તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th October 2026
અમદાવાદ ઇન્ટરનેશનલ બૂક ફેસ્ટિવલ-૨૦૨૬માં ગુજરાત રાજ્ય જેલ વિભાગનો સ્ટોલ બન્યો આકર્ષણનું કેન્દ્ર : બંદીવાનોના સુધારણા અને માનવીય પરિવર્તનની પ્રેરક ગાથા રજૂ કરતું સાહિત્ય પ્રદર્શિત
સ્ટોલ નંબર B-48 પર જેલ પ્રશાસનની ઐતિહાસિક સફરથી લઈને આધુનિક સુધારાત્મક અભિગમ, પુનર્વસન પ્રવૃત્તિઓ દર્શાવતા પુસ્તકો અને ડિજિટલ ઈ-બુક ઉપલબ્ધ : જેલ ડીજીપી કે.એલ.એન. રાવ દ્વારા નાગરિકોને મુલાકાત લેવા અનુરોધ

અમદાવાદ : અમદાવાદ ખાતે યોજાઈ રહેલા ‘અમદાવાદ ઇન્ટરનેશનલ બૂક ફેસ્ટિવલ–૨૦૨૬’ માં દેશ-વિદેશના પ્રતિષ્ઠિત પ્રકાશકો અને લેખકોની ઉપસ્થિતિ વચ્ચે ગુજરાત રાજ્ય જેલ વિભાગનો સ્ટોલ પુસ્તકપ્રેમીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર સાબિત થઈ રહ્યો છે. ૨૪ ઑક્ટોબરથી ૧ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન સવારે ૧૧:૦૦ થી રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધી ખુલ્લા રહેનારા આ સાહિત્યિક મહોત્સવમાં જેલ પ્રશાસન માટે સ્ટોલ નંબર B-48 ફાળવવામાં આવ્યો છે.
આ પ્રદર્શનમાં રાજ્યની જેલોમાં ચાલી રહેલા સકારાત્મક સુધારાઓ, કલ્યાણકારી પ્રવૃત્તિઓ અને બંદીવાનોના માનવીય પરિવર્તનની સમગ્ર યાત્રાને પ્રતિબિંબિત કરતું મૂલ્યવાન સાહિત્ય મૂકવામાં આવ્યું છે. જેલ વ્યવસ્થાના ઐતિહાસિક સંદર્ભથી લઈને વર્તમાન આધુનિક તથા સુધારાત્મક અભિગમ સુધીની તબક્કાવાર સફરનું વર્ણન કરતું દસ્તાવેજી પુસ્તક આ સ્ટોલનું મુખ્ય આકર્ષણ છે. આ સાથે ગુનેગારીના માર્ગથી સન્માનજનક જીવન તરફ દોરી જતા આંતરિક પરિવર્તનની પ્રેરક કથાઓ તેમજ જેલની ચાર દીવાલો વચ્ચે કેદીઓના પુનર્વસન, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ દ્વારા તેમના જીવનમાં આવેલા વાસ્તવિક બદલાવને વાચા આપતા પ્રકાશન પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
આ ઉપરાંત, દેશ અને વિશ્વના જેલ વહીવટના માળખાકીય તથા નીતિવિષયક ફેરફારોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં રજૂ કરતો અંગ્રેજી ભાષાનો અધિકૃત અભ્યાસ ગ્રંથ પણ આ સ્ટોલમાં ઉપલબ્ધ છે. ડિજિટલ યુગના અભિગમ મુજબ સમગ્ર દેશના જેલ વિભાગોમાં સર્જન પામેલા વૈવિધ્યસભર સાહિત્યને ડિજિટલ સ્વરૂપમાં રજૂ કરતી ઐતિહાસિક ઈ-બુક પણ તૈયાર કરવામાં આવી છે, જે જેલ તંત્રની રચનાત્મક અને કલાત્મક પ્રવૃત્તિઓની ઝાંખી કરાવે છે.
નાગરિકો અને પુસ્તકપ્રેમીઓ જેલ પ્રશાસનના આ સુધારાત્મક અભિગમ તથા પરિવર્તનકારી સાહિત્યિક પ્રવૃત્તિઓથી પરિચિત થાય તે માટે જેલ ડીજીપી કે.એલ.એન. રાવ દ્વારા સ્ટોલ નંબર B-48 ની અચૂક મુલાકાત લેવા માટે વિશેષ અનુરોધ કરવામાં આવ્યો છે.
(8:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
