<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

'ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) વિધેયક, ૨૦૨૬' વિધાનસભામાં સર્વાનુમતે પસાર : સાચા રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજોની નોંધ તે જ દિવસે પ્રમાણિત થશે

ખેડૂતો, સામાન્ય નાગરિકો અને કાયદેસર ખરીદદારોના હિતમાં મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા લવાયેલું વિધેયક મંજૂર : અદાલત કે ટ્રિબ્યુનલના આદેશ આધારિત નોંધો નોટિસ વગર તુરંત પ્રમાણિત કરવાની જોગવાઈ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર : ગુજરાત વિધાનસભા સમક્ષ મહેસૂલ વિભાગ વતી મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા રજૂ કરવામાં આવેલું ‘ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) વિધેયક, ૨૦૨૬’ વિના વિરોધે પસાર કરવામાં આવ્યું છે. રાજ્યના ખેડૂતો, સામાન્ય નાગરિકો અને કાયદેસર હક ધરાવતા ખરીદનારાઓના વ્યાપક હિતમાં આ મહત્વપૂર્ણ કાયદાકીય સુધારો હાથ ધરવામાં આવ્યો છે.

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર "ન્યૂ ઇન્ડિયા" અને "વિકસિત ગુજરાત"ના સંકલ્પ સાથે આગળ વધી રહી છે. ભૂતકાળમાં સરકારી કચેરીઓમાં ખેતીની જમીનના વેચાણ અંગેની નોંધ પ્રમાણિત કરાવવા માટે સામાન્ય નાગરિકો અને ખેડૂતોને દિવસો સુધી રાહ જોવી પડતી હતી, જેનાથી તેમના સમય અને શક્તિનો વ્યય થતો હતો. આ જટિલ પ્રક્રિયાનો ગેરલાભ ઉઠાવીને કેટલાક લેભાગુ તત્વો બિનજરૂરી અરજીઓ અને બોગસ વાંધાઓ ઊભા કરી નાગરિકોનું શોષણ કરતા હતા.

ઈ-ધરા (e-Dhara) જેવા ડિજિટલ માધ્યમોથી પારદર્શિતા લાવ્યા બાદ હવે આ સુધારા દ્વારા વચેટિયાઓ અને બિનજરૂરી હેરાનગતિ કરતા તત્વોના રસ્તા સંપૂર્ણપણે બંધ કરી દેવાયા છે. વિધેયકની નવી જોગવાઈ (Same Day Certification) અનુસાર, જો કોઈ ખેડૂત કે નાગરિક પોતાના હકની જમીનનો સાચો અને સ્પષ્ટ રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરે, તમામ ખાતેદારોની સંમતિ હોય અને અગાઉથી કોઈ વિવાદ ન હોય, તો તે જ દિવસે તેની નોંધ પાડીને પ્રમાણિત કરી દેવામાં આવશે.

આ ઉપરાંત, જ્યારે કોઈ ફેરફાર નોંધ સક્ષમ સત્તાધિકારી, અદાલત અથવા ટ્રિબ્યુનલ દ્વારા આપવામાં આવેલા આદેશ કે હુકમના આધારે થાય ત્યારે આવી નોંધ કોઈપણ નોટિસ આપ્યા વગર હુકમ પ્રાપ્ત થતાં જ તુરંત નોંધવી અને પ્રમાણિત કરવાની સ્પષ્ટ જોગવાઈ કરાઈ છે. રાજ્ય સરકાર દ્વારા આ પ્રજાલક્ષી નીતિના અમલ માટે અગાઉ વટહુકમ (Ordinance) લાવીને તેનો અમલ શરૂ કરાયો હતો, જેને હવે કાયદાકીય સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ સુધારાથી રાજ્યમાં 'ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ' અને 'ઈઝ ઓફ લિવિંગ'ને પ્રોત્સાહન મળશે તેમજ ભ્રષ્ટાચાર પર અંકુશ આવશે.

(8:07 PM IST)