તા. ૧૧ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 18th April 2026
ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા વાવ-થરાદ જિલ્લાના ઢીમાં ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં વિકાસ સંકલ્પ સભા યોજાઈ
“સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ” મંત્ર સાથે ભાજપા સરકાર કાર્યરત: ચૂંટણીઓ વિકાસની રાજનીતિ પર કેન્દ્રિત બની : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

ગાંધીનગર, તા.૧૮: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉપલક્ષ્યમાં વાવ-થરાદ જિલ્લાના ઢીમાં ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપાની વિકાસ સંકલ્પ સભા યોજાઈ હતી. ઢીમાંની ધરતી પર પધારેલા મુખ્યમંત્રીશ્રીએ શ્રી ધરણીધર ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવી સર્વેની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કામને આધારે મત માંગવા અંગે પ્રસ્થાપિત કરેલા મનાંકોના પરિણામસ્વરૂપ ચૂંટણીઓ વિકાસની રાજનીતિ પર કેન્દ્રિત બની છે. વિકાસની આ રાજનીતિથી સમાજમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે અને દરેક નાગરિકને તેનો લાભ મળ્યો છે. હવે કોઈપણ રાજકીય પક્ષને મતદારો પાસે જવું હોય તો તેને પોતાનું કાર્ય અને ભવિષ્યના આયોજનનો હિસાબ આપવો પડે છે.
તેમણે કહ્યું કે છેલ્લા 30 વર્ષના ચૂંટણી ઇતિહાસમાં વિપક્ષની જમીની સ્તરે ગેરહાજરી અને પ્રજાથી દૂર રહેવાની વૃત્તિ સ્પષ્ટ જોવા મળે છે, જ્યારે ભાજપનો કાર્યકર હંમેશા પ્રજા વચ્ચે રહીને કાર્ય કરવા પ્રતિબદ્ધ રહ્યો છે. શ્રી નરેન્દ્રભાઇ મોદીના હંમેશા ઊંચું લક્ષ્યાંક રાખવાના દ્રષ્ટિકોણના કારણે દેશ અને ગુજરાતમાં ખૂબ મોટું સકારાત્મક પરિવર્તન આવ્યું છે. એક સમયે પાણી, રોડ અને વીજળી જેવી મૂળભૂત સુવિધાઓ પણ ઉપલબ્ધ નહોતી, પરંતુ આજે રાજ્ય આ તમામ ક્ષેત્રોમાં ઘણું આગળ વધી ગયું છે.
“સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ” આ કાર્યમંત્ર હેઠળ સરકાર સતત કાર્યરત છે. ઘેર ઘેર પાણી પહોંચાડવાનું કાર્ય, નર્મદાનું વધારાનું પાણી તમામ તળાવો સુધી પહોંચાડવાની કામગીરી, ખેડૂતોના હિતમાં જૂની અને નવી શરતવાળી જમીનોને પ્રીમિયમ વગર જૂની શરતમાં પરિવર્તિત કરવાનો નિર્ણય, માર્ગ સુવિધાઓનો વ્યાપક વિકાસ અને ઢીમા નજીક દૂધવા ખાતે જીઆઈડીસી સ્થાપનાનું કાર્ય શરૂ થયું હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો હતો. આયુષ્યમાન કાર્ડના કારણે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ અંતમાં જણાવ્યું કે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે વિકસિત ગુજરાતનું નિર્માણ જરૂરી છે. તેમણે ભાજપા તરફી જંગી મતદાન કરી ભાજપા ઉમેદવારોને વિજયી બનાવવા સૌ નાગરિકોને અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં મહામંડલેશ્વરશ્રી મહંત જાનકીબાપુજી, રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર, પૂર્વ સાંસદ પરબતભાઇ પટેલ, જિલ્લા પ્રભારી વિશાલભાઇ પટેલ, જિલ્લા ભાજપા પ્રમુખ ડો.નરેશભાઇ ઠાકોર સહિત જિલ્લાના ભાજપા સંગઠનના પદાધિકારીઓ, આગેવાનો, અગ્રણીઓ અને કાર્યકર્તાઓ તથા સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
