તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd September 2026
અમદાવાદમાં ફૂટપાથ પરના ગેરકાયદે દબાણો, પાર્કિંગ અને વ્યાવસાયિક પ્રવૃત્તિઓ સામે ગુજરાત હાઈકોર્ટમાં PIL દાખલ
સુપ્રીમ કોર્ટના ચુકાદાનો સંદર્ભ આપી 'રાઈટ ટુ વોક'ને બંધારણીય અધિકાર ગણાવ્યો: અરજીમાં ફૂટપાથોના સર્વે, ડિમાર્કેશન, દિવ્યાંગો માટે સુલભ વ્યવસ્થા અને AMC પાસે વોર્ડવાઈઝ એક્શન-કમ્પ્લાયન્સ રિપોર્ટની માંગ કરાઈ

અમદાવાદ શહેરમાં રાહદારીઓ માટે બનાવવામાં આવેલા ફૂટપાથો પર બેફામ રીતે વધી ગયેલા ગેરકાયદે દબાણો અને અતિક્રમણનો ગંભીર મામલો ગુજરાત હાઈકોર્ટના દ્વારે પહોંચ્યો છે. શહેરમાં રાહદારીઓની સલામતી જોખમાતી હોવાની બાબતને લઈને ગુજરાત હાઈકોર્ટમાં એક મહત્વપૂર્ણ જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં નાગરિકોના સુરક્ષિત ચાલવાના અધિકારને બંધારણીય અધિકાર ગણાવીને તંત્ર સામે કડક કાનૂની આદેશો જારી કરવાની દાદ માંગવામાં આવી છે.
અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે શહેરના મોટાભાગના વિસ્તારોમાં ફૂટપાથો ગેરકાયદે વાહન પાર્કિંગ,લારી-ગલ્લાં અને વ્યાવસાયિક પ્રવૃત્તિઓનો અડ્ડો બની ગયા છે. આ અડચણોને કારણે રાહદારીઓ, વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને ફૂટપાથ છોડીને ભારે ટ્રાફિક વચ્ચે જીવના જોખમે મુખ્ય માર્ગો પર ચાલવાની ફરજ પડી રહી છે, જેના કારણે અવારનવાર જીવલેણ અકસ્માતો સર્જાય છે.
PIL માં સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદાઓનો આધાર ટાંકીને સ્પષ્ટ દલીલ કરવામાં આવી છે કે નાગરિકો માટે સુરક્ષિત ફૂટપાથ ઉપલબ્ધ કરાવવો એ બંધારણની કલમ 21 હેઠળ જીવવાના અધિકાર સાથે જોડાયેલો ‘રાઈટ ટુ વોક’નો મૂળભૂત હિસ્સો છે. આ ઉપરાંત ખાસ કરીને દિવ્યાંગ નાગરિકો સરળતાથી ચાલી શકે તેવા અવરોધમુક્ત અને સુલભ ફૂટપાથનું નિર્માણ કરવાની માંગ પણ ઉઠાવવામાં આવી છે.
અરજદારે હાઈકોર્ટ સમક્ષ મહત્વપૂર્ણ નિર્દેશો આપવાની વિનંતી કરી છે, જેમાં અમદાવાદના તમામ ફૂટપાથોનું યોગ્ય ડિમાર્કેશન અને તાત્કાલિક સર્વે કરાવવો. ગેરકાયદે દબાણો અને વ્યવસાયિક ગતિવિધિઓ હટાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકા તેમજ ટ્રાફિક પોલીસ પાસેથી વોર્ડવાઈઝ એક્શન રિપોર્ટ મંગાવવો.
ફૂટપાથ પર થતા ગેરકાયદે પાર્કિંગ વિરુદ્ધ કડક દંડાત્મક કાર્યવાહી હાથ ધરવી. દબાણમુક્ત બનાવ્યા બાદ કોર્ટ સમક્ષ નિયમિત કમ્પ્લાયન્સ રિપોર્ટ રજૂ કરવો. આ જાહેર હિતની અરજી દાખલ થતાં જ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.
(7:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
