તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th June 2026
ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક આદેશ: 'પોલીસતંત્રને લોખંડી અને સક્ષમ બનાવો', ખાલી જગ્યાઓ તાકીદે ભરવા રાજ્ય સરકારને બ્લુ-પ્રિન્ટ રજૂ કરવા આદેશ
સુઓમોટો અરજી પર હાઈકોર્ટની કડક ગાઈડલાઈન: મોડ-૨ ની પરીક્ષાઓ બાદ ભરતી પ્રક્રિયા ઝડપી બનશે, પોલીસ રિડ્રેસલ ફોરમ અને ટ્રેનિંગ સહીતના મુદ્દે એક્શન પ્લાન માંગ્યો

ગાંધીનગર,: ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદ્રઢ કરવા તથા પોલીસતંત્રને આધુનિક અને સક્ષમ બનાવવાના હેતુથી ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને એક અત્યંત મહત્વનો આદેશ આપ્યો છે. પોલીસ વિભાગમાં લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ અને માળખાકીય સુધારાઓ અંગે ચાલી રહેલી સુઓમોટો (Suo Motu) જાહેરહિતની અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સરકાર પાસે પોલીસદળને મજબૂત કરવાનો આગામી રોડમેપ કોર્ટના સત્તાવાર રેકોર્ડ ફોર્મેટમાં માંગ્યો છે. આ આદેશને પગલે આગામી દિવસોમાં પોલીસ ભરતી પ્રક્રિયામાં મોટો વેગ આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવાઈ રહી છે.
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી. એન. રેનીની ખંડપીઠ સમક્ષ આ ચકચારી કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ખંડપીઠે કડક વલણ અપનાવતા જણાવ્યું કે, રાજ્યના પોલીસદળને સંપૂર્ણ રીતે સંસાધનો અને માનવબળથી સજ્જ કરવું અનિવાર્ય છે. કોર્ટે વર્ષ ૨૦૧૯ના સુધારા નિર્દેશોને ધ્યાનમાં રાખીને તબક્કાવાર ગાઈડલાઈન્સ જાહેર કરી છે અને આ મામલે હવે પછીની વધુ સુનાવણી આગામી ૨૭ જુલાઈના રોજ નિયત કરી છે.
ભરતી પ્રક્રિયામાં નોંધપાત્ર પ્રગતિ: સરકારી વકીલની રજૂઆત
સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર વતી મુખ્ય સરકારી વકીલ જી. એચ. વિર્ક દ્વારા કોર્ટ સમક્ષ અત્યાર સુધી થયેલી કામગીરીનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, રાજ્યના પોલીસદળમાં ખાલી જગ્યાઓ ભરવા અને પ્રમોશન (બઢતી) આપવાની પ્રક્રિયા યુદ્ધના ધોરણે ચાલી રહી છે. વહીવટી કારણોસર બાકી રહેલી 'મોડ-૨' ની પરીક્ષા સિવાયની તમામ સીધી ભરતી પ્રક્રિયાઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જ્યારે આ બાકી રહેલી મોડ-૨ ની પરીક્ષા પણ આવતીકાલે એટલે કે ૨૮ જૂનના રોજ લેવાઈ રહી છે, ત્યારબાદ નવું સંખ્યાબળ વિભાગને મળી જશે.
કયા મહત્વના મુદ્દાઓ પર હાઈકોર્ટે આપ્યો ભાર?
હાઈકોર્ટમાં ચાલી રહેલી આ કાનૂની પ્રક્રિયામાં માત્ર ભરતી જ નહીં, પરંતુ પોલીસ જવાનોના કલ્યાણ અને જાહેર સુરક્ષા સાથે જોડાયેલા નીચે મુજબના સંવેદનશીલ મુદ્દાઓનો સમાવેશ કરાયો છે:
• પોલીસ રિડ્રેસલ ફોરમ: પોલીસ કર્મચારીઓની ફરિયાદો અને પ્રશ્નોના નિવારણ માટે ખાસ ફોરમની સ્થાપના કરવી.
• કામના કલાકો અને ટ્રેનિંગ: પોલીસ જવાનોના કામના કલાકો નક્કી કરવા અને તેમને આધુનિક ગુનાઓ ઉકેલવા માટે સ્પેશિયલ ટ્રેનિંગ આપવી.
• જાહેર મિલકતોનું રક્ષણ: કોઈ પણ તોફાન કે હિંસક આંદોલન વખતે જાહેર મિલકતોને થતા નુકસાનને અટકાવવું.
• સરઘસોનું ડિજિટલ મોનિટરિંગ: સંવેદનશીલ સરઘસો અને રેલીઓ વખતે વીડિયોગ્રાફી તેમજ ડ્રોન ફોટોગ્રાફી સજ્જ કરવી.
ઉમેદવારોમાં જાગી સરકારી નોકરીની નવી આશા
લાંબા સમયથી ખાલી જગ્યાઓની ભરતીની રાહ જોઈને બેઠેલા અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા લાખો ઉમેદવારોમાં હાઈકોર્ટના આ કડક વલણથી ખુશીની લહેર જોવા મળી રહી છે. પરીક્ષાર્થીઓને આશા છે કે કોર્ટની દેખરેખ હેઠળ હવે પોલીસ ભરતી બોર્ડ અને ગૃહ વિભાગ વહેલી તકે નવી ભરતીઓનું કેલેન્ડર જાહેર કરશે.
કોર્ટે ગત ૧૧મી જૂનના રોજ પોલીસ મહાનિરીક્ષક દ્વારા ફાઈલ કરાયેલા સોગંદનામાને રેકોર્ડ પર લઈને સરકારને આગામી સુનાવણી પહેલાં તમામ એક્શન પ્લાન સબમિટ કરવા તાકીદ કરી છે.
(7:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
