તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ GSEB દ્વારા લેવાયેલી ધોરણ 10-12ની પરીક્ષાની માર્કશીટમાં નામ કે જન્મતારીખમાં ભૂલ છે? જાણો સુધારાની સંપૂર્ણ પ્રક્રિયા
ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ હવે સ્કૂલ મારફતે અરજી કરી શકશે, એફિડેવિટ, ગેઝેટ અને જન્મ પ્રમાણપત્ર સહિતના દસ્તાવેજો જરૂરી, એક વર્ષમાં અરજી કરવાથી પ્રક્રિયા સરળ બને છે

ગાંધીનગર, તા. 11 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ GSEB દ્વારા લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાની માર્કશીટમાં વિદ્યાર્થીના નામ, અટક કે જન્મતારીખમાં ભૂલ હોય તો તે સુધારી શકાય છે. ઘણીવાર સ્કૂલ રેકોર્ડ કે જન્મ પ્રમાણપત્ર સાથે માર્કશીટની વિગતો મેળ ન ખાતી હોય ત્યારે વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ કે નોકરીમાં મુશ્કેલી પડે છે. બોર્ડે આવી ભૂલો સુધારવા માટે નિયત પ્રક્રિયા જાહેર કરી છે.
માર્કશીટમાં નામ કે જન્મતારીખ સુધારવા માટે શું કરવું?
ધોરણ 10 કે 12ની માર્કશીટમાં નામ કે જન્મતારીખ સુધારવા માટે વિદ્યાર્થીએ સૌપ્રથમ જે સ્કૂલમાંથી પરીક્ષા આપી હોય તે સ્કૂલના આચાર્યનો સંપર્ક કરવાનો રહેશે. અરજી સ્કૂલ મારફતે જ બોર્ડમાં મોકલવામાં આવે છે. ડાયરેક્ટ બોર્ડમાં અરજી સ્વીકારવામાં આવતી નથી.
જન્મતારીખ સુધારવા માટે જરૂરી દસ્તાવેજો
જન્મતારીખમાં સુધારો કરવા માટે સૌથી મહત્વનો દસ્તાવેજ જન્મનું પ્રમાણપત્ર છે. જે વિદ્યાર્થીએ મ્યુનિસિપલ કોર્પોરેશન કે ગ્રામ પંચાયતમાંથી જન્મ પ્રમાણપત્ર મેળવેલું ન હોય, તેણે પહેલા તે મેળવી લેવું. આ ઉપરાંત શાળા છોડ્યાનું પ્રમાણપત્ર LC જેમાં જન્મતારીખ લખેલી હોય, આધાર કાર્ડ, રેશન કાર્ડ જેવા આધારો પણ રજૂ કરવા પડે. જો પરિણામ જાહેર થયાને એક વર્ષથી વધુ સમય થઈ ગયો હોય તો કેટલાક કિસ્સામાં કોર્ટના હુકમની જરૂર પડી શકે છે.
નામમાં સુધારો કરવા માટેની પ્રક્રિયા
નામમાં ભૂલ હોય કે નામ બદલવું હોય તો વિદ્યાર્થીએ ત્રણ તબક્કાની પ્રક્રિયા કરવી પડે. પહેલા 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર એફિડેવિટ બનાવી નોટરી કરાવવું પડે, જેમાં જૂનું નામ, નવું નામ અને બદલવાનું કારણ લખવું જરૂરી છે. બીજા તબક્કામાં એક સ્થાનિક ગુજરાતી અને એક રાષ્ટ્રીય અંગ્રેજી અખબારમાં નામ બદલ્યાની જાહેરાત આપવી પડે. ત્રીજા તબક્કામાં ગેઝેટ ઓફ ઈન્ડિયામાં નામ બદલવાની અરજી કરવી પડે. એફિડેવિટ, અખબારની કટિંગ અને અન્ય પુરાવા સાથે ગેઝેટ ઓફિસમાં અરજી કર્યા બાદ 15થી 30 દિવસમાં ગેઝેટ પ્રસિદ્ધ થાય છે.
અરજી ક્યાં અને કેવી રીતે કરવી?
આ બધા દસ્તાવેજો સાથે વિદ્યાર્થીએ શાળાના આચાર્યને અરજી આપવાની રહેશે. આચાર્ય દ્વારા બોર્ડની વેબસાઈટ પરથી કરેક્શન ફોર્મ ડાઉનલોડ કરી વિગતો ભરી તમામ આધારો સાથે GSEBને મોકલવામાં આવે છે. બોર્ડ દ્વારા ચકાસણી બાદ સુધારેલી માર્કશીટ ઈસ્યુ કરવામાં આવે છે. ધોરણ 10-12ની ડુપ્લિકેટ માર્કશીટ કે સર્ટિફિકેટ માટે પણ http://gsebeservice.com પરથી ઓનલાઈન અરજી કરી શકાય છે.
મહત્વની સૂચના
પરિણામ જાહેર થયાના એક વર્ષની અંદર સુધારા માટે અરજી કરવામાં આવે તો પ્રક્રિયા ઝડપી અને સરળ બને છે. એક વર્ષ બાદ અરજી કરવાથી કોર્ટ ઓર્ડર સહિતની કાનૂની પ્રક્રિયા કરવી પડી શકે છે. તેથી વિદ્યાર્થીઓએ માર્કશીટ મળતા જ નામ, અટક અને જન્મતારીખ ચકાસી લેવા અને ભૂલ જણાય તો તરત જ શાળાનો સંપર્ક કરવો હિતાવહ છે.
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
