તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 15th May 2026
ગુજરાત સરકારનો પ્રજાલક્ષી અને ક્રાંતિકારી નિર્ણય : કોઈ પણ ભવ્ય સમારોહ વિના ૩૦૦ નવી બસો સીધી જ જનતાની સેવામાં કાર્યરત કરાશે - નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી : 'ઝીરો સેરેમની' સાથે સુશાસનનું નવું મોડેલ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની 'ઈંધણ બચાવો'ની અપીલને માન આપી પ્રોટોકોલ પડતો મુકાયો : લોકાર્પણના નામે સરકારી નાણાં અને સમયનો બગાડ અટકાવી આવતીકાલથી જ મુસાફરો માટે રૂટ પર દોડશે નવી બસો

ગાંધીનગર : ગુજરાત સરકારે વહીવટી તંત્રમાં પ્રોટોકોલ અને ઉત્સવોને બદલે જનસુવિધાને પ્રાધાન્ય આપતો એક ઐતિહાસિક અને પ્રેરણાદાયી અભિગમ અપનાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના સંસાધનોના કરકસરભર્યા ઉપયોગ અને 'ઈંધણ બચાવો' માટે કરેલી નમ્ર અપીલને ચરિતાર્થ કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એકસાથે ૩૦૦ નવી અત્યાધુનિક બસોને કોઈ પણ પ્રકારના ઉદ્ઘાટન સમારોહ વિના સીધી જ જનતાની સેવામાં મૂકવાનો નિર્ણય લીધો છે.
*'ઝીરો સેરેમની' સાથે સુશાસનનું નવું મોડેલ:*
આ નિર્ણયની સૌથી મહત્વની અને નોંધપાત્ર બાબત એ છે કે, આટલી મોટી સંખ્યામાં નવી બસોનું લોકાર્પણ હોવા છતાં કોઈ પણ પ્રકારના વીઆઇપી કાર્યક્રમો, રીબન કટીંગ કે મંત્રીઓના સ્ટેજ પ્રોગ્રામો યોજવામાં આવશે નહીં. સામાન્ય રીતે આવા પ્રસંગોએ બસોને દૂરના વિસ્તારોમાંથી કાર્યક્રમ સ્થળે લાવવા-લઈ જવામાં હજારો લીટર ઈંધણ અને લાખો રૂપિયાનો ખર્ચ થતો હોય છે, પરંતુ સરકારે આ તમામ બિનજરૂરી ખર્ચ અને સમયનો બગાડ અટકાવી 'ઝીરો સેરેમની'નો સંકલ્પ કર્યો છે.
જનતા માટે તાત્કાલિક સેવાનો પ્રારંભ:
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકો, વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગની પરિવહન સુવિધાને વધુ સુદ્રઢ બનાવવા માટે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા આ પ્રેરણાદાયી નિર્ણય લેવાયો છે. વહીવટી પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ જનતાને તાત્કાલિક સુવિધા આપવી એ જ સાચું સુશાસન છે. આ ૩૦૦ નવી બસો આવતીકાલથી સીધી જ નિર્ધારિત ડેપો પરથી મુસાફરો માટે રૂટ પર દોડતી થઈ જશે.
પર્યાવરણ અને ઈંધણની બચત પર ભાર:
વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને ઈંધણની બચત સાથે પર્યાવરણનું રક્ષણ કરી શકાય તે હેતુથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ પહેલ કરી છે. લોકાર્પણ સમારોહ પાછળ વેડફાતા સરકારી નાણાં હવે જનતાના કામમાં લાગશે. આ અભિગમ સ્પષ્ટ કરે છે કે સરકાર માટે નેતાઓના સત્કાર અને પ્રોટોકોલ કરતા સામાન્ય માનવીની મુસાફરી અને તેની સુવિધા વધુ મહત્વની છે.
સમગ્ર રાજ્યમાં બસોનું વિતરણ:
આ ૩૦૦ નવી બસો રાજ્યના વિવિધ રૂટો પર ફાળવવામાં આવી છે, જેનાથી છેવાડાના ગામડાઓ સુધી એસ.ટી. કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. સમારોહમાં થતો વિલંબ ટાળીને બસોને સીધી રૂટ પર ઉતારવાના સરકારના આ નિર્ણયની રાજ્યભરમાં મુસાફરો અને બુદ્ધિજીવીઓ દ્વારા ભારે પ્રશંસા કરવામાં આવી રહી છે. રાજકીય ઈતિહાસમાં પ્રોટોકોલના બદલે પ્રજાના હિતને સર્વોપરી રાખતો આ કિસ્સો અન્ય રાજ્યો માટે પણ માર્ગદર્શક બની રહેશે.
(2:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
