તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st September 2026
ગુજરાતની સરહદો પર પાકિસ્તાની આઈએસઆઈનું અત્યંત ખતરનાક 'હની ટ્રેપ' ષડયંત્ર: સોશિયલ મીડિયાની ગ્લેમરસ જાળમાં ફસાઈને દેશ સાથે ગદ્દારી કરી રહ્યા છે દેશના કેટલાક યુવાનો
કચ્છ, બનાસકાંઠા, ઓખા અને પોરબંદર જેવા સંવેદનશીલ સરહદી વિસ્તારો બન્યા જાસૂસીના અડ્ડા; અદિતિ ભારદ્વાજ અને અદિતિ તિવારી જેવા ફેક નામથી સૈન્ય માહિતી લીક કરતા અગ્નિવીરો અને નાગરિકો ATSના સકંજામાં

ભુજ : દેશની પશ્ચિમી સરહદ પર પાકિસ્તાનની કુખ્યાત ગુપ્તચર એજન્સી આઈએસઆઈ (ISI) દ્વારા સુરક્ષા દળોને નિશાન બનાવીને એક અત્યંત ખતરનાક જાસૂસી નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. અગ્નિવીરો અને સરહદી વિસ્તારોમાં ફરજ બજાવતા કર્મચારીઓને હની ટ્રેપમાં ફસાવવાના વધતા જતા કિસ્સાઓ વચ્ચે ગુજરાત ATS એ પાકિસ્તાની જાસૂસી ષડયંત્રનો મોટો પર્દાફાશ કર્યો છે. છેલ્લા બે વર્ષ દરમિયાન ગુજરાત એટીએસ દ્વારા કચ્છ, ઓખા અને પોરબંદર પટ્ટામાંથી પાંચથી વધુ હાઈ-પ્રોફાઈલ જાસૂસી કેસો પકડી પાડવામાં આવ્યા છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
ગુજરાત એટીએસના ડીઆઈજી સુનિલ જોશીના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની મહિલા હેન્ડલર્સ સોશિયલ મીડિયા પર આકર્ષક અને ગ્લેમરસ ફેક પ્રોફાઈલ્સ બનાવીને સરહદી વિસ્તારોમાં રહેતા યુવાનો, આર્મી-બીએસએફ સાથે સંકળાયેલા કામદારો તેમજ કોન્ટ્રાક્ટ વર્કર્સોને પોતાના પ્રેમ અને દોસ્તીની જાળમાં ફસાવે છે. કચ્છના દયાપર વિસ્તારમાં કોન્ટ્રાક્ટ હેલ્થ વર્કર તરીકે કામ કરતા સહદેવસિંહ ગોહિલે 'અદિતિ ભારદ્વાજ' નામના નામે સંપર્ક કરનાર પાકિસ્તાની એજન્ટને સીમા સુરક્ષા દળ (BSF) અને નેવીના નવા કેમ્પ તથા બાંધકામની અત્યંત સંવેદનશીલ માહિતી લીક કરી હતી. આ દેશવિરોધી કૃત્યના બદલામાં તેને રોકડા ૪૦ હજાર રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા અને તેના જ દસ્તાવેજોથી સિમકાર્ડ એક્ટિવેટ કરીને તેના ઓટીપી (OTP) પણ પાકિસ્તાન મોકલવામાં આવ્યા હતા.
સ્થાનિક યુવાનોને કેવી રીતે બનાવવામાં આવે છે શિકાર?
આ પ્રકારના જાસૂસી રેકેટ માત્ર કચ્છ પૂરતા મર્યાદિત નથી, પરંતુ ૨૦૨૩માં કચ્છના જ નિલેશ વાલિયા નામના કમ્પ્યુટર ઓપરેટરને 'અદિતિ તિવારી' નામની ફેક પ્રોફાઈલ દ્વારા ફસાવવામાં આવ્યો હતો. તેણે બીએસએફની બિલ્ડિંગના ઈલેક્ટ્રિફિકેશનના ગુપ્ત દસ્તાવેજો પાકિસ્તાની હેન્ડલર્સને સોંપ્યા હતા, જેના બદલામાં તેને ૨૮ હજાર રૂપિયા મળ્યા હતા. તેવી જ રીતે પોરબંદર અને ઓખામાંથી માછીમારો તથા કોસ્ટગાર્ડ બોટ રિપેરિંગના કર્મચારીઓ દ્વારા જહાજોની મૂવમેન્ટ અને તેના નંબરો પાકિસ્તાન મોકલવાના કિસ્સા પણ બહાર આવ્યા છે. બનાસકાંઠાના સુઈગામ, વાવ તેમજ કચ્છના લખપત, ખાવડા અને કોટેશ્વર જેવા અત્યંત સંવેદનશીલ સરહદી વિસ્તારોમાં સેના અને બીએસએફની વ્યાપક ઉપસ્થિતિ હોવાથી પાકિસ્તાની એજન્સીઓ ખાસ કરીને આ વિસ્તારના યુવાનોને સરળ શિકાર બનાવી રહી છે.
આ ગંભીર ખતરાને ધ્યાનમાં રાખીને ગુજરાત એટીએસ દ્વારા સરહદી ગ્રામીણ વિસ્તારોમાં વિશેષ જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, અને સોશિયલ મીડિયા પર કોઈપણ અજાણી વ્યક્તિ કે શંકાસ્પદ યુવતી તરફથી મેસેજ આવે તો તુરંત જ સાયબર હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર જાણ કરવા માટે નાગરિકોને ભારપૂર્વક અપીલ કરવામાં આવી છે.
(8:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
