તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th September 2026
નાગરિકોની પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકારે 'AI ગ્રીન સિટિઝન સ્કોર' એપ લોન્ચ કરી : વૃક્ષારોપણ, જળ સંરક્ષણ અને સાયક્લિંગ જેવી કામગીરી બદલ નાગરિકોને મળશે ગ્રીન પોઈન્ટ્સ
વૃક્ષારોપણ, કચરાનું વિભાજન, પ્લાસ્ટિક એકત્રિતકરણ અને જાહેર પરિવહનના ઉપયોગ જેવી પ્રવૃત્તિઓ માટે આ પ્લેટફોર્મ પર નોંધ કરી ભાગ લેવા વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાની અપીલ : GIL દ્વારા નિર્મિત એપ ગૂગલ એપ સ્ટોર અને એપલ એપ સ્ટોર પર ઉપલબ્ધ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે ‘AI ગ્રીન સિટિઝન સ્કોર એપ’ લોન્ચ કરી છે. આ નાગરિક કેન્દ્રિત ડિજિટલ પહેલનો હેતુ લોકોને પર્યાવરણ સંરક્ષણ સાથે જોડાયેલી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા તેમજ ટકાઉ જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કરવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશમાં ડિજિટલ ટેક્નોલોજીના ઉપયોગથી ગ્રીન પહેલોને પ્રોત્સાહન આપવા અનેક પગલાં લેવામાં આવ્યા છે. આ મોબાઇલ આધારિત પર્યાવરણીય યોગદાન અને ગ્રીન એક્શન ટ્રેકિંગ સિસ્ટમનું નિર્માણ ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ (DST) હેઠળ કાર્યરત ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ (GIL) દ્વારા કરવામાં આવ્યું છે.
વિજ્ઞાન અને પ્રાદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, “આ પ્લેટફોર્મ મારફતે નાગરિકો વૃક્ષારોપણ, કચરાનું વિભાજન અને રિસાયક્લિંગ, પ્લાસ્ટિક એકત્રિત કરવું, જળ સંરક્ષણ, પગપાળા ચાલવું, સાયકલ ચલાવવી, જાહેર પરિવહનનો ઉપયોગ, કારપૂલિંગ તેમજ સમુદાય આધારિત ગ્રીન પહેલ જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે છે. આ પ્રવૃત્તિઓ માટે નાગરિકોને ગ્રીન પોઈન્ટ્સ આપવામાં આવશે, જેના દ્વારા તેઓ પોતાની પર્યાવરણીય પ્રવૃત્તિઓ અને એકંદર ગ્રીન સ્કોરને ટ્રેક કરી શકશે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, પ્લેટફોર્મમાં AI આધારિત સુવિધાઓનો ઉપયોગ કરાયો છે, જે ફોટોગ્રાફ્સ અને સ્થળની માહિતી સહિતની પ્રવૃત્તિઓની ચકાસણીમાં મદદ કરે છે, તેમજ AI ગ્રીન આસિસ્ટન્ટ ગ્રીન પ્રવૃત્તિઓ અને પોઈન્ટ્સ અંગે માર્ગદર્શન પણ આપે છે. આ એપ Google Play Store અને Apple App Store પર ઉપલબ્ધ છે.
વિજ્ઞાન અને પ્રાદ્યોગિકી વિભાગના સચિવ પી. ભારતી (IAS)એ જણાવ્યું કે, “આ પહેલનો હેતુ પર્યાવરણ સંરક્ષણમાં નાગરિકોની ભાગીદારીને સરળ, માપી શકાય તે રીતે અને રસપ્રદ બનાવવાનો છે, સાથે જ દૈનિક જીવનમાં ટકાઉ પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહિત કરવાનો છે.”
ગ્રીન સિટિઝન સ્કોર કામગીરી અને ટકાઉ જીવનશૈલીના ક્ષેત્રો
આ એપ દૈનિક જીવનની પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓને ડિજિટલ રેકોર્ડમાં રૂપાંતરિત કરે છે. વપરાશકર્તાઓ વિગતો રજૂ કરે તે પછી તેની ચકાસણી કરીને ગ્રીન પોઈન્ટ્સ આપવામાં આવે છે, જે ગ્રીન સ્કોરમાં ઉમેરાય છે.
આ પ્લેટફોર્મમાં નીચે મુજબના વિવિધ ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે:
• વૃક્ષારોપણ: નાગરિકો વૃક્ષારોપણની પ્રવૃત્તિઓમાં પોતાની ભાગીદારી નોંધાવી શકે છે.
• કચરા વ્યવસ્થાપન: કચરાનું વિભાજન, રિસાયક્લિંગ અને સ્વચ્છતા જેવી પ્રવૃત્તિઓ રજૂ કરી શકાય છે.
• જળ સંરક્ષણ: પાણીના સંરક્ષણ અને જળ સંસાધનોની સુરક્ષા માટેની પ્રવૃત્તિઓ નોંધાવી શકાય છે.
• ગ્રીન મોબિલિટી: પગપાળા ચાલવું, સાયકલ ચલાવવી, જાહેર પરિવહનનો ઉપયોગ અને કારપૂલિંગ જેવી પ્રવૃત્તિઓને માન્યતા મળે છે.
• ગ્રીન કેમ્પેઇન: પર્યાવરણલક્ષી અભિયાનોની માહિતી મેળવી તેમાં ભાગ લઈ શકાય છે.
• પ્રવૃત્તિનો ઇતિહાસ: રજૂ કરેલી પ્રવૃત્તિઓ, ચકાસણીની સ્થિતિ અને મેળવેલા પોઈન્ટ્સ જોઈ શકાય છે.
• લીડરબોર્ડ: વપરાશકર્તાઓને પ્રગતિ ટ્રેક કરવા અને પ્લેટફોર્મ પર સ્થાન જોવા માટેની સુવિધા મળે છે.
• AI આસિસ્ટન્ટ: ગ્રીન પ્રવૃત્તિઓ અને સેવાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડે છે.
અધિકારીના જણાવ્યા મુજબ, આ નાગરિકો માટે ડિજિટલ ‘ગ્રીન ડાયરી’ અને પોઈન્ટ્સ સિસ્ટમ છે. તે ચકાસાયેલી પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓનો રેકોર્ડ રાખી, ગ્રીન પોઈન્ટ્સ આપી સ્વચ્છ અને વધુ ટકાઉ ગુજરાતના નિર્માણમાં નાગરિકોની ભાગીદારીને માન્યતા આપવા માટે ગ્રીન સ્કોર તૈયાર કરે છે.
(12:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
