<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

ભ્રષ્ટાચારનું ગુજરાત મોડેલઃ પકડાય છે અધિકારીઓ, બચી જાય છે સિસ્‍ટમઃ હેમાંગ રાવલ

રાજકોટઃ ગુજરાતમાં ભ્રષ્ટાચાર હવે વ્‍યક્‍તિગત નહીં પણ એક સંગઠિત વ્‍યવસ્‍થાગત સમસ્‍યા બની ગયો છે. વર્ષ ૨૦૨૪-૨૫માં એન્‍ટી કરપ્‍શન બ્‍યુરો દ્વારા નોંધાયેલા ૧૮૭ કેસોમાં સૌથી વધુ ૪૧ ટકા સંડોવણી કાયદાનું પાલન કરાવતા ગૃહ વિભાગના અધિકારીઓની હતી. આ ઉપરાંત મહેસૂલ, પંચાયત, શહેરી વિકાસ, ઉદ્યોગ અને ખાણ તેમજ શિક્ષણ વિભાગ પણ ભ્રષ્ટાચારમાં લપેટાયેલા છે. ભાજપ સરકારના ઝીરો ટોલરન્‍સના દાવાઓ સામે આંકડાઓ નિરાશાજનક ચિત્ર રજૂ કરે છે; નોંધાયેલા ૧૮૭ કેસોમાંથી માત્ર ૩૭ કેસોમાં જ આરોપીઓને સજા થઈ શકી છે, જ્‍યારે ૧૦૧ આરોપીઓ કોર્ટમાંથી નિર્દોષ છૂટી ગયા છે. પૂર્વ મુખ્‍યમંત્રી સ્‍વર્ગસ્‍થ વિજયભાઈ રૂપાણીએ પણ ગૃહ અને મહેસૂલ વિભાગને સૌથી વધુ ભ્રષ્ટ ગણાવ્‍યા હતા. દલાલોનું સંગઠિત નેટવર્ક એટલું મજબૂત છે કે એક પૂર્વ મંત્રી અચાનક તપાસ પહેલા જ દલાલો ગાયબ થઈ ગયા હતા. ગાંધીનગરમાં વર્ગ-૧ના અધિકારીના ઘરેથી રૂ. ૨.૬૪ કરોડની રોકડ મળવા જેવી ઘટનાઓ સાબિત કરે છે કે ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન માત્ર દરોડા પૂરતું મર્યાદિત ન રહેતા, જ્‍યાં સુધી કડક દંડ વ્‍યવસ્‍થા અને પારદર્શિતા દ્વારા સિસ્‍ટમ સુધારવામાં નહીં આવે ત્‍યાં સુધી આ લધાઈ અધૂરી જ રહેશે તેમ કોંગ્રેસ પ્રવક્‍તા હેમાંગ મહિપતરામ રાવલે જણાવ્‍યું છે.

 ગાંધીનગરમાં ગુજરાત સરકારના એક વર્ગ-૧ (ક્‍લાસ-૧) અધિકારીના નિવાસસ્‍થાનેથી રૂપિયા ૨.૬૪ કરોડથી વધુની રોકડ રકમ મળી આવવાની ઘટનાએ સમગ્ર રાજ્‍યમાં ચર્ચા જગાવી છે. સરકાર આને ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનની સફળતા ગણાવે છે, પરંતુ વાસ્‍તવમાં આ ભ્રષ્ટાચારથી ઘેરાયેલી વ્‍યવસ્‍થાનો મોટો પુરાવો છે. હેમાંગ મહિપતરામ રાવલે (મીડિયા કોર્ડીનેટર અને પ્રવક્‍તા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ)એ વિશેષમાં જણાવ્‍યું કે, ગુજરાતમાં ભ્રષ્ટાચાર હવે એક વ્‍યવસ્‍થાગત સમસ્‍યા બની ગયો છે. વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન એન્‍ટી કરપ્‍શન બ્‍યુરો દ્વારા નોંધાયેલા કેસોમાં સૌથી વધુ ૪૧ ટકા સંડોવણી ગૃહ વિભાગના અધિકારીઓની જોવા મળી હતી. ત્‍યારબાદ મહેસૂલ વિભાગ, પંચાયત વિભાગ, શહેરી વિકાસ વિભાગ, ઉદ્યોગ અને ખાણ વિભાગ તેમજ શિક્ષણ વિભાગના અધિકારીઓના નામ સામે આવ્‍યા છે. કાયદો અને વ્‍યવસ્‍થા સંભાળતો ગૃહ વિભાગ જ જો ભ્રષ્ટાચારમાં અગ્રેસર હોય, તો સામાન્‍ય નાગરિક કઈ વ્‍યવસ્‍થા પર વિશ્વાસ રાખે?

