<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

ભ્રષ્ટાચાર નિવારણ માટે ગુજરાત સરકારનું 'પ્રિવેન્ટિવ વિજિલન્સ' કવચ: રાજ્યમાં સતર્કતા જાગૃતિ સપ્તાહ સાથે ૩૧ ઓક્ટોબરથી ત્રણ મહિના સુધી વ્યાપક ઝુંબેશ ચલાવાશે

'Probity for Prosperity' ની થીમ હેઠળ ૩૧ ઓક્ટોબરથી ૬ નવેમ્બર દરમિયાન જાગૃતિ સપ્તાહ અને ૧૦ સપ્ટેમ્બરથી ૯ ડિસેમ્બર સુધી નિવારાત્મક તકેદારી ઝુંબેશ યોજાશે : સાયબર સુરક્ષા, ફોરેન્સિક એકાઉન્ટિંગ, AI અને ડેટા એનાલિટિક્સ આધારિત તાલીમથી વહીવટમાં પારદર્શિતા લવાશે

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે સરકારી વહીવટમાં સત્યનિષ્ઠા, પારદર્શિતા અને જવાબદારીને વધુ મજબૂત બનાવવા માટે સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૬ને વ્યાપક સ્વરૂપ આપ્યું છે. ‘Probity for Prosperity’ એટલે કે ‘સત્યનિષ્ઠાથી સમૃદ્ધિ’ની થીમ સાથે ૩૧ ઓક્ટોબરથી ૬ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન સતર્કતા જાગૃતિ સપ્તાહ યોજાશે. આ ઉપરાંત ૧૦ સપ્ટેમ્બરથી ૯ ડિસેમ્બર, ૨૦૨૬ સુધી ત્રણ મહિનાની નિવારાત્મક સતર્કતા (પ્રિવેન્ટિવ વિજિલન્સ) ઝુંબેશ હાથ ધરાશે, જેમાં ભ્રષ્ટાચાર થયા બાદ કાર્યવાહી કરવાને બદલે તેના કારણો અને શક્યતાઓને પહેલેથી દૂર કરવા પર વિશેષ ભાર મૂકાશે.

નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્યના તમામ વિભાગો, ખાતાના વડાઓ, કચેરીઓ, બોર્ડ-નિગમો અને સ્થાનિક સત્તામંડળોને વિવિધ પ્રવૃત્તિઓ કરવા સૂચના અપાઈ છે. સત્યનિષ્ઠાના શપથ, જનજાગૃતિ કાર્યક્રમો, નિબંધ-ચિત્ર સ્પર્ધાઓ, ક્ષમતાવર્ધન તાલીમ અને ડિજિટલ પહેલ દ્વારા પારદર્શિતાનો સંદેશ પહોંચાડાશે.

પ્રિવેન્ટિવ વિજિલન્સ અને સાયબર સુરક્ષા પર ભાર
ગુજરાત તકેદારી આયોગ, ACB અને વિવિધ વિભાગોના સહયોગથી જનજાગૃતિ વધારાશે અને પ્રક્રિયાઓની ખામીઓ સુધારી ટેકનોલોજીને પ્રોત્સાહન અપાશે. ગૃહ વિભાગ, પોલીસ મહાનિયામક અને NFSUના સહયોગથી સાયબર સિક્યોરિટી અને સાયબર હાઇજીન અંગે તાલીમ યોજાશે.

સરકારી ખરીદી અને ક્ષમતાવર્ધન
ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા MSME અને વેન્ડર્સ માટે સરકારી ખરીદીની પ્રક્રિયા અંગે માસ્ટર ક્લાસ અને કેમ્પ યોજાશે. ‘સતર્ક સપ્લાયર, સ્ટ્રોંગ ગુજરાત’ હેઠળ ખરીદીના ‘Dos & Don'ts’નો સારસંગ્રહ તૈયાર કરી ૫૦૦થી વધુ અધિકારીઓને તાલીમ અપાશે. માર્ગ અને મકાન તેમજ જળસંપત્તિ વિભાગના અધિકારીઓને Updated PWD Manual, Contract Management અને Audit-Accounts ની તાલીમ અપાશે. સામાન્ય વહીવટ વિભાગ, SPIPA અને અન્ય સંસ્થાઓ દ્વારા શિસ્ત નિયમો અને જાહેર સેવામાં નૈતિકતા અંગે તાલીમ યોજાશે.

નાણા વિભાગ દ્વારા હિસાબી કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ માટે તથા NFSUના સહયોગથી ગુજરાત હિસાબી સેવા વર્ગ-૧ અને ૨ ના અધિકારીઓને Forensic Accounting and Fraud Investigation ની તાલીમ આપવામાં આવશે.
મહેસૂલ વહીવટમાં AI સુધીની તાલીમ અને IT ખરીદી
મહેસૂલ વિભાગ દ્વારા SPIPA, GNLU અને દીનદયાલ ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી Prevention of Corruption Act-1988, વર્તણૂક નિયમો, Ethics, RTI, Citizen Charter, સાયબર ફ્રોડ અને વહીવટમાં AIના ઉપયોગ અંગે તાલીમ અપાશે. જેમાં CBI, GVC, ACB અને લોકાયુક્તના નિષ્ણાતો માર્ગદર્શન આપશે.

સાયન્સ એન્ડ ટેક્નોલૉજી વિભાગ IT ખરીદી અને GeM અંગે તાલીમ આપશે. IIT ગાંધીનગરના સહયોગથી ‘Predictive Vigilance for Infrastructure’ હેઠળ Digital Twins, Gamification અને Data Analytics જેવા આધુનિક સાધનો દ્વારા જોખમનું મેપિંગ કરાશે.

ડિજિટલ સેવાઓ અને સરકારી મિલકતોનું વ્યવસ્થાપન
સરકારી સેવાઓને ડિજિટલ માધ્યમ હેઠળ લાવવા, નાગરિક પ્રતિસાદ વધારવા અને ફરિયાદ નિવારણ મજબૂત કરવા પ્રયાસ થશે. સરકારી જંગમ મિલકતોના ડિજિટાઇઝેશન માટે એક્શન પ્લાન, લીઝ કરારોની સમીક્ષા, દબાણો દૂર કરવા અને વણવપરાયેલી મિલકતોના નિકાલ અંગે પગલાં લેવાશે.

(11:39 AM IST)