તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 5th May 2026
દુષ્કર્મ કેસમાં સજા ભોગવતા નારાયણ સાઈની સજા મોકૂફીની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી : કોર્ટે વિલંબ કરવાની રણનીતિ બદલ લગાવી ફટકાર
નારાયણ સાઈ સુનાવણીમાં સહકાર આપવાને બદલે જામીન મેળવવામાં જ વ્યસ્ત હોવાનું અદાલતનું અવલોકન : જેલવાસની મુસીબત વચ્ચે પત્નીએ પણ ભરણપોષણ માટે ૫ કરોડની માંગ સાથે મોરચો માંડ્યો

અમદાવાદ:દુષ્કર્મ અને ગેરકાયદે અટકાયતના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા સ્વયંભૂ ધર્મગુરુ આસારામના પુત્ર નારાયણ સાઈને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે નારાયણ સાઈની સજા મોકૂફ રાખવાની અરજીને નામંજૂર કરતા અત્યંત કડક ટિપ્પણી કરી છે. અદાલતે જણાવ્યું હતું કે સાઈ પોતે જ કેસની અંતિમ સુનાવણી ઝડપથી પૂર્ણ થાય તેવા પ્રયાસો કરવાને બદલે પ્રક્રિયામાં વિલંબ કરવાની રણનીતિ અપનાવી રહ્યા છે.
અદાલતની ફટકાર - સુનાવણીમાં સહકારનો અભાવ:
જસ્ટિસ ઈલેશ જે. વોરા અને જસ્ટિસ આર.ટી. વચ્છાણીની ખંડપીઠે આ મામલે અવલોકન કરતા જણાવ્યું હતું કે, ૨૦૧૯ થી જેલમાં બંધ નારાયણ સાઈ દ્વારા અપીલની અંતિમ સુનાવણીમાં અત્યાર સુધી કોઈ સહકાર આપવામાં આવ્યો નથી. કોર્ટે નોંધ્યું કે ૨૦૨૧માં જ અપીલની અંતિમ સુનાવણી નક્કી કરી દેવામાં આવી હતી, પરંતુ સાઈ અને તેમના વકીલો તેના માટે તૈયાર થયા નહોતા. તેના બદલે સાઈ દ્વારા વારંવાર વચગાળાના જામીન માટે નવી અરજીઓ કરીને સમય પસાર કરવાની નીતિ અપનાવવામાં આવી રહી છે. સાઈએ પોતાની અરજીમાં ૧૧ વર્ષથી જેલમાં હોવાનો અને સુનાવણીમાં વિલંબનો તર્ક રજૂ કર્યો હતો, જેને કોર્ટે ફગાવી દઈ આ વિલંબ માટે સાઈને જ જવાબદાર ઠેરવ્યા છે.
સુરતની બે બહેનો સાથે દુષ્કર્મનો મામલો:
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૩ માં સુરતની બે બહેનોએ આસારામ અને નારાયણ સાઈ વિરુદ્ધ દુષ્કર્મ અને બંધક બનાવવાના ગંભીર આરોપો લગાવ્યા હતા. આ મામલે સુરતની કોર્ટે વર્ષ ૨૦૧૯ માં નારાયણ સાઈને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યારથી સાઈ સુરતની લાજપોર જેલમાં સજા કાપી રહ્યો છે. હવે હાઈકોર્ટે આ કેસની આગામી સુનાવણી ૧૨ જૂન પર મુલતવી રાખી છે.
કૌટુંબિક વિવાદોમાં પણ વધારો - પત્નીની ૫ કરોડની માંગ:
જેલવાસની મુશ્કેલીઓ વચ્ચે નારાયણ સાઈના પારિવારિક જીવનમાં પણ વંટોળ સર્જાયો છે. સાઈની પત્ની જાનકી હરપલાનીએ માનસિક ત્રાસના આક્ષેપો સાથે છૂટાછેડાની અરજી કરી છે અને ૫ કરોડ રૂપિયાના ભરણપોષણની માંગણી કરી છે. જાનકીનો આક્ષેપ છે કે ૨૦૧૮ માં ફેમિલી કોર્ટે દર મહિને ૫૦ હજાર રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હોવા છતાં છેલ્લા આઠ વર્ષમાં તેમને એક પણ રૂપિયો ચૂકવવામાં આવ્યો નથી. આમ, કાયદાકીય અને કૌટુંબિક બંને મોરચે નારાયણ સાઈની ભીંસ વધી રહી છે.
(11:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
