તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th July 2026
બિઝનેસના બેસ્ટ ડેસ્ટિનેશન તરીકે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રીમિયમ બિઝનેસ નેટવર્કિંગ પ્લેટફોર્મ 'VIBOS'નું અમદાવાદમાં ભવ્ય લોન્ચિંગ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'વિરાસત ભી વિકાસ ભી'ના મંત્રને સાકાર કરશે 'વાઇબોસ' : સંસ્થાના પ્રમુખ આર. પી. પટેલ અને મેન્ટર ચિરંજીવ પટેલની ઉપસ્થિતિમાં વાઇબોસ દ્વારા ૨ લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ જાહેર કરાયો

અમદાવાદ, શનિવાર: અમદાવાદ ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રીમિયમ બિઝનેસ નેટવર્કિંગ પ્લેટફોર્મ 'VIBOS' (વિશ્વ ઉમિયા ઇન્ટરનેશનલ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એન્ડ સોશિયલ નેટવર્ક)નું લોન્ચિંગ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્લેટફોર્મ આધ્યાત્મિક પ્લેટફોર્મ પર બનેલું ભારતનું સંભવતઃ સૌથી પહેલું બિઝનેસ પ્લેટફોર્મ બની રહેશે.
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે આપણા સૌ માટે આનંદ અને ગૌરવ લેવા જેવી વાત છે કે તાજેતરમાં જ ગુજરાતે બિઝનેસના બેસ્ટ ડેસ્ટિનેશન તરીકે દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગુજરાત પોલીસી ડ્રીવન સ્ટેટ તરીકે જાણીતું બન્યું છે. ગુજરાતની ઉદ્યોગ નીતિ-૨૦૨૬ રાજ્ય ઉપરાંત દેશ-વિદેશના ઉદ્યોગ સાહસિકોને પસંદ આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાત સરકારે હંમેશાં એમએસએમઈ તથા ઉદ્યોગોને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે, જેથી રાજ્ય સરકારની ઉદ્યોગો માટેની નીતિઓ અને યોજનાઓનો ઉદ્યોગકારો વધુમાં વધુ લાભ લે.
વિશ્વ ઉમિયાધામનાં ધાર્મિક-સામાજિક કાર્યોનો ઉલ્લેખ કરવા સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'વિરાસત ભી વિકાસ ભી'ના વિચારને 'વાઇબોસ' નેટવર્ક સાકાર કરશે એવી આશા છે. સંસ્કૃતિને સાથે રાખીને ચાલીશું તો જ વિકાસ લાંબા સમય સુધી ટકી રહેશે.
પર્યાવરણ જતન અને રાષ્ટ્રભક્તિનું આહ્વાન:
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે બિઝનેસની સાથે સાથે પર્યાવરણનું જતન કરવા ટકોર કરીને જણાવ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગની સમસ્યામાંથી બહાર આવવા માટે ગ્રીન કવર વધારવું જરૂરી છે. તાજેતરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના પ્રયાસોથી સવા કરોડ વૃક્ષો વાવવામાં આવ્યા છે, એમાંથી પ્રેરણા લઈને તક મળે ત્યાં વૃક્ષોનું વાવેતર અને જતન કરવું જરૂરી છે. તેમણે ઉમેર્યું કે આપણે પાણી અને વીજળી બચાવીને કે પછી પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડીને પણ રાષ્ટ્રભક્તિ કરી શકીએ છીએ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા 'મિશન લાઇફ'ના વિચારને અનુસરીને પર્યાવરણ-મિત્ર જીવન અપનાવવું જોઈએ. આ સાથે જ તેમણે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા વિકસિત ગુજરાત બનાવવા માટે 'સૌનો સાથ, સૌનો વિકાસ' કાર્યમંત્રને અપનાવવાની અપીલ કરી હતી.
વાઇબોસ દ્વારા ૨ લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ:
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વૃક્ષારોપણ માટેની અપીલને ઝીલી લઈને અને તેને ઉત્સાહભેર પ્રતિસાદ આપતા વાઇબોસ પ્લેટફોર્મ દ્વારા આગામી સમયમાં બે લાખ વૃક્ષો વાવવાનો મોટો સંકલ્પ જાહેર કરવામાં આવ્યો હતો.
આ ભવ્ય પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે વાઇબોસના પ્રથમ ચેપ્ટર 'આદિયોગી - અમદાવાદ'નું સત્તાવાર લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું તથા પ્લેટફોર્મની કોર ટીમના સભ્યોનું વિશેષ બહુમાન અને સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં વાઇબોસના મેન્ટર અને ઉદ્યોગ સાહસિક ચિરંજીવ પટેલે પ્રાસંગિક સ્વાગત પ્રવચન કર્યું હતું. ત્યારબાદ વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર. પી. પટેલ દ્વારા પ્રાસંગિક પ્રવચન કરીને 'વાઇબોસ'ની સર્જનપ્રક્રિયા અને તેના મુખ્ય ઉદ્દેશો અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ પ્રીમિયમ બિઝનેસ પ્લેટફોર્મના લોન્ચિંગ પ્રસંગે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના અગ્રણીઓ, વાઇબોસની કોર ટીમ સહિત સમગ્ર ગુજરાતભરમાંથી ૨૦૦થી વધુ અગ્રણી ઉદ્યોગપતિઓ અને વેપારીઓ ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા.
(9:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
