<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

વિદેશી રોકાણ આકર્ષવામાં ગુજરાતનો દબદબો : એપ્રિલથી ડિસેમ્બર-2025 દરમિયાન રાજ્યમાં રૂ. 44,041 કરોડનું જંગી FDI આવ્યું

FDI ઇક્વિટી ઇન્ફ્લોમાં ગુજરાત દેશભરમાં ત્રીજા ક્રમે : કુલ રોકાણમાં 52 ટકા હિસ્સા સાથે અમદાવાદ જિલ્લો વૈશ્વિક બિઝનેસ સેન્ટર તરીકે ઉભર્યો

ગાંધીનગર:   મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત 'વિકસિત ભારત' માટે 'વિકસિત ગુજરાત'ના મંત્ર સાથે પ્રગતિના નવા શિખરો સર કરી રહ્યું છે. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડાઓ મુજબ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) મેળવવામાં ગુજરાત દેશભરમાં ત્રીજા ક્રમે રહ્યું છે. એપ્રિલ-2025 થી ડિસેમ્બર-2025ના 9 મહિનાના સમયગાળા દરમિયાન ગુજરાતે આશરે રૂ. 44,041.7 કરોડ જેટલું જંગી વિદેશી રોકાણ આકર્ષવામાં સફળતા મેળવી છે. આ આંકડાઓ દર્શાવે છે કે, ગુજરાત દેશના ટોપ-3 રાજ્યોમાં પોતાનું સ્થાન જાળવી રાખીને વિદેશી રોકાણકારો માટે સુરક્ષિત અને પ્રગતિશીલ ગંતવ્ય સાબિત થયું છે.

  અમદાવાદ અને ગાંધીનગર રોકાણના મુખ્ય કેન્દ્રો: 

આ સમયગાળા દરમિયાન રાજ્યમાં આવેલા FDIમાં અડધાથી વધુ એટલે કે, 52 ટકા જેટલો હિસ્સો એકલા અમદાવાદ જિલ્લાનો છે. ગુજરાતે માત્ર ઓક્ટોબર-2025 થી ડિસેમ્બર-2025 સુધીના ત્રણ મહિનામાં જ રૂ. 24,716 કરોડનું રોકાણ પ્રાપ્ત કર્યું છે, જેમાં સૌથી વધુ અમદાવાદમાં રૂ. 23,699 કરોડનું રોકાણ પ્રાપ્ત થયું છે. આ ઉપરાંત, બીજા ક્રમે ગાંધીનગરમાં રૂ. 590 કરોડનું મૂડીરોકાણ આવ્યું છે. ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી રાજ્યમાં વિદેશી રોકાણ લાવવા માટે એક મહત્વપૂર્ણ ઉદ્દીપક તરીકે કામ કરી રહ્યું છે. ખેડા, કચ્છ, મહેસાણા, પંચમહાલ, રાજકોટ, સુરત, સુરેન્દ્રનગર, વડોદરા, આણંદ, અને નવસારી સહિતના જિલ્લાઓ પણ વિદેશી રોકાણ આકર્ષવામાં સફળ રહ્યા છે.

  25 વર્ષમાં રૂ. 3.91 લાખ કરોડનું રોકાણ: 

ઉલ્લેખનીય છે કે, એપ્રિલ-2000 થી ડિસેમ્બર-2025 સુધીના 25 વર્ષ દરમિયાન ગુજરાતે કુલ રૂ. 3,91,613 કરોડનું વિદેશી રોકાણ મેળવ્યું છે, જે દેશમાં આવેલા કુલ વિદેશી રોકાણના 15 ટકાથી પણ વધુ થાય છે. રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ગિફ્ટ સિટી અને ધોલેરા સર જેવા પ્રોજેક્ટ્સને કારણે આગામી વર્ષોમાં આ રોકાણ હજુ પણ વધવાની પ્રબળ શક્યતા છે.

  સનરાઇઝ સેક્ટર્સમાં વધતો રોકાણકારોનો રસ: 

રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિઓને કારણે ખાસ કરીને સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી, ડેટા સેન્ટર્સ, ફાર્મા અને સંરક્ષણ જેવા ભવિષ્યના ક્ષેત્રોમાં રોકાણકારોએ વિશેષ રસ દાખવ્યો છે. ઉદ્યોગ જગતના અગ્રણીઓ પણ ગુજરાતની 'પ્રો-એક્ટિવ' સરકારી નીતિઓની પ્રશંસા કરી રહ્યા છે. રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને કારણે પરંપરાગત ક્ષેત્રોની સાથે સનરાઇઝ સેક્ટર્સમાં પણ મોટી તકો ઊભી થઈ છે. ગુજરાત સરકાર આ ગતિને જાળવી રાખવા અને આગામી સમયમાં FDIના ક્ષેત્રે પ્રથમ ક્રમ હાંસલ કરવા માટે કટિબદ્ધ છે. નવી ઉદ્યોગ નીતિઓ આગામી દિવસોમાં વધુ રોજગારીની તકો ઉભી કરશે અને રાજ્યના અર્થતંત્રને નવી ઊંચાઈ પર લઈ જશે.

(5:17 PM IST)