<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટથી કંપ્યું ગુજરાત: કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનો તંત્ર પર મોટો પ્રહાર, જવાબદારો સામે કડક એક્શનની માંગ

અવારનવાર બનતી હોનારતો એ અકસ્માત નહીં પણ ભ્રષ્ટાચાર અને સત્તાધીશોની મિલીભગતનું પરિણામ: તક્ષશિલા, મોરબી, વડોદરા અને રાજકોટ અગ્નિકાંડના દાખલા આપી અમિત ચાવડાએ સરકારને ઘેરી

અમદાવાદ : ગુજરાતના ઔદ્યોગિક અને રહેણાંક વિસ્તારોમાં સુરક્ષા નિયમોના લીરેલીરા ઉડાવતી વધુ એક ભયાનક અને હૃદયદ્રાવક દુર્ઘટના અમદાવાદમાં સામે આવી છે. અહીં એક ફટાકડાની ફેક્ટરીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટ અને ત્યારબાદ લાગેલી ભીષણ આગમાં અનેક નિર્દોષ શ્રમિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને અનેક લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. આ ચકચારી ઘટનાને પગલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ ઊંડા શોકની લાગણી વ્યક્ત કરવાની સાથે જ રાજ્યની ભાજપ સરકાર અને વહીવટી તંત્ર સામે આકરા પ્રહારો કર્યા છે.

ઘાયલોને તાત્કાલિક શ્રેષ્ઠ સારવાર આપવા અપીલ:

દુર્ઘટના અંગે સત્તાવાર નિવેદન જારી કરતા કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, "અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટ અને આગની ઘટનામાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યાના સમાચાર અત્યંત દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે. અમે તમામ મૃતકોના પવિત્ર આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ તથા તેમના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદનશીલતા વ્યક્ત કરીએ છીએ." આ સાથે જ તેમણે રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રને વિનંતી કરી છે કે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી પૂર્ણ કરવામાં આવે અને તમામ ઈજાગ્રસ્તોને કોઈ પણ વિલંબ વિના શ્રેષ્ઠ તબીબી સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે.

આ અકસ્માત નથી, ભ્રષ્ટાચારની દેણ છે:

અમિત ચાવડાએ સરકારના તંત્રને આડે હાથ લેતા ગંભીર આક્ષેપો કર્યા હતા કે ગુજરાતમાં વારંવાર બનતી આવી ગંભીર હોનારતો માત્ર સામાન્ય અકસ્માત નથી, પરંતુ સરકારી તંત્રની ઘોર બેદરકારી, ભ્રષ્ટાચાર અને સત્તાધીશોની મિલીભગતનું જીવતું જાગતું પરિણામ છે. ભૂતકાળની કાળજું કંપાવતી ઘટનાઓ યાદ અપાવતા તેમણે કહ્યું કે, "સુરતનો તક્ષશિલા અગ્નિકાંડ, મોરબીની ઝૂલતા પુલની દુર્ઘટના, વડોદરાનો હરણી બોટ કાંડ, રાજકોટનો ગેમ ઝોન અગ્નિકાંડ અને તાજેતરમાં જ ડીસા તથા કપડવંજની ફટાકડા ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટો છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. અમદાવાદની આ ઘટના સાબિત કરે છે કે સલામતીના નિયમોના અમલમાં ગંભીર લાપરવાઈ દાખવવામાં આવી રહી છે."

સમગ્ર ગુજરાતમાં વિશેષ ચકાસણી અભિયાનની માંગ:

કોંગ્રેસ પ્રમુખે આક્રોશ પૂર્વક માંગ કરી છે કે સમગ્ર ગુજરાતમાં ભ્રષ્ટાચારના જોરે ગેરકાયદેસર રીતે ચાલતી જોખમી ફેક્ટરીઓ અને એકમોને તાત્કાલિક બંધ કરવામાં આવે. તેમણે તંત્રને સવાલ કર્યો છે કે નિર્દોષ લોકો ક્યાં સુધી પોતાના જીવ ગુમાવતા રહેશે? આ ઘટના માટે જવાબદાર તમામ નાના-મોટા સરકારી અધિકારીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા માટે રાજ્યભરમાં ફટાકડાની ફેક્ટરીઓ, ગેમ ઝોન અને જોખમી ઉદ્યોગોમાં ફાયર સેફ્ટી અને સલામતીના નિયમોનું વિશેષ ચકાસણી અભિયાન હાથ ધરવામાં આવે. આ સાથે જ સરકારે પોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને મૃતકોના પરિવારોને પૂરતું આર્થિક વળતર ચૂકવવું જોઈએ.

(10:06 PM IST)