<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

૨૫ વર્ષના એકના એક પુત્રને ગુમાવનાર પ્રૌઢ દંપતીને ગુજરાત હાઈકોર્ટની મોટી રાહત: કાયદાકીય વયમર્યાદા વચ્ચે પણ IVF દ્વારા માતા-પિતા બનવાનો માર્ગ થયો મોકળો!

મેડિકલનો અભ્યાસ કરતા પુત્રના આપઘાત બાદ ભાંગી પડેલા દંપતીને નવું આશાનું કિરણ: પત્નીની ઉંમર પચાસ વટાવી ચૂકી હોવા છતાં પતિની વયમર્યાદા ધ્યાને રાખી કોર્ટે આપી ખાસ મંજૂરી

અમદાવાદ : વર્ષ ૨૦૨૦માં મેડિકલનો અભ્યાસ કરતા ૨૫ વર્ષના પુત્રના આત્મહત્યા બાદ સંપૂર્ણપણે ભાંગી પડેલા એક પ્રૌઢ દંપતી માટે ગુજરાત હાઈકોર્ટે અત્યંત સંવેદનશીલ અને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે તંત્રને નિર્દેશ આપીને આ દંપતીને 'આસિસ્ટન્ટ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી (ART) રેગ્યુલેશન એક્ટ, ૨૦૨૧' હેઠળ નક્કી કરાયેલી મહત્તમ વયમર્યાદા વચ્ચે પણ IVF સારવાર કરાવવાની મંજૂરી આપી દીધી છે.

ઉંમરના કાયદાકીય વિવાદ વચ્ચે ક્લિનિકે કર્યો હતો ઇનકાર:

પુત્રના વિયોગ બાદ દંપતીએ બીજું બાળક મેળવવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ મહિલા મેનોપોઝની સ્થિતિમાં હોવાથી તેમણે મહેસાણાના એક ART ક્લિનિકનો સંપર્ક કર્યો હતો. જ્યાં ડૉક્ટરે કાયદાનું કારણ ધરી સારવારનો ઇનકાર કર્યો હતો. કાયદા મુજબ વયમર્યાદા મહિલાઓ માટે ૨૧ થી ૫૦ વર્ષ અને પુરુષો માટે ૨૧ થી ૫૫ વર્ષ નક્કી કરાયેલી છે. મહિલાની ઉંમર ૫૦ વર્ષથી વધુ થઈ ચૂકી હતી, જ્યારે પતિની ઉંમર ૫૪ વર્ષ હતી.

ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસરે અરજી ફગાવી હતી:

દંપતીએ મંજૂરી માટે ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસર સમક્ષ અરજી કરી હતી, પરંતુ ૩ જુલાઈના રોજ વયમર્યાદાનું કારણ આપીને મંજૂરી નાકારવામાં આવી હતી. આથી દંપતીએ હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. દંપતીના વકીલે રજૂઆત કરી હતી કે પત્નીએ વયમર્યાદા વટાવી છે, પરંતુ પતિ હજુ પણ ૫૫ વર્ષની મર્યાદાની અંદર આવે છે. બેમાંથી એક ભાગીદાર પાત્રતા ધરાવતો હોય તો આ દંપતીને આધુનિક મેડિકલ સાયન્સનો લાભ મળવો જોઈએ.

હાઈકોર્ટનો માનવતાવાદી ચુકાદો:

સરકારી પક્ષના વિરોધ છતાં હાઈકોર્ટે રેકોર્ડની તપાસ કરીને અવલોકન કર્યું હતું કે અરજદાર પત્નીની ઉંમર ૫૦ વર્ષથી વધુ છે, પરંતુ પતિની ઉંમર ૫૪ વર્ષ હોવાથી તેઓ કાયદાકીય માપદંડમાં આવે છે. દંપતીના દુઃખ અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે તેમની IVF અરજીને મંજૂર કરવાનો હુકમ કર્યો હતો, જેથી હવે આ ઉંમરે પણ દંપતીના ઘરે ફરી કિલકારી ગુંજવાની આશા જીવંત થઈ છે.

(8:48 PM IST)