<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

ઔદ્યોગિક શાંતિ અને શ્રમિક કલ્યાણ માટે ગુજરાત સરકારનો સકારાત્મક અભિગમ : ગાંધીનગર ખાતે શ્રમ-રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં નવા શ્રમ કાયદાઓ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ઉદ્યોગો અને શ્રમિકો વચ્ચેનો પરસ્પર વિશ્વાસ તથા સહયોગ જ રાજ્યના ઔદ્યોગિક વિકાસનો પાયો : રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયા અને શ્રમ સચિવ લોચન સહેરાની વિશેષ ઉપસ્થિતિમાં ૨૯ જૂના કાયદાઓને બદલે ચાર નવા લેબર કોડ્સ અંગે કરાયું વિસ્તૃત માર્ગદર્શન

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: રાજ્યમાં ઉદ્યોગોના સાતત્યપૂર્ણ વિકાસ તથા શ્રમિકોના સર્વાંગી કલ્યાણને સુનિશ્ચિત કરવાના હેતુથી નવા શ્રમ કાયદાઓ અંગે જાગૃતિ કાર્યક્રમ શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની અધ્યક્ષતામાં અને રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયાની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાયો હતો.

આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું કે, વર્ષો જૂના જટિલ કાયદાઓને સંકલિત કરી તૈયાર કરાયેલા ચાર નવા શ્રમ કાયદાઓ ઉદ્યોગપતિઓ અને શ્રમયોગીઓ બંને માટે હિતકારી સાબિત થશે. નવા શ્રમ કાયદાઓ ઉદ્યોગ અને શ્રમિક બંનેના હિતનું સંતુલન જાળવી રાજ્ય સહિત સમગ્ર દેશના વિકાસને નવી ઊંચાઈ આપશે. કોઈપણ ઉદ્યોગની સફળતા પાછળ શ્રમિકોનો પરિશ્રમ મહત્વનો હોય છે. જો ઉદ્યોગપતિઓ શ્રમિકોને પોતાના પરિવારના સભ્ય ગણીને તેમની સલામતી અને આરોગ્યની ચિંતા કરે, તો શ્રમિકો પણ નિષ્ઠાથી કામ કરશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા અમલી કરાયેલા નવા કાયદાઓમાં શ્રમિકોની સલામતી, કાર્યસ્થળે યોગ્ય વાતાવરણ, પીવાનું શુદ્ધ પાણી, વેતન અને સામાજિક સુરક્ષા જેવી બાબતોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે, ઉદ્યોગ અને શ્રમિકો એક સિક્કાની બે બાજુ છે. પરસ્પર સંવાદ, સમજણ અને સહકારથી આગળ વધવામાં આવે તો ઔદ્યોગિક શાંતિ જળવાઈ રહેવાની સાથે શ્રમિકોના હિતોનું રક્ષણ થશે અને રાજ્યના સર્વાંગી ઔદ્યોગિક વિકાસને વધુ વેગ મળશે.

ડિજિટાઇઝેશન અને કૌશલ્ય વિકાસ પર ભાર:
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર સચિવ લોચન સહેરાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, જૂના ૨૯ જેટલા કાયદાઓને સંકલિત કરીને ચાર નવા લેબર કોડ્સ તૈયાર કરવામાં આવ્યા છે, જેનો મુખ્ય હેતુ કમ્પ્લાયન્સ સરળ બનાવવાનો અને નાના ગુનાઓમાં ફોજદારી જોગવાઈઓ દૂર કરી સમાધાનકારી પ્રક્રિયા અપનાવવાનો છે. સમગ્ર પ્રક્રિયાને પારદર્શક અને ઝડપી બનાવવા તમામ સેવાઓ સંપૂર્ણપણે ઓનલાઇન પોર્ટલ પર લઈ જવામાં આવી રહી છે.

તેમણે ઉમેર્યું કે, જીવલેણ અકસ્માતો અટકાવવા ઉદ્યોગોએ સુરક્ષા નિયમોનું ચુસ્ત પાલન કરવું અનિવાર્ય છે. શ્રમિકોના કૌશલ્ય વર્ધન માટે રાજ્ય સરકારે ‘નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન’ શરૂ કર્યું છે, જેમાં તાલીમનો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવશે. ઉપરાંત કેન્દ્ર સરકારની ‘પીએમ-સેતુ’ યોજના હેઠળ આઈટીઆઈને આધુનિક બનાવવા ઉદ્યોગો સાથે સહયોગ સાધવામાં આવી રહ્યો છે.

આ પ્રસંગે ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય નિયામક પી.એમ. શાહ, અધિક લેબર કમિશનર એમ.સી.કારિયા સહિત શ્રમ આયુક્ત કચેરીના અધિકારીઓ અને ઇન્ડસ્ટ્રી એસોશિએશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:45 AM IST)