<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th May 2026

લંડન જવાની લાલચમાં ગુજરાતી પરિવાર વિદેશમાં આતંકીઓના શરણે: પુત્રનો લોહીલુહાણ ફોટો મોકલી એજન્ટોએ માંગી એક કરોડની ખંડણી

અમદાવાદના ગોમતીપુરનું દંપતી બે બાળકો સાથે દુબઈથી ગુમ થતા પરિવારમાં ફફડાટ: વિદેશ ઘેલછામાં ફસાયેલા માસૂમ પરિવારને કેન્યા કે ઈથોપિયામાં બંધક બનાવી કરાઈ રહી છે 70 લાખની સોદાબાજી

અમદાવાદ: વિદેશમાં સેટલ થવાની ઘેલછાએ ફરી એકવાર ગુજરાતી પરિવારને મોતની ખાઈમાં ધકેલી દીધો છે. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતું એક દંપતી તેમના બે માસૂમ પુત્રો સાથે લંડન જવાના સપના જોતું ૨૦ એપ્રિલના રોજ એજન્ટોના કહેવા પર દિલ્હીથી શ્રીલંકા થઈને દુબઈ પહોંચ્યું હતું. જોકે, દુબઈ પહોંચ્યા બાદ પરિવારનો સંપર્ક અચાનક તૂટી ગયો હતો અને ત્યારબાદ એકાએક ‘બાબા ખાન’ નામના શખ્સે પરિવારના મોભીને પુત્રનો લોહીથી લથપથ ફોટો વોટ્સએપ પર મોકલી ૧ કરોડ રૂપિયાની ખંડણી માંગતા ખળભળાટ મચી ગયો છે.

આ હૃદયદ્રાવક ઘટનાની વિગતો મુજબ, એજન્ટોએ શરૂઆતમાં ૪ મેના રોજ ૧.૫ કરોડ રૂપિયાની માંગણી કરી હતી, જે બાદમાં સોદાબાજી દરમિયાન ૧ કરોડ અને અંતે ૭૦ લાખ સુધી આવી પહોંચી હતી. એજન્ટો દ્વારા સતત ધમકીભર્યા ફોન કોલ્સ અને મેસેજ આવતા અમદાવાદમાં રહેતા સ્વજનો ફફડી ઉઠ્યા છે. પરિવારે તાત્કાલિક ધોરણે પોલીસનો સંપર્ક સાધતા આંતરરાષ્ટ્રીય સ્તરનું રેકેટ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે બંધક બનાવાયેલા પરિવારને હાલ કેન્યા અથવા ઈથોપિયાના કોઈ અજ્ઞાત સ્થળે નજરકેદ રાખવામાં આવ્યા હોવાની શક્યતા છે.

અમદાવાદ પોલીસે આ ગંભીર મામલે સ્થાનિક એજન્ટની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે, જેમાં વલસાડના એક મોટા એજન્ટની સંડોવણી હોવાનું પણ સામે આવ્યું છે. દર મહિને અનેક લોકો ગેરકાયદેસર રીતે વિદેશ જવા માટે એજન્ટોના ચુંગાલમાં ફસાય છે, જેનું આ એક વરવું ઉદાહરણ છે. હાલ પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ વિદેશી ધરતી પર બંધક બનેલા આ ગુજરાતી પરિવારને હેમખેમ છોડાવવા માટે રાજદ્વારી સ્તરે પ્રયાસો કરી રહી છે, ત્યારે આ ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી દીધી છે.

(11:33 AM IST)