તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Thursday, 23rd April 2026
વ્યાજખોરી સામે ગુજરાત પોલીસની ઝુંબેશઃ મહિનામાં ૧૩૬ વ્યાજખોરો જેલ ભેગા
બે વર્ષ પહેલા શરૂ કરાયેલા અભિયાન બાદ પોલીસની નિષ્ક્રિયતાથી વ્યાજખોરો બેખૌફ બન્યા હતા

અમદાવાદ તા.૨૩: દર બે-ચાર વર્ષે ગુજરાત પોલીસમાં વ્યાજખોરો સામે સર્જિકલ સ્ટ્રાઈક કરવાનું ભૂત ધુણે છે. જોકે આ પોઝિટિવ અભિયાન અંતર્ગત ગુજરાત પોલીસે સર્જિકલ સ્ટ્રાઈક કરીને એક જ મહિનામાં ૧૩૬ વ્યાજખોરોને જેલભેગા કરી દીધા છે. જોકે બે વર્ષ પહેલા પણ વ્યાજખોરો સામેનું અભિયાન શરૂ કરાયું હતું, પરંતુ પોલીસની નિષ્ક્રિયતાને લઈને ફરીથી વ્યાજખોરો બેખૌફ બન્યા હતા.
આર્થિક સંકડામણમાં ફસાયેલા લોકો પોતાનું ગુજરાન ચલાવવા કે પછી કામધંધા માટે વ્યાજે રૂપિયા લેતા હોય છે. હવે આ મજબૂરી તેમના માટે ઘણી વખત મોતનું કારણ બનતી હોય છે. વ્યાજખોરો એક-બે કે ત્રણ ટકા નહીં, પરંતુ પૂરા ૧૦ ટકા વ્યાજ વસૂલતા હોય છે. રૂપિયા ચૂકવી શકતા ન હોવાથી આખરે લોકોને આપઘાત કરવો પડતો હોય છે. આવા વ્યાજખોરો સામે કડક પગલાં લેવા માટે ખુદ ડીજીપી દ્વારા આદેશ થતાં પોલીસે અસાધારણ કામગીરી કરી છે. જોકે આ અભિયાન અવિરત ચાલુ રહે તો જ વ્યાજખોરોનો આતંક ઘટે તેવી સંભાવના છે.
સુરતની એક ઘટના ડીજીપી ઓફિસના ધ્યાનમાં આવી હતી, જેમાં ૧૦ ટકા વ્યાજ લેતા વ્યાજખોરોને ઝડપી લઈને પાસા કરવામાં આવ્યા છે. આ તો થઈ એક ઘટના, પરંતુ આવા હજારો વ્યાજખોરો સમાજ માટે ખતરો બની રહ્યા છે. જો તમામ સામે પગલાં લેવામાં આવે તો આ દુષણ અટકી શકે તેમ છે. ડીજીપીના આદેશથી રાજ્ય પોલીસે એક મહિનામાં વ્યાજખોરીના ૧૧૦ કેસ કરીને ૧૩૬ વ્યાજખોરોને જેલભેગા કરી દીધા છે. અમદાવાદમાં પણ મેઘાણીનગરના વ્યાજખોરોએ તિવારી નામના શાકભાજીના વેપારીને ૬ લાખ આપી ૩૦ લાખ પડાવ્યા હતા. આખરે સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. દેસાઈએ આ વ્યાજખોરોને પાઠ ભણાવ્યો હતો.
ડીજીપીના આદેશથી બે વર્ષ પહેલા તમામ પોલીસ મથકો આગળ વ્યાજખોરો સામે ફરિયાદ કરવા માટે લાકડાની પેટીઓ લગાવવામાં આવી હતી. જેમાં ડરી ગયેલા લોકો, કે જેઓ વ્યાજખોરોથી ડરીને ફરીયાદ પણ કરી શકતા નહોતા, તેઓ આ પેટીમાં પોતાની અરજી નાખી દે એટલે વ્યાજખોરો સામે પગલાં લેવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવાઈ હતી. જોકે થોડા સમય બાદ આ પેટીઓની ચાવી ખોવાઈ ગઈ અને હવે તો પેટીઓ જ કટાઈ ગઈ છે. મોટા ભાગના પોલીસ મથકો આગળથી આ પેટીઓ હટાવી લેવામાં આવી છે.
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
