News of Wednesday, 25th November 2026
ગુજરાત RERA ની ઐતિહાસિક પહેલ : હવે ઘર ખરીદતા પહેલા બિલ્ડરનો સમગ્ર ટ્રેક રેકોર્ડ આંગળીના ટેરવે જાણી શકાશે
ગુજરેરા પોર્ટલ પર દરેક પ્રોજેક્ટ પેજમાં નવું પ્રમોટર્સ ટ્રેક રેકોર્ડ સેક્શન ઉમેરાયું : રાજ્યના 17 હજારથી વધુ પ્રોજેક્ટ્સના બિલ્ડરોના અન્ય પ્રોજેક્ટ્સ, ફરિયાદો, ચુકાદાઓ અને પેનલ્ટીની વિગતો લોગ-ઈન વગર જ જોઈ શકાશે

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્રના સુવ્યવસ્થિત વિકાસ અને પ્રોપર્ટી ખરીદનારા ગ્રાહકોના હિતોના રક્ષણ માટે સતત કાર્યરત ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી એટલે કે ગુજરેરા (GUJRERA) દ્વારા પારદર્શિતા વધારવાની દિશામાં એક અત્યંત મહત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂપ પહેલ અમલમાં મૂકવામાં આવી છે. હવે કોઈપણ નાગરિક પ્રોપર્ટીની ખરીદી કરતા પહેલા સંબંધિત બિલ્ડર કે પ્રમોટરનો સંપૂર્ણ ભૂતકાળ અને કામગીરીનો હિસાબ ઘરે બેઠા મોબાઈલ કે કમ્પ્યુટર પર ચકાસી શકશે. આ માટે ગુજરેરા વેબ પોર્ટલ પર દરેક રિયલ એસ્ટેટ પ્રોજેક્ટના પેજ પર પ્રમોટર્સ ટ્રેક રેકોર્ડ નામનું એક નવું અને અલાયદું સેક્શન ઉમેરવામાં આવી રહ્યું છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત રેરાનું સત્તાવાર વેબ પોર્ટલ www.gujrera.gujarat.gov.in રાજ્યના રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ વિશે આધારભૂત માહિતી મેળવવાના સૌથી વિશ્વસનીય સ્ત્રોત તરીકે ઉભરી આવ્યું છે. આ પોર્ટલ પર હાલમાં રાજ્યના 17 હજારથી વધુ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સની ઝીણવટભરી માહિતી કોઈપણ પ્રકારના લોગ-ઈનની ઝંઝટ વિના ઉપલબ્ધ છે. નાગરિકોએ માત્ર પોર્ટલના હોમ પેજ પર ઉપરના ભાગે આપેલા સર્ચ બોક્સમાં પ્રોજેક્ટનું નામ અથવા રેરા રજીસ્ટ્રેશન નંબર ટાઈપ કરવાનો રહેશે. ત્યારબાદ ખુલતા પ્રોજેક્ટ પેજ પર વ્યુ મોર વિકલ્પ પસંદ કરવાથી પ્રોજેક્ટના દસ્તાવેજો, લે-આઉટ, મંજૂર થયેલા પ્લાન, બાંધકામના સ્પેસિફિકેશન્સ, કાર્પેટ એરિયા, બ્રોશર, પ્રમોટર્સ, આર્કિટેક્ટ, એન્જિનિયર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની વિગતો, યુનિટ બુકિંગ સ્ટેટસ, પ્રોજેક્ટ પૂર્ણ થવાની તારીખ, પ્રગતિની સ્થિતિ, પેમેન્ટ માટેનું બેંક એકાઉન્ટ તેમજ બાનાખત અને સેલ ડીડના મુસદ્દા સહિતની તમામ વિગતો સરળતાથી જોઈ શકાય છે.
આ સુવિધાને વધુ મજબૂત બનાવતા હવે પ્રમોટર્સ ટ્રેક રેકોર્ડ સેક્શનના માધ્યમથી ગ્રાહકો જાણી શકશે કે જે-તે પ્રોજેક્ટના પ્રમોટર દ્વારા રાજ્યમાં અન્ય કયા પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા છે. એટલું જ નહીં, પ્રમોટરના અન્ય પ્રોજેક્ટ્સ સામે કોઈ ફરિયાદ દાખલ થઈ હોય તો તેની વિગત, ચુકાદાની નકલ, ગુજરાત રેરા દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી હોય કે દંડ ફટકારવામાં આવ્યો હોય તો તેની સંપૂર્ણ માહિતી પણ અહીં ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત પ્રમોટરે વિવિધ પ્રોજેક્ટ્સમાં કેટલા પ્રોગ્રેસ રિપોર્ટ્સ જમા કરાવ્યા છે તે પણ જોઈ શકાશે. 17 હજારથી વધુ પ્રોજેક્ટ્સના પ્રમોટર્સનો આવો ડેટા એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થવાથી ગ્રાહકોને યોગ્ય નિર્ણય લેવામાં મોટી મદદ મળશે.
ગાંધીનગર સ્થિત સહયોગ સંકુલના ચોથા માળે કાર્યરત ગુજરાત રેરા દ્વારા ગ્રાહકો, પ્રમોટર્સ, એજન્ટ્સ અને અન્ય હિતધારકોને કાયદાકીય જોગવાઈઓથી માહિતગાર રાખવા માટે સોશિયલ મીડિયાનો પણ વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. આ માટે ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ ચેનલ gujreraofficial તેમજ વોટ્સએપ ચેનલ Gujarat RERA પર નિયમિતપણે અદ્યતન માહિતી અને અપડેટ્સ પૂરા પાડવામાં આવે છે.
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
