<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th November 2026

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે આયોજિત ગુજરાત હોસ્પિટલ્સ એન્ડ હેલ્થ કેર એક્સ્પો - હોસ્પિકા-૨૦૨૬માં પ્રોત્સાહક ઉપસ્થિતિ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે હેલ્થ કેર ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનારાઓને સન્માનિત કરાયા:નીતિ આયોગના એસડીજી ઇન્ડેક્સમાં આરોગ્ય અને સુખાકારીના લક્ષ્યાંકમાં ગુજરાત મોટાં રાજ્યોમાં સતત બે વખત પ્રથમ ક્રમે:દેશના ટોચનાં ત્રણ મેડિકલ ટૂરિઝમ સ્થળોમાં ગુજરાતને સ્થાન અપાવવા સરકાર પ્રયત્નશીલ: મુખ્યમંત્રી

ગાંધીનગર:મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદમાં આયોજિત ધ ગુજરાત હોસ્પિટલ્સ એન્ડ હેલ્થકેર એક્સ્પો હોસ્પિકા ૨૦૨૬ અંતર્ગત હેલ્થકેર સેવા સન્માન કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ગુજરાતને  નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપનો લાભ પચીસ વર્ષથી મળતો રહ્યો છે. વડાપ્રધાનશ્રીએ આપેલ 'સર્વે સંતુ નિરામયા'નો મંત્ર ગુજરાતે સુદૃઢ પબ્લિક હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રોગ્રેસિવ પ્રાઇવેટ સેક્ટર અને રાજ્ય સરકારના સહયોગથી સાકાર કર્યો છે. છેવાડાના નાગરિક સુધી ગુણવત્તાસભર સેવાઓ પહોંચે તે માટે ગુજરાતમાં પેટા આરોગ્ય કેન્દ્રથી લઈને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ સુધી ૧૧,૦૦૦થી વધુ જાહેર આરોગ્ય સંસ્થાઓનું નેટવર્ક વિકસાવાયું છે. નીતિ આયોગના એસડીજી ઇન્ડેક્સમાં આરોગ્ય અને સુખાકારીનાલક્ષ્યાંકમાં ગુજરાત મોટાં રાજ્યોમાં સતત બે વખત પ્રથમ ક્રમે રહ્યું છે, એવું તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ રાજ્યમાં આરોગ્ય સેવાઓ અંગે વધુ વાત કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં ૧૦,૦૦૦થી વધુ આયુષ્માન આરોગ્ય મંદિર કાર્યરત છે.  દરેક તાલુકા મથકે ડાયાલિસિસ સેન્ટર અને દરેક જિલ્લામાં કીમોથેરાપી સેન્ટરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતના બેસ્ટ હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હેલ્થ સર્વિસીસને કારણે રાજ્યમાં મેડિકલ ટૂરિઝમ પણ વધી રહ્યું છે. દેશના ટોચના ત્રણ મેડિકલ ટૂરિઝમ સ્થળોમાં ગુજરાતને સ્થાન અપાવવા સરકાર પ્રયત્નશીલ છે, એવું તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં હેલ્થકેર સેક્ટરમાં મોટું ટ્રાન્સફોર્મેશન આવ્યું છે. વડાપ્રધાનએ 'આરોગ્ય પરમ ભાગ્ય'ના મંત્ર સાથે હોલિસ્ટિક હેલ્થકેર પર વિશેષ ભાર મૂક્યો છે . વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ દેશમાં હેલ્થકેર સેક્ટરનો વિકાસ પાંચ પિલર - પ્રિવેન્ટિવ હેલ્થકેર, અર્લી ડિટેક્શન, સસ્તી સારવાર અને પરવડે તેવા ભાવની દવાઓ, એક્સેસિબિલિટી અને આરોગ્ય સેવાઓમાં વધુને વધુ ટેકનોલોજીનો ઉપયોગ - ઉપર કર્યો છે. વડાપ્રધાનશ્રીએ 'હેલ્થકેર ફોર ઓલ'થી ગરીબોની સુખાકારીનો ધ્યેય રાખ્યો છે, એવું તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં આયુષ્માન ભારત યોજના અંતર્ગત ૧૦ લાખ સુધીની સહાય અપાય છે. ટેલિમેડિસિન દ્વારા અંતરિયાળ વિસ્તારમાં પણ નિષ્ણાત તબીબોની સેવા પહોંચે છે અને અત્યાર સુધીમાં ૧.