તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 2nd May 2026
ગુજરાતના ધારાસભ્યોની તો પાંચેય આંગળીઓ ઘીમાં! માત્ર ₹37.50ના ભાડે લક્ઝુરિયસ ફ્લેટ બાદ હવે વંદે ભારત અને તેજસમાં ‘એક્ઝિક્યુટિવ ક્લાસ’ની સફર
રાજ્ય સરકારે મુસાફરી ભથ્થાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર: પ્રીમિયમ ટ્રેનોમાં આલીશાન મુસાફરી સાથે પેટ્રોલ-ડીઝલ એલાઉન્સમાં પણ કરાયો વધારો

ગાંધીનગર: ગુજરાતના ધારાસભ્યો (MLA) માટે રાજ્ય સરકાર દ્વારા સુવિધાઓ અને ભથ્થાનો પટારો ખોલી દેવામાં આવ્યો છે. વિધાનસભા સચિવાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નવા જાહેરનામા અનુસાર, હવે ધારાસભ્યો દેશના કોઈપણ ખૂણે 'વંદે ભારત' અને 'તેજસ' જેવી પ્રીમિયમ ટ્રેનોના સૌથી લક્ઝુરિયસ ગણાતા ‘એક્ઝિક્યુટિવ ક્લાસ’માં મુસાફરી કરી શકશે. અગાઉ ધારાસભ્યોને માત્ર પ્રથમ અથવા દ્વિતીય કક્ષાના એસી કોચમાં મુસાફરી કરવાની છૂટ હતી, પરંતુ હવે તેમાં દુરંતો એક્સપ્રેસ જેવી આધુનિક ટ્રેનોનો પણ સમાવેશ કરી દેવાયો છે.
મુસાફરીની મર્યાદા અને એલાઉન્સ
નવી સુવિધા હેઠળ, ધારાસભ્યો એક નાણાકીય વર્ષમાં રાજ્યની અંદર ૧૦,૦૦૦ કિમી અને રાજ્યની બહાર ૨૦,૦૦૦ કિમી સુધીની મુસાફરી કરી શકશે. આ ઉપરાંત, ધારાસભ્યોને પોતાની કાર માટે ખાસ એલાઉન્સ પણ આપવામાં આવે છે, જેમાં પ્રતિ લિટર પેટ્રોલ પર ₹૧૧, ડીઝલ પર ₹૧૦ અને સીએનજી પર ₹૯ લેખે ચૂકવણી કરવામાં આવે છે. તાજેતરમાં પગાર ભથ્થા સમિતિની બેઠક બાદ આ મહત્વપૂર્ણ વધારો કરવાનો નિર્ણય લેવાયો છે.
માત્ર ₹37.50 માં ફાઈવ સ્ટાર સુવિધા ધરાવતો ફ્લેટ
ધારાસભ્યોને મળતી અન્ય સુવિધાઓ પણ અત્યારે ભારે ચર્ચામાં છે. ગાંધીનગરમાં ધારાસભ્યો માટે તૈયાર કરાયેલા અત્યાધુનિક ફ્લેટમાં ૩ બેડરૂમ, ડાઈનિંગ એરિયા, ઓફિસ રૂમ અને સર્વન્ટ રૂમ જેવી વ્યવસ્થા છે. આ ફ્લેટના સંકુલમાં સ્વિમિંગ પૂલ, હેલ્થ ક્લબ અને ઓડિટોરિયમ જેવી ફાઈવ સ્ટાર સગવડો ઉપલબ્ધ છે. આશ્ચર્યની વાત એ છે કે આટલી આલીશાન સવલતો ધરાવતા ફ્લેટનું માસિક ભાડું સામાન્ય માણસની કલ્પના બહાર એટલે કે માત્ર ₹૩૭.૫૦ રાખવામાં આવ્યું છે.
આમ, રાજ્યના જનપ્રતિનિધિઓ માટે રહેવાથી લઈને મુસાફરી સુધીની તમામ બાબતોમાં સરકારે સુવિધાઓનો વરસાદ કર્યો છે.
(7:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
