News of Thursday, 14th May 2026
પીએમ મોદીજીની અપીલ બાદ ગુજરાત સરકારનો મોટો નિર્ણય: સરકારી કર્મચારીઓ માટે 'વર્ક ફ્રોમ હોમ' લાગુ કરવા કાલે કેબિનેટમાં થશે ચર્ચા
ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના સત્તાવાર કાફલામાં વાહનોની સંખ્યા ઘટાડીને માત્ર બે જ કરી દીધી, પાયલોટ એસ્કોર્ટ વાહનોનો ઉપયોગ બંધ કર્યો: હર્ષ સંઘવીએ પોતાનો યુએસ પ્રવાસ પણ રદ કરી દીધો

ગાંધીનગર: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને પગલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઇંધણ બચાવવા માટે કરેલી અપીલ બાદ ગુજરાત સરકાર એક્શનમાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના કાફલામાં વાહનોનો ઘટાડો કર્યા બાદ, હવે આવતીકાલે મળનારી કેબિનેટ બેઠકમાં રાજ્યના સરકારી કર્મચારીઓ માટે બે અલગ-અલગ મોડલ અંતર્ગત 'વર્ક ફ્રોમ હોમ' (ડબલ્યુએફએચ) સિસ્ટમ લાગુ કરવા અંગે મહત્વપૂર્ણ મંથન કરવામાં આવશે.
પશ્ચિમ એશિયાના દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને તણાવની સીધી અસર વૈશ્વિક અર્થતંત્ર અને ઇંધણની આયાત પર પડી રહી છે. તાજેતરમાં વડોદરા ખાતે પાટીદાર સમાજના સરદારધામના ઉદ્ઘાટન કાર્યક્રમમાં વડાપ્રધાન (પીએમ) નરેન્દ્રભાઈ મોદીએ દેશની જનતા તથા સરકારી અને ખાનગી કચેરીઓને 'કોવિડ કાળ' (કોરોના સમય) ની આદતો ફરી અપનાવવા અપીલ કરી હતી. પીએમ મોદીએ વર્ક ફ્રોમ હોમ, વર્ચ્યુઅલ મીટિંગ્સ, કારપૂલિંગ અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધુ ઉપયોગ કરીને પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા અનુરોધ કર્યો હતો.
વડાપ્રધાનની આ અપીલને ગુજરાત સરકારે અત્યંત ગંભીરતાથી લીધી છે. આવતીકાલે ગાંધીનગર ખાતે યોજાનારી રાજ્ય કેબિનેટની બેઠકમાં સરકારી કર્મચારીઓ માટે 'વર્ક ફ્રોમ હોમ' લાગુ કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.
બે મુખ્ય મોડલ પર વિચારણા: સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓફિસોમાં ભીડ ઘટાડવા અને ઇંધણ બચાવવા સરકાર વર્ક ફ્રોમ હોમ ના બે વિકલ્પો પર વિચાર કરી રહી છે:
૧. અમુક પસંદગીના વિભાગો કે જ્યાં સતત ભૌતિક હાજરી જરૂરી નથી, ત્યાં કર્મચારીઓને સંપૂર્ણ વર્ક ફ્રોમ હોમની મંજૂરી આપવી.
૨. અન્ય વિભાગોમાં રોટેશન (વારાફરતી હાજરી) આધારિત પદ્ધતિ અમલમાં મૂકવી, જેથી સ્ટાફ મર્યાદિત સંખ્યામાં ઓફિસે આવે.
મુખ્યમંત્રી અને મંત્રીઓએ કાફલો ઘટાડ્યો, વિદેશ પ્રવાસ રદ: ઇંધણ બચતનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા મુખ્યમંત્રી (સીએમ) ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના સત્તાવાર કાફલામાં વાહનોની સંખ્યા ઘટાડીને માત્ર બે જ કરી દીધી છે અને પાયલોટ એસ્કોર્ટ વાહનોનો ઉપયોગ બંધ કર્યો છે. જ્યારે નાયબ મુખ્યમંત્રી (ડેપ્યુટી સીએમ) હર્ષ સંઘવીએ હવાઈ મુસાફરી ટાળવાના ઉદ્દેશ્યથી આગામી સમયમાં યોજાનારો પોતાનો યુનાઇટેડ સ્ટેટ્સ (યુએસ) નો પ્રવાસ પણ રદ કરી દીધો છે.
અધિકારીઓ અને પોલીસ વિભાગને પણ માત્ર વર્ચ્યુઅલ મીટિંગ્સ કરવા ડીજીપી દ્વારા આદેશ અપાયો છે.
ખાનગી કંપનીઓ અને કોર્પોરેટ સેક્ટર સાથે પણ થશે બેઠક
ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું છે કે માત્ર સરકારી કચેરીઓ જ નહીં, પરંતુ સરકાર ટૂંક સમયમાં કોર્પોરેટ સેક્ટર (Corporate Sector), ખાનગી કંપનીઓ અને ઇન્ડસ્ટ્રી એસોસિએશનો (Industry Associations) ના પ્રતિનિધિઓ સાથે પણ બેઠક યોજશે. જેથી શક્ય હોય તેવા તમામ ખાનગી વ્યવસાયોમાં પણ કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ કલ્ચરને ફરીથી પ્રોત્સાહન આપી શકાય.
નોંધનીય છે કે, ઇંધણ બચાવવા દિલ્હી સરકારે પણ પોતાના કર્મચારીઓ માટે અઠવાડિયામાં બે દિવસ વર્ક ફ્રોમ હોમની જાહેરાત કરી દીધી છે. ગુજરાત કેબિનેટની આવતીકાલની બેઠક બાદ આ અંગે સત્તાવાર જાહેરાત થઈ શકે છે, જેનાથી હજારો કર્મચારીઓને રાહત મળશે અને ટ્રાફિક સમસ્યામાં પણ ઘટાડો થશે.
(8:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
