<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

ગુજરાત બન્યું 'હોટ પોટ': આગામી 48 કલાક આભમાંથી વરસશે અગનગોળા, અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં 'સીવિયર હીટવેવ'ની આશંકા!

પારો 45 ડિગ્રીને પાર પહોંચવાની આગાહી; કચ્છ અને સુરેન્દ્રનગરમાં 'ઓરેન્જ એલર્ટ', બપોરે 12 થી 4 ઘરની બહાર ન નીકળવા વહીવટી તંત્રની કડક સૂચના

અમદાવાદ, તા.૧૩: ગુજરાત અત્યારે કાળઝાળ ગરમીની ભઠ્ઠીમાં શેકાઈ રહ્યું છે. હવામાન વિભાગે રાજ્યના નાગરિકોને ચેતવણી આપતા જણાવ્યું છે કે હજુ આગામી 48 કલાક સુધી ગરમીથી કોઈ રાહત મળવાની શક્યતા નથી. સૂર્યદેવના આકરા મિજાજને કારણે રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો 41 થી 45 ડિગ્રીની વચ્ચે રહેવાની સંભાવના છે. ખાસ કરીને અમદાવાદ, રાજકોટ અને વડોદરા જેવા મહાનગરોમાં ગરમ પવનોને કારણે જનજીવન પ્રભાવિત થશે.

ક્યાં કેવું એલર્ટ? કચ્છ-સુરેન્દ્રનગરમાં રેડ જેવી સ્થિતિ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે અને આવતીકાલે કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં તીવ્ર હીટવેવની શક્યતાને પગલે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, વડોદરા, અમરેલી, રાજકોટ અને દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લાઓમાં 'યલો એલર્ટ' જારી કરાયું છે. 48 કલાકના આ આકરા સ્પેલ બાદ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થતા લોકોને આંશિક રાહત મળી શકે છે.

બપોરે બહાર નીકળવાનું ટાળો: તંત્રની માર્ગદર્શિકા

આકરી ગરમીમાં લૂ (હીટ સ્ટ્રોક) થી બચવા માટે આરોગ્ય વિભાગે ખાસ એડવાઈઝરી જાહેર કરી છે. બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન અત્યંત જરૂરી કામ વગર સીધા તડકામાં ન નીકળવા વિનંતી કરવામાં આવી છે. શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે તરસ ન લાગી હોય તો પણ પુષ્કળ પાણી, છાશ, લીંબુ પાણી અને નાળિયેર પાણી પીતા રહેવું જોઈએ. વળી, હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા અને માથું ઢાંકીને જ બહાર નીકળવું હિતાવહ છે.

લૂ લાગે તો શું કરવું?

જો કોઈને સખત માથું દુખે, ચક્કર આવે કે શ્વાસ લેવામાં તકલીફ પડે, તો તે લૂ લાગવાના લક્ષણો હોઈ શકે છે. આવા સમયે દર્દીને તાત્કાલિક છાંયડામાં લઈ જઈ ભીના કપડાથી શરીર લૂછવું જોઈએ અને સ્થિતિ ગંભીર જણાય તો વિલંબ કર્યા વિના 108 ઇમરજન્સી સેવા અથવા નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ. આ ગરમીમાં અબોલ પશુ-પક્ષીઓ માટે પણ પાણીના કુંડા મૂકી માનવતા મહેકાવવા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.

(4:00 PM IST)