તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 2nd May 2026
ઘોંઘાટ પ્રદૂષણ મામલે ગુજરાત હાઈકોર્ટનું અત્યંત કડક વલણ : નિયમોનું ઉલ્લંઘન કરનારા જવાબદાર અધિકારીઓ સામે હવે કોર્ટના તિરસ્કારનો ગુનો નોંધાશે
સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છતાં રાત્રે ૧૦ થી સવારના ૬ દરમિયાન લાઉડસ્પીકરના વધતા શોરબકોર સામે ન્યાયતંત્ર લાલચોળ : ગૃહ સચિવ નિપુણા તોરવણે અને જીપીસીબી ચેરમેન પાસેથી આગામી સુનાવણીમાં વિગતવાર એક્શન ટેકન રિપોર્ટની માંગણી

અમદાવાદ:ગુજરાતમાં રાત્રિના સમયે લાઉડસ્પીકર અને પબ્લિક એડ્રેસ સિસ્ટમના કારણે થતા ઘોંઘાટ પ્રદૂષણ પર લગામ લગાવવા માટે ગુજરાત હાઈકોર્ટે રાજ્યના વહીવટી તંત્ર અને પોલીસ વિભાગને ગંભીર ચેતવણી આપી છે. હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જે અધિકારીઓ સુપ્રીમ કોર્ટના નિર્દેશો અને રાજ્ય સરકારના જાહેરનામાનું પાલન કરાવવામાં નિષ્ફળ જશે, તેમની સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.
જસ્ટિસ બી. ડી. કારિયા અને જસ્ટિસ એલ. એસ. પીરઝાદાની ખંડપીઠે એડવોકેટ અમિત પંચાલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા અત્યંત વેધક ટિપ્પણી કરી હતી. કોર્ટે નોંધ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે ૨૦ વર્ષ પહેલા ઘોંઘાટ પ્રદૂષણ અંગે સ્પષ્ટ માર્ગદર્શિકા બહાર પાડી હોવા છતાં ગુજરાતમાં પરિસ્થિતિ સુધરી નથી તે બાબત પીડાદાયક છે. કોર્ટે અગાઉના આદેશોને ટાંકીને જણાવ્યું હતું કે, કાયદાનું ઉલ્લંઘન થતું હોય ત્યારે ન્યાયતંત્ર મૂક પ્રેક્ષક બનીને જોઈ શકે નહીં, ખાસ કરીને જ્યારે નાગરિકોનો મોટો વર્ગ તેનાથી પીડાતો હોય.
સુનાવણી દરમિયાન કોર્ટે વર્ષ ૨૦૨૪ અને ૨૦૨૫માં સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા અને એસઓપી (SOP) નો ઉલ્લેખ કરીને રોષ વ્યક્ત કર્યો હતો કે નિયમોનું પાલન માત્ર કાગળ પર જ રહી ગયું છે. સત્તાવાળાઓ દ્વારા લાઉડસ્પીકર અને ડીજે ટ્રકો માટે જરૂરી ચકાસણી કર્યા વગર જ પરવાનગી આપી દેવામાં આવે છે, જ્યારે નિયમ મુજબ મર્યાદાનું ઉલ્લંઘન કરતા સાધનો અને વાહનોને તાત્કાલિક જપ્ત કરવા જોઈએ.
આ ગંભીર મામલે ઓનલાઈન હાજર રહેલા ગૃહ સચિવ નિપુણા તોરવણે અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ચેરમેન આર. બી. બારડે કોર્ટને ખાતરી આપી હતી કે હવેથી સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું ચુસ્તપણે પાલન સુનિશ્ચિત કરવામાં આવશે. કોર્ટે આ ખાતરીની નોંધ લઈ સરકાર પાસે અત્યાર સુધી કરવામાં આવેલી કાર્યવાહીનો સંપૂર્ણ અહેવાલ માંગ્યો છે. આ કેસની આગામી સુનાવણી ૧૮ જૂન ૨૦૨૬ના રોજ હાથ ધરવામાં આવશે.
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
