<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

ગુજરાત હાઈકોર્ટનો મોટો ફેંસલો: સગા ભાઈના કુકર્મનો ભોગ બનેલી સગીરાની ગર્ભપાતની અરજી નામંજૂર, કુદરતી પ્રસૂતિ સુધી ગર્ભાવસ્થા ચાલુ રાખવા આદેશ

મેડિકલ રિપોર્ટમાં ગર્ભપાત કરવાથી સગીરાના જીવને જોખમ હોવાનો ખુલાસો થતાં કોર્ટે લીધો નિર્ણય: બાળકના જન્મથી લઈને તેને દત્તક આપવા સુધીની તમામ જવાબદારી ઉઠાવવા રાજ્ય સરકારને આદેશ

અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટે કાયદાકીય અને તબીબી દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને એક અત્યંત સંવેદનશીલ મામલામાં મોટો ચુકાદો આપ્યો છે. સગા મોટાભાઈ દ્વારા આચરવામાં આવેલા દુષ્કર્મનો ભોગ બનેલી ૧૭ વર્ષીય સગીરાની ગર્ભપાત (Abortion) કરવાની અરજીને અદાલતે નામંજૂર કરી દીધી છે. સુરત સિવિલ હોસ્પિટલના તબીબોના મેડિકલ રિપોર્ટને આધારે હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે સગીરાના સ્વાસ્થ્ય અને જીવના જોખમને જોતાં તેની ગર્ભાવસ્થા કુદરતી પ્રસૂતિ સુધી ચાલુ રાખવામાં આવે. આ સાથે જ અદાલતે બાળકના જન્મથી માંડીને તેને સુરક્ષિત રીતે દત્તક આપવા સુધીની તમામ પ્રક્રિયા અને વ્યવસ્થા કરવા માટે રાજ્ય સરકારને કડક સૂચનાઓ આપી છે.

આંગણવાડીમાં હેલ્થ વર્કરની સતર્કતાથી ભાંડો ફૂટ્યો:
આ હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના દક્ષિણ ગુજરાતના એક શહેરમાં પ્રકાશમાં આવી હતી. ૧૭ વર્ષની સગીરા પોતાની મોટી બહેન સાથે તેના બાળકને પોલિયોના ટીપાં પીવડાવવા માટે સ્થાનિક આંગણવાડી કેન્દ્રમાં ગઈ હતી. ત્યાં ફરજ પરના હેલ્થ વર્કરની નજર આ સગીર માસીના શારીરિક ફેરફારો અને પેટ પર પડતાં તેમને ગંભીર શંકા ગઈ હતી. હેલ્થ વર્કરે તુરંત જ પ્રેગ્નેન્સી કીટ દ્વારા તપાસ કરતા સગીરા ગર્ભવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ વાતની જાણ થતાં જ મોટી બહેન સગીરાને તાત્કાલિક ડોક્ટર પાસે લઈ ગઈ હતી, જ્યાં સોનોગ્રાફી રિપોર્ટમાં તે ૭ મહિનાની ગર્ભવતી હોવાનું સામે આવતાં તબીબોએ પોલીસને જાણ કરી હતી.

સગા ભાઈની પાશવી કરતૂત અને પોક્સો હેઠળ ધરપકડ:
પોલીસ અને પરિવાર દ્વારા કરવામાં આવેલી સઘન પૂછપરછ દરમિયાન પીડિત સગીરાએ રડતાં-રડતાં પોતાની આપવીતી જણાવી હતી. તેણે ખુલાસો કર્યો હતો કે તેના સગા મોટાભાઈએ જ તેની લાચારીનો ફાયદો ઉઠાવીને તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધો બાંધ્યા હતા, જેના કારણે તેને આ ગર્ભ રહી ગયો હતો. સંબંધોને શર્મસાર કરતી આ ઘટના સામે આવતા જ પોલીસે તત્પરતા દાખવી સગીરાના નરાધમ મોટાભાઈ સામે પોક્સો (POCSO) એક્ટની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને તેની જેલ ભેગો કરી દીધો છે.

ગર્ભપાત માતા અને ભ્રૂણ બંને માટે જીવલેણ:

સગીરાના કાયદાકીય વકીલ (એડવોકેટ) દ્વારા ગર્ભપાતની મંજૂરી મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટે મામલાની ગંભીરતાને જોઈને સુરત સિવિલ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરોની પેનલને સગીરાની તબીબી તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. ડોક્ટરોએ કોર્ટને સોંપેલા રિપોર્ટમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, ગર્ભાવસ્થા તેના અંતિમ તબક્કામાં (૭ મહિનાથી વધુ) પહોંચી ગઈ હોવાથી આ સમયે ગર્ભપાત કરવો એ સગીર માતા અને ભ્રૂણ બંનેના જીવ માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. તબીબી અભિપ્રાયને સર્વોપરી ગણીને હાઈકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે અને પીડિતાની સુરક્ષિત પ્રસૂતિ થાય ત્યાં સુધી સરકારને તેની તમામ તબીબી સહાય પૂરી પાડવા નિર્દેશ આપ્યો છે.

 

(10:05 PM IST)