News of Saturday, 28th November 2026
દેશની પ્રથમ નેશનલ પબ્લિક પોલિસી કોન્ક્લેવનું યજમાન ગુજરાત બનશે : ૨૫ રાજ્યોના નીતિ ઘડવૈયા ગાંધીનગરમાં એક મંચ પર આવશે
વિકસિત ભારત@૨૦૪૭ ના વિઝનને સાકાર કરવા પુરાવા આધારિત નીતિ, ટેકનોલોજી અને આંતર-રાજ્ય સહયોગ પર બે દિવસ સુધી મંથન થશે : નીતિ આયોગના ટોચના નેતાઓ આપશે માર્ગદર્શન

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર : ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન (ગ્રિટ) દ્વારા નીતિ આયોગના સહયોગથી તા.૩ અને ૪ ડિસેમ્બર ૨૦૨૬ ના રોજ ગાંધીનગર ખાતે દેશની પ્રથમ નેશનલ પબ્લિક પોલિસી કોન્ક્લેવ-૨૦૨૬ નું આયોજન કરાયું છે. આ બે દિવસીય કોન્ક્લેવમાં આશરે ૨૫ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આયોજન સચિવો તથા સ્ટેટ ઇન્સ્ટિટ્યૂશન્સ ફોર ટ્રાન્સફોર્મેશનના વડાઓ ભાગ લેશે. પુરાવા આધારિત નીતિ ઘડતર, આંતર-રાજ્ય જ્ઞાનની આપ-લે અને સહયોગને મજબૂત કરી વિકસિત ભારત@૨૦૪૭ ના વિઝનને સાકાર કરવાનો આ કોન્ક્લેવનો મુખ્ય ઉદ્દેશ છે.
તા.૩ ડિસેમ્બરે કોન્ક્લેવનો શુભારંભ થશે, જેમાં નીતિ આયોગના ઉપાધ્યક્ષ ડૉ. અશોક કુમાર લહેરી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અધ્યક્ષીય સંબોધન આપશે. આ કોન્ક્લેવ આર્થિક અને સામાજિક વિકાસને વેગ આપવામાં રાજ્યોની કેન્દ્રીય ભૂમિકાને માન્યતા આપે છે અને નીતિ આયોગના સ્ટેટ સપોર્ટ મિશન હેઠળ સ્ટેટ ઇન્સ્ટિટ્યૂશન્સ ફોર ટ્રાન્સફોર્મેશનને મજબૂત બનાવવાનો ઉદ્દેશ ધરાવે છે. ગુજરાત સરકાર દ્વારા પોલિસી થિંક ટેન્ક તરીકે સ્થપાયેલી ગ્રિટે રાજ્ય-સ્તરીય નીતિ વિષયક ચર્ચા માટે આ મંચના આયોજનની પહેલ કરી છે.
કોન્ક્લેવમાં નીતિ આયોગના સભ્ય ડૉ. આર. બાલાસુબ્રમણ્યમ, નીતિ આયોગના સીઇઓ અનુરાગ જૈન, ડૉ. હસમુખ અઢિયા, અમિતાભ કાંત, ડૉ. ઓ. પી. અગ્રવાલ અને મુખ્ય આર્થિક સલાહકાર ડૉ. વી. અનંત નાગેશ્વરન મુખ્ય સંબોધન આપશે. આ ઉપરાંત ભારત સરકાર અને વિવિધ રાજ્ય સરકારોના વરિષ્ઠ અધિકારીઓ, સ્ટેટ પ્લાનિંગ કમિશન્સના પ્રતિનિધિઓ, બહુપક્ષીય સંસ્થાઓ, નીતિ નિષ્ણાતો, શિક્ષણવિદો, થિંક ટેન્ક્સ, વિકાસ ભાગીદારો અને દેશભરના પ્રેક્ટિશનરો પણ જોડાશે. નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ, લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશન અને સ્કૂલ ઓફ અલ્ટીમેટ લીડરશીપ નોલેજ પાર્ટનર તરીકે સહયોગ આપી રહ્યા છે.
તા.૪ ડિસેમ્બરે મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા “વિકસિત ભારત@૨૦૪૭ : રાજ્યોની નીતિઓ ભારતનું ભવિષ્ય કેવી રીતે ઘડશે” વિષય પર પ્લેનરી સંબોધન આપશે. ત્યારબાદ ત્રણ થીમેટિક ટ્રેક યોજાશે. ટ્રેક-૧ પોલિસી ઇન પર્સ્પેક્ટિવમાં અમિતાભ કાંત નીતિ ઘડતરના બદલાતા સ્વરૂપ અને નિર્ણયમાં પુરાવા અને ડેટાની ભૂમિકા પર ચર્ચા કરશે. ટ્રેક-૨ પોલિસી ઇન એક્શનમાં ડૉ. ઓ. પી. અગ્રવાલ ભાગીદારી, પીઅર-લર્નિંગ અને ક્રોસ-સેક્ટર સંકલન પર વાત કરશે. ટ્રેક-૩ પોલિસી ફોર ઓલમાં ડૉ. આર. બાલાસુબ્રમણ્યમ જેન્ડર, દિવ્યાંગતા અને સોશિયલ ઇન્ક્લુઝન દ્વારા સર્વસમાવેશક નીતિ ઘડતર પર મંથન કરશે.
સમાપન સત્રમાં નીતિ આયોગના સીઇઓ અનુરાગ જૈન અને મુખ્ય આર્થિક સલાહકાર ડૉ. વી. અનંત નાગેશ્વરન વિશેષ સંબોધન આપશે. આ કોન્ક્લેવ દ્વારા નીતિ ઘડતરના મૂળભૂત સિદ્ધાંતોની સમજ અને અમલીકરણ મજબૂત થશે, નિષ્ણાત નેટવર્ક અને ભાગીદારી વિકસશે, ક્રોસ-સેક્ટર સહયોગને પ્રોત્સાહન મળશે અને નીતિ ઘડતરમાં ઇક્વિટી-બાય-ડિઝાઇન સિદ્ધાંતોનું સંકલન થશે.
આ કોન્ક્લેવના નિષ્કર્ષો રાજ્યોમાં નીતિ ઘડતરની ક્ષમતા વધારવામાં અને વિકસિત ભારત@૨૦૪૭ તરફની વિકાસ યાત્રામાં રાજ્યોની ભૂમિકાને વધુ સુદૃઢ કરવામાં માર્ગદર્શક બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરાઈ છે.
(7:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