૩૯ કરોડથી વધુ ટેલી કન્સલ્ટેશન થયા છે. વર્ષ ૨૦૦૧માં ૯ મેડિકલ કોલેજો અને સ્નાતક કક્ષાની ૧૧૨૫ બેઠક હતી, તે આજે વધીને ૪૩ મેડિકલ કોલેજો સુધી પહોંચી છે અને MBBSમાં ૭૮૭૫ સીટ અને અનુસ્નાતકની ૩૬૯૬ બેઠકો થઈ છે. રાજ્યમાં નર્સિંગની ૫૯,૯૦૦ જેટલી બેઠકો છે, એવું તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે સ્વસ્થ ભારતના નિર્માણથી વિકસિત ભારતનું નિર્માણ કરવાનું છે. સ્વસ્થ ભારતના નિર્માણમાં તબિબોની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે. હોલિસ્ટિક હેલ્થકેરમાં હોસ્પિકા જેવા પ્રયાસો વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનો મજબૂત આધાર બનશે, એવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે હેલ્થ કેર ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનારાઓને સેવા સન્માન પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. બોન ટ્યુમર બાયોપ્સી ડિવાઇસ વિકસાવનારા ડૉ. અભિજીત સાળુંકે, નવીન સીરિંજના સર્જન બદલ ડૉ. પ્રુજલ પારેખ, એન્ડોસ્કોપિક મેગ્નેટિક એનાસ્ટોમોસિસ જેવી નવીનતા બદલ ડૉ. સંજય રાજપૂત, અંગદાન તથા અંગ પ્રત્યારોપણ અભિયાન અમૂલ્ય યોગદાન બદલ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશી, હેલ્થ સર્વિસીસ ઇમ્પ્રૂવમેન્ટ અભિયાનમાં યોગદાન બદલ સિવિલ હોસ્પિટલના પૂર્વ મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. એમ. એમ. પ્રભાકર, ગુજરાતમાં પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની ઐતિહાસિક સિદ્ધિ મેળવનારા ડૉ. ધીરેન્દ્ર શાહ અને ડૉ. ધવલ નાઈક, બ્રેસ્ટ સ્ક્રીનિંગ મોબાઇલ ડિવાઇસ વિકસાવનાર ધ્રુવ પટેલ, ફર્ટિવા પ્રોના  ઇનોવેશન માટે  મુથુ કાર્તિક અલગર, ટ્રાફિક અકસ્માતો ઘટાડવા માટેના જાગૃતિ અભિયાન ચલાવનારા ડૉ. પ્રવીણ કાનાબાર, લોકોને આરોગ્ય સેવાઓ પૂરી પાડનાર ડૉ. લલિત શાહ, રક્તદાન ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન અને મહત્તમ રક્તદાનની સિદ્ધિ બદલ પ્લાસ્ટિક એન્ડ કોસ્મેટિક સર્જન ડૉ. હેમંત સરૈયા, ૩૦૦ યુનિટ રક્તદાન કરનારા  હરીશ પટેલ, ૧૫૦ યુનિટ રક્તદાન કરનારાં LIC કર્મચારી સુશ્રી વૈશાલી પંડ્યા, કરુણાલય ટ્રસ્ટના ચિરાગ શાહ, હરીશ પટેલ અને શ્રીમતી વૈશાલી, SAL ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ – ડૉ. હાર્દિક શાહ, ડૉ. નેહા શાહ અને ડૉ. ખ્યાતિ તથા એડલાઇફ ફાઉન્ડેશન વતી સુશ્રી નમિષા ગાંધીનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ સેવા સન્માન સમારંભમાં અમદાવાદ શહેરના મેયર હિતેશભાઈ બારોટ, ફેડરેશન ઓફ પ્રાઇવેટ હોસ્પિટલ્સ નર્સિંગ હોમ્સ એન્ડ એલાઈડ હેલ્થકેર ઓફ ઇન્ડિયાના પ્રમુખ ડૉ. એચ. એમ. પ્રસન્ના, ગુજરાત એસોસિએશન ઓફ હોસ્પિટલ્સ નર્સિંગ હોમ્સ એન્ડ એલાઈડ હેલ્થકેર સર્વિસના પ્રેસિડેન્ટ ડૉ. ભરત ગઢવી, વાઇસ પ્રેસિડેન્ટ ડૉ. વીરેન શાહ, અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી ડૉ. જીગર શાહ, સેક્રેટરી ડૉ. દિવ્યાંગ બ્રહ્મભટ્ટ, ખજાનચી ડૉ. હર્ષદ પટેલ તથા આહના સમિતિના સભ્ય ડૉક્ટર હિતેશ પટેલ સહિતના હોદ્દેદારો તથા હેલ્થ કેર ક્ષેત્રે કાર્યરત ડૉક્ટર્સ અને સેવારત લોકો ઉપસ્થિત રહ્યા હતા

(4:28 PM IST)