તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
અમદાવાદના કૃષ્ણનગર ખાતે ક્ષત્રિય વિકાસ પરિષદ ગુજરાત દ્વારા "ગુજરાત પોલીસ ભરતી માર્ગદર્શન અભિયાન" સેમિનાર યોજાયો
યુવા વિકાસ મોરચાના સંયોજક કૃણાલ રાજપુતે શારીરિક કસોટી તથા પેપર ૧ A અને ૧ B ના પ્રારૂપ અંગે વિષયવાર માર્ગદર્શન આપી રોજ ભગવદ ગીતાજીનું વાંચન કરવા પ્રેરણા આપી : મહામંત્રી અશોકસિંહ ભદૌરિયાએ સમાજના યુવક-યુવતીઓને ચા સહિતના વ્યસન ત્યાગવા, યોગ અને એડવેન્ચરસ સ્પોર્ટ્સ અપનાવવા તેમજ લગ્નમાં દહેજ પ્રથાનો ત્યાગ કરવા આહવાન કર્યું

અમદાવાદ: ક્ષત્રિય વિકાસ પરિષદ ગુજરાત (KVPG) દ્વારા તા. ૨૨ નવેમ્બર, ૨૦૨૬ ને રવિવારના રોજ અમદાવાદના કૃષ્ણનગર સ્થિત કલ્યાણેશ્વર મહાદેવ મંદિર ખાતે "ગુજરાત પોલીસ ભરતી માર્ગદર્શન અભિયાન" અંતર્ગત વિશેષ પોલીસ ભરતી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા યુવાનોને પરીક્ષાની પદ્ધતિ અને જીવનશૈલી અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
પરીક્ષાના પ્રારૂપની સમજ અને ભગવદ ગીતાના વાંચનની પ્રેરણા:
આ કાર્યક્રમમાં KVPG ના યુવા વિકાસ મોરચાના સંયોજક કૃણાલ રાજપુતે ઉપસ્થિત યુવાનોને પોલીસ ભરતી પરીક્ષાના સમગ્ર પ્રારૂપને વિસ્તારથી સમજાવ્યું હતું. તેમણે ભરતી પ્રક્રિયામાં લેવાતી શારીરિક કસોટી તેમજ લેખિત પરીક્ષાના પેપર ૧ A અને પેપર ૧ B અંગે વિષયવાર ઝીણવટભરી જાણકારી આપી હતી. આ સાથે જ કૃણાલ રાજપુતે યુવાનોને દરરોજ ભગવદ ગીતાજીનું વાંચન કરીને ભગવાન કૃષ્ણના સંદેશમાંથી પ્રેરણા લેવા જણાવ્યું હતું, જેથી સ્પર્ધાત્મક પરીક્ષાના કોઈપણ મુશ્કેલ તબક્કામાં મન પીછેહઠ ન કરે અને આત્મવિશ્વાસ જળવાઈ રહે.
વ્યસનમુક્તિ, યોગ અને દહેજ પ્રથાના ત્યાગનું આહવાન:
સેમિનારના અંતે KVPG ના મહામંત્રી અશોકસિંહ ભદૌરિયાએ સમાપન વક્તવ્ય આપતા રાજપૂત સમાજના યુવક-યુવતીઓને જીવનમાં શિસ્ત અને સ્વાસ્થ્ય જાળવવા માટે ચા સુધ્ધાંનું વ્યસન ત્યાગવાની શીખ આપી હતી. તેમણે યુવાનોને શારીરિક અને માનસિક મજબૂતી માટે એડવેન્ચરસ સ્પોર્ટ્સ રમવા અને પોતાની દિનચર્યામાં યોગને અનિવાર્યરૂપે સામેલ કરવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત, મહામંત્રી અશોકસિંહ ભદૌરિયાએ સામાજિક સુધારા પર ભાર મૂકતા યુવકોને પોતાના લગ્ન પ્રસંગે દહેજ પ્રથાનો સંપૂર્ણ ત્યાગ કરીને સમાજમાં એક ઉદાહરણરૂપ બનવાનું આહવાન કર્યું હતું.
(4:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