ભાજપ સરકારની ઝીરો ટોલરન્‍સ અગેઇન્‍સ્‍ટ કરપ્‍શનની નીતિના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન એસીબી દ્વારા ૧૮૭ કેસ નોંધવામાં આવ્‍યા હતા, પરંતુ તેમાંથી માત્ર ૩૭ કેસોમાં જ આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્‍યા છે, જ્‍યારે ૧૦૧ આરોપીઓ કોર્ટમાંથી નિર્દોષ છૂટી ગયા છે. આ આંકડા દર્શાવે છે કે દોષિતો કરતા નિર્દોષ છૂટેલાઓની સંખ્‍યા વધારે છે, જે સિસ્‍ટમની નિષ્‍ફળતા છે.

પૂર્વ મુખ્‍યમંત્રી સ્‍વર્ગસ્‍થ વિજયભાઈ રૂપાણીએ પણ સ્‍વીકાર્યું હતું કે ગૃહ અને મહેસૂલ વિભાગ સૌથી વધુ ભ્રષ્ટ છે. સામાન્‍ય નાગરિકને જમીનના દસ્‍તાવેજોથી લઈને વિવિધ સરકારી મંજૂરીઓ માટે લાંચ આપવી પડે છે. એક પૂર્વ મંત્રીએ અમદાવાદની રજિસ્‍ટ્રાર કચેરીમાં અચાનક તપાસ કરવાનો પ્રયાસ કર્યો ત્‍યારે તેમના પહોંચતા પહેલા જ દલાલો ગાયબ થઈ ગયા હતા, જે ભ્રષ્ટાચારના સંગઠિત નેટવર્કને દર્શાવે છે. વધુમાં, ગાંધીનગરમાં એક સરકારી ઈમારતના ત્રણ માળના રિનોવેશનનો ખર્ચ નવી ઇમારતના બાંધકામ ખર્ચ કરતાં પણ વધારે દર્શાવવાની ચર્ચાઓ ચાલી રહી છે. ઘણા કેસોમાં અધિકારીઓ વચ્‍ચે ભાગબટાઈના વિવાદને કારણે જ ભ્રષ્ટાચાર બહાર આવે છે. ગંભીર ફરિયાદો ઉભી થાય ત્‍યારે વરિષ્ઠ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાને બદલે રાજીનામા લેવડાવી દેવાય છે અથવા તેઓ વિદેશ સ્‍થાયી થઈ જાય છે. પ્રવક્‍તા હેમાંગ રાવલે ઉમેર્યું કે, સાચી સફળતા ત્‍યારે જ ગણાય જ્‍યારે આરોપીઓ દોષિત ઠરે, સંપત્તિ જપ્ત થાય અને ભ્રષ્ટાચારનું નેટવર્ક તૂટે. માત્ર સૂત્રો અને પ્રચારથી નહીં, પરંતુ પારદર્શિતા અને અસરકારક દંડ વ્‍યવસ્‍થાથી જ ગુજરાત ભ્રષ્ટાચારમુક્‍ત બની શકશે

(3:47 PM IST)