તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
૧૬,૦૮૬ મેગાવોટની સ્થાપિત ક્ષમતા સાથે પવન ઊર્જા ક્ષેત્રે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે : મિનિસ્ટ્રી ઑફ ન્યૂ એન્ડ રિન્યૂએબલ એનર્જીએ જાહેર કર્યા આંકડા
નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ૩૩,૭૦૬ મિલિયન યુનિટ વીજ ઉત્પાદન કરીને રાષ્ટ્રીય સ્તરે એક-તૃતીયાંશ યોગદાન આપનાર ગુજરાતે સ્થાપ્યો નવો કીર્તિમાન

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: ગુજરાતે નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે અગ્રણી રાજ્ય તરીકે પોતાની ઓળખ વધુ મજબૂત બનાવી છે. મિનિસ્ટ્રી ઑફ ન્યૂ એન્ડ રિન્યૂએબલ એનર્જી દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના ડેટા અનુસાર, ગુજરાતે પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતા અને વીજ ઉત્પાદન બંનેમાં સમગ્ર દેશમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. ૩૦ જૂન, ૨૦૨૬ ના આંકડા મુજબ, ગુજરાતમાં પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતા ૧૬,૦૮૬ મેગાવોટ સુધી પહોંચી ગઈ છે, જે દેશના તમામ રાજ્યોમાં સર્વાધિક છે. આ ઉપરાંત, નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન રાજ્યએ પવન ઊર્જામાંથી ૩૩,૭૦૬ મિલિયન યુનિટ (MU) વીજળી ઉત્પન્ન કરી છે, જે દેશના કુલ પવન ઊર્જા ઉત્પાદનના લગભગ એક-તૃતીયાંશ જેટલું યોગદાન દર્શાવે છે.
દેશમાં પવન ઊર્જાના વિકાસને નવી દિશા આપવામાં ગુજરાત અગ્રેસર રાજ્ય તરીકે ઊભરી આવ્યું છે. હાલમાં ભારતની કુલ પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતા ૫૭,૪૪૩ મેગાવોટ સુધી પહોંચી છે, જ્યારે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન રાષ્ટ્રીય સ્તરે વાર્ષિક વીજ ઉત્પાદન વધીને ૧૦૬ અબજ યુનિટ નોંધાયું છે. આ રાષ્ટ્રીય સિદ્ધિમાં ગુજરાતનું યોગદાન અત્યંત નોંધપાત્ર રહ્યું છે, જે ટકાઉ વિકાસ, ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા અને આબોહવા પરિવર્તનના પડકારોને પહોંચી વળવા માટે રાજ્યની પ્રતિબદ્ધતા સ્પષ્ટ કરે છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે પરંપરાગત ઇંધણ પરની નિર્ભરતા ઘટાડી વર્ષ ૨૦૩૦ સુધીમાં દેશની ૫૦ ટકા વીજળી નવીનીકરણીય ઊર્જા સ્ત્રોતોમાંથી મેળવવાનો સંકલ્પ કર્યો છે. આ રાષ્ટ્રીય વિઝનને સાકાર કરવાના ભગીરથ કાર્યમાં ગુજરાતે પવન, સૌર અને રૂફટોપ સોલાર ઊર્જા ક્ષેત્રે દેશમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઝડપી વિકાસ, રોકાણકારો માટે અનુકૂળ ઈકોસિસ્ટમ અને પ્રગતિશીલ નીતિઓના અસરકારક અમલીકરણના પરિણામે રાજ્ય નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે સતત નવા સીમાચિહ્નો સ્થાપિત કરી રહ્યું છે.
કેન્દ્ર સરકાર દ્વારા પણ નવીનીકરણીય ઊર્જાને પ્રોત્સાહન આપવા માટે વિવિધ મહત્વપૂર્ણ યોજનાઓ અને નીતિગત સુધારાઓ અમલમાં મૂકવામાં આવ્યા છે. ગ્રીન એનર્જી કોરિડોર યોજના હેઠળ નવી ટ્રાન્સમિશન લાઇનો અને સબસ્ટેશનોના વિકાસથી નવીનીકરણીય ઊર્જાના કાર્યક્ષમ વીજ પરિવહન માટેનું માળખું સુદૃઢ બન્યું છે. ઈન્ટર-સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ (ISTS) ચાર્જમાં આપવામાં આવેલી રાહતોથી ક્ષેત્રમાં રોકાણને પ્રોત્સાહન મળ્યું છે, જ્યારે 'નેશનલ રીપાવરિંગ એન્ડ લાઈફ એક્સ્ટેન્શન પોલિસી ફોર વિન્ડ પાવર પ્રોજેક્ટ્સ-૨૦૨૩' દ્વારા હયાત પવન ઊર્જા પ્રોજેક્ટ્સના આધુનિકીકરણને વેગ મળ્યો છે. સાથોસાથ, 'ઓફશોર વિન્ડ એનર્જી લીઝ રૂલ્સ-૨૦૨૩' અને વાયબિલિટી ગેપ ફંડિંગ યોજનાના અમલથી ઓફશોર વિન્ડ એનર્જી ક્ષેત્રમાં પણ વિસ્તરણની નવી તકો ઊભી થઈ છે.
કેન્દ્ર સરકારની આ તમામ નીતિઓના કડક અમલીકરણ સાથે ગુજરાતે પવન ઊર્જાને રાજ્યના વીજ ગ્રીડમાં સફળતાપૂર્વક સાંકળી લીધી છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં સૌપ્રથમ પવન ઊર્જા નીતિ અમલમાં મૂકનાર રાજ્ય તરીકે પણ ગુજરાતે આ ક્ષેત્રના વિકાસમાં અગ્રણી ભૂમિકા ભજવી છે. નવીનતા (ઇનોવેશન) અને રોકાણકારોને અનુકૂળ નીતિઓના પરિણામે રાજ્યમાં એક મજબૂત ઈકોસિસ્ટમ તૈયાર થઈ છે, જેને કારણે પવન ઊર્જા ક્ષેત્રે ગુજરાતનું આ મૉડલ આજે દેશના અન્ય રાજ્યો માટે પણ પ્રેરણારૂપ અને ઉદાહરણરૂપ બન્યું છે.
(5:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
