ ટકા અને ૨૦૨૫માં ૧૨૮ ટકા વરસાદની સામે આ આંકડો ઘણો ઓછો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૨૦ સપ્ટેમ્બર બાદ ગુજરાતના પશ્ચિમી ભાગોમાંથી ચોમાસું તબક્કાવાર વિદાય લેવાનું શરૂ કરી દેશે.
દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર, સૌરાષ્ટ્ર-કચ્છમાં ગંભીર ચિંતા:
ઝોન વાઈઝ આંકડાઓ પર નજર કરીએ તો પ્રદેશવાર મોટી વિષમતા જોવા મળી રહી છે:
• દક્ષિણ ગુજરાત: સૌથી વધુ ૧૬૦૨.૭૫ મી.મી. (૧૦૩.૯૪ ટકા) વરસાદ સાથે જળબંબાકાર.
• પૂર્વ-મધ્ય ગુજરાત: ૬૧૩.૭૦ મી.મી. (૭૪.૯૩ ટકા) વરસાદ.
• સૌરાષ્ટ્ર & ઉત્તર ગુજરાત: અનુક્રમે ૫૬.૦૪ ટકા અને ૫૬.૨૩ ટકા વરસાદ સાથે પાણીની અછત.
• કચ્છ: માત્ર ૧૪૭.૪૦ મી.મી. સાથે સીઝનનો સૌથી ઓછો ૨૯.૪૯ ટકા વરસાદ.
જિલ્લાવાર સ્થિતિમાં વલસાડમાં ૧૧૭ ટકા અને નવસારીમાં ૧૨૨ ટકા વરસાદ નોંધાયો છે, જેની સામે દેવભૂમિ દ્વારકામાં માત્ર ૬.૪૧ ટકા અને પોરબંદરમાં ૧૮.૧૨ ટકા જ વરસાદ થતાં ખેડૂતોની ચિંતામાં ભારે વધારો થયો છે.
સરદાર સરોવર ૮૯% ભરાયો, ૩૬ જળાશયો હાઈએલર્ટ પર:
ઓછા વરસાદ છતાં રાહતની વાત એ છે કે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ તેની કુલ ક્ષમતાના ૮૯.૪૩ ટકા સુધી ભરાયેલો છે. આ સિવાય રાજ્યના ૨૦૬ જળાશયોમાં સરેરાશ ૬૫ ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ભાવનગરનો શેત્રુંજી, અમરેલીનો ધાતરવડી અને ભરૂચનો ધોલી ડેમ સહિત રાજ્યના ૩૬ ડેમો ૯૦ ટકાથી વધુ ભરાઈ જતાં તેમને હાઈએલર્ટ પર મૂકવામાં આવ્યા છે.
(6:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
