તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th April 2026
ગુજરાત પર ફરી મંડરાયું માવઠાનું સંકટ: કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રીની આગાહી, અમરેલી-ભાવનગર સહિત આ જિલ્લાઓમાં ખેડૂતોની ચિંતા વધી
એક તરફ સૂર્યદેવનો પ્રકોપ અને બીજી તરફ આભમાંથી આફત વરસે તેવી સંભાવના: હવામાન વિભાગે ગાજવીજ સાથે વરસાદની ચેતવણી આપી

અમદાવાદ, તા.15: ગુજરાતમાં હાલ ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. એપ્રિલ મહિનાના મધ્યમાં જ્યારે સુર્યનારાયણ આકરા પાણીએ છે અને તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે, ત્યારે ફરી એકવાર કુદરતનો મિજાજ બદલાવાના સંકેતો મળી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદ એટલે કે 'માવઠા'ની આગાહી કરવામાં આવતા ઉનાળુ પાક લેતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પૂર્વ પાકિસ્તાન અને રાજસ્થાન સરહદ પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વાતાવરણમાં પલટો આવશે. આ સિસ્ટમ સમુદ્ર સપાટીથી આશરે 1.5 કિલોમીટરની ઊંચાઈ પર સક્રિય છે, જેના પગલે આગામી 19 અને 20 એપ્રિલના રોજ રાજ્યના અનેક ભાગોમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી શકે છે.
કયા દિવસે ક્યાં પડશે વરસાદ?
• 19 એપ્રિલ: અમરેલી, ભાવનગર ઉપરાંત ઉત્તર અને મધ્ય ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ પડી શકે છે.
• 20 એપ્રિલ: આ દિવસે પણ અમરેલી અને ભાવનગરમાં સંકટ યથાવત રહેશે, સાથે જ પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
વરસાદની આગાહીની સાથે સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોએ ગરમી અને અસહ્ય ભેજવાળા વાતાવરણનો સામનો કરવો પડશે. કચ્છથી લઈને વલસાડ સુધીના દરિયાઈ પટ્ટીના જિલ્લાઓમાં આગામી 18 એપ્રિલ સુધી 'હોટ એન્ડ હ્યુમિડ' વેધર રહેવાની શક્યતા છે. જોકે, રાહતની વાત એ છે કે આગામી એક અઠવાડિયા સુધી તાપમાનમાં કોઈ મોટો ઉછાળો જોવા નહીં મળે, છતાં બપોરના સમયે ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ જ રહેશે. ખેતીના પાકને બચાવવા માટે હવે ખેડૂતોએ સાવચેતી રાખવી અનિવાર્ય બની છે.
(3:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
