News of Thursday, 30th April 2026
ચોરાયેલા મોબાઈલ રિકવર કરવામાં ગુજરાત પોલીસ દેશભરમાં ત્રીજા ક્રમે: 46.71% રિકવરી રેટ સાથે નવો કીર્તિમાન : રાજ્ય પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવ દ્વારા શીલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા
એક વર્ષમાં 53,564 હેન્ડસેટ મૂળ માલિકને પરત કર્યા, અમદાવાદ, ડાંગ અને ભાવનગરના નોડલ અધિકારીઓનું રાજ્ય પોલીસ વડા દ્વારા સન્માન : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં મોબાઈલ રિકવરી ક્ષેત્રે ગુજરાતની રાષ્ટ્રીય સ્તરે અભૂતપૂર્વ સફળતા

ગાંધીનગર, તા. 30 : રાજ્યમાં ચોરાયેલા મોબાઈલ શોધી કાઢવામાં ગુજરાત પોલીસે દેશના મોટા રાજ્યોમાં ત્રીજો ક્રમ મેળવી નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. રાષ્ટ્રીય સરેરાશ 32.6 ટકા કરતાં ઊંચો 46.71 ટકાનો રિકવરી રેટ મેળવીને ગુજરાત પોલીસે છેલ્લા એક વર્ષમાં 53,564 હેન્ડસેટ સફળતાપૂર્વક મૂળ માલિકને પરત કર્યા છે.
સંચાર સાથી પોર્ટલ અને CEIR મોડ્યુલના અસરકારક ઉપયોગથી સિદ્ધિ
ટેલિકોમ વિભાગ (DoT) અને ગુજરાત પોલીસના સંયુક્ત પ્રયાસોથી આ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ થઈ છે. ભારત સરકારના 'સંચાર સાથી' પોર્ટલ અને CEIR (Central Equipment Identity Register) મોડ્યુલના અસરકારક ઉપયોગ દ્વારા ગુજરાતે દેશના મોટા રાજ્યોની યાદીમાં રિકવરીની ટકાવારીમાં ત્રીજો ક્રમ મેળવ્યો છે. સમગ્ર ભારતમાં અત્યાર સુધીમાં 50,48,516 મોબાઈલ બ્લોક કરવામાં આવ્યા છે, જેની સામે ગુજરાતમાં કુલ 1,83,985 હેન્ડસેટ બ્લોક કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં મોબાઈલ રિકવરી ક્ષેત્રે ગુજરાતે રાષ્ટ્રીય સ્તરે અભૂતપૂર્વ સફળતા મેળવી છે. રાષ્ટ્રીય કક્ષાએ મોબાઈલ રિકવરીનો દર 32.6 ટકા છે, જ્યારે ગુજરાત પોલીસે 46.71 ટકાના રિકવરી રેટ સાથે 53,564 હેન્ડસેટ પરત મેળવ્યા છે. બ્લોક થયેલા 1,14,670 ટ્રેસ થયેલા હેન્ડસેટને શોધવામાં ગુજરાતના વિવિધ જિલ્લાના નોડલ અધિકારીઓએ મહત્વની ભૂમિકા ભજવી છે.
_અમદાવાદ શહેર, ડાંગ અને ભાવનગરની શ્રેષ્ઠ કામગીરી_
વર્ષ 2025-26ના CEIR રેન્કિંગ ડેટા મુજબ અમદાવાદ શહેર, ડાંગ અને ભાવનગર જિલ્લાએ શ્રેષ્ઠ કામગીરી કરી છે. અમદાવાદ શહેરે સૌથી વધુ 25,500 બ્લોક વિનંતીઓ સામે 4,935 હેન્ડસેટ રિકવર કરીને 56.70ના ફાઈનલ સ્કોર સાથે રાજ્યમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. અમદાવાદ શહેર વોલ્યુમ સ્કોરમાં 100 માંથી 100 ગુણ મેળવી પ્રથમ સ્થાને રહ્યું છે.
ડાંગ જિલ્લો 328 બ્લોક વિનંતીઓ અને 77.33 ટકાના ઊંચા એક્યુરસી સ્કોર સાથે 54.89 પોઈન્ટ્સ મેળવીને બીજા ક્રમે રહ્યો છે. ભાવનગર જિલ્લાએ 634 બ્લોક વિનંતીઓ સામે 273 મોબાઈલ રિકવર કરી 53.44ના સ્કોર સાથે રાજ્યમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે.
ગુજરાત LSA દ્વારા અમલમાં મૂકાયેલા 'CEIR રેન્કિંગ ફ્રેમવર્ક' અંતર્ગત નાણાકીય વર્ષ 2025-26 માટે શ્રેષ્ઠ કામગીરી બદલ અમદાવાદ શહેર, ડાંગ અને ભાવનગર જિલ્લાના નોડલ અધિકારીઓને રાજ્ય પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવ દ્વારા શીલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
રાષ્ટ્રીય સુરક્ષા અને છેતરપિંડી રોકવાનો મુખ્ય ઉદ્દેશ્ય
આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય સુરક્ષા વધારવાનો, ચોરાયેલા હેન્ડસેટનો દુરુપયોગ રોકવાનો અને ટેલિકોમ સંબંધિત છેતરપિંડી પર અંકુશ મેળવવાનો છે. CEIR સિસ્ટમ દ્વારા મોબાઈલ બ્લોક થતા જ તેનો ઉપયોગ અટકી જાય છે, જેથી ગુનેગારો મોબાઈલનો દુરુપયોગ કરી શકતા નથી. ગુજરાત પોલીસની આ કામગીરી નાગરિકો માટે મોટી રાહતરૂપ બની છે.
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
