<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

ગુજરાતની ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળઃ રૂ.૨,૯૯૯ કરોડથી વધુના પ્રોજેક્‍ટસને મંજુરી

નાયબ મુખ્‍યમંત્રીશ્રી હર્ષ સંઘવીની અધ્‍યક્ષતામાં બેઠક યોજાઈ

ગાંધીનગર, તા.૨૯: મેન્‍યુફેક્‍ચરિંગ, ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર વિકાસ અને રોજગારી નિર્માણ પર ધ્‍યાન કેન્‍દ્રિત કરતા વિવિધ પ્રોત્‍સાહક યોજનાઓ હેઠળ રૂ.૨,૯૯૯ કરોડથી વધુના રોકાણ ધરાવતા ઔદ્યોગિક પ્રોજેક્‍ટ્‍સને નાયબ મુખ્‍યમંત્રી અને ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવીની અધ્‍યક્ષતામાં યોજાયેલી ઉચ્‍ચસ્‍તરીય કમિટીઓની શ્રેણીબદ્ધ બેઠકો દરમિયાન ગુજરાત સરકારે આ પ્રોજેક્‍ટ્‍સને લીલી ઝંડી આપી હતી.

ગુજરાતને સામાજિક-આર્થિક વિકાસની દિવાદાંડી અને વિશ્વના સૌથી આકર્ષક રોકાણ સ્‍થાનોમાંથી એક બનાવવાના વિઝન સાથે ઔદ્યોગિક નીતિ-૨૦૧૫ હેઠળ ઇન્‍સેન્‍ટીવ ટુ ઇન્‍ડસ્‍ટ્રિઝ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના રાજ્‍યમાં સ્‍થાપિત થતા પાત્રતા ધરાવતા ઉદ્યોગોને નેટ એસ.જી.એસ.ટી. રિફંડ/સહાય આપે છે.

આ નીતિએ અત્‍યાર સુધીમાં ગુજરાતભરમાં રૂ.૧૪૮,૩૩૬.૩૫ કરોડના રોકાણને આકર્ષિત કર્યું છે અને ૧,૬૫,૦૫૩ સીધી રોજગારીનું સર્જન કર્યું છે. આ રોકાણોએ સૂક્ષ્મ, લઘુ અને મધ્‍યમ ઉદ્યોગોના વિકાસને પણ ઝડપી બનાવ્‍યો છે, જેનાથી રાજ્‍યમાં ઉદ્યોગ-અનુકૂળ ઇકોસિસ્‍ટમ તૈયાર થઈ છે.

આ યોજનાનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય મોટા પાયે રોકાણ આકર્ષીને અને નવા ઔદ્યોગિક પ્રોજેક્‍ટ્‍સને પ્રોત્‍સાહિત કરીને ગુજરાતને એડવાન્‍સ્‍ડ મેન્‍યુફેક્‍ચરિંગ, ટેકનોલોજી અને ઇનોવેશન ક્ષેત્રે અગ્રેસર બનાવવાનો છે.

નાયબ મુખ્‍યમંત્રી હર્ષ સંઘવીના અધ્‍યક્ષસ્‍થાને મોટા ઉદ્યોગોને ફાઇનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ આપવા માટેની સમિતિની બેઠક મળી હતી. જેમાં કમિટીએ રૂ.૧,૯૭૭.૦૪ કરોડના કુલ મૂડીરોકાણ ધરાવતી ૩૨ અરજીઓને મંજૂરી આપી હતી, જેનાથી અંદાજે ૪,૭૩૯ સીધી રોજગારી ભી થવાની ધારણા છે.

આ બેઠકમાં ઉદ્યોગ રાજ્‍યમંત્રી ડૉ. જયરામભાઇ ગામીત, અધિક મુખ્‍ય સચિવો જયંતી રવી, ટી. નટરાજન, મમતા વર્મા સહિતના ઉચ્‍ચ આઇ.એ.એસ. અધિકારીઓ અને ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ સંદિપ એન્‍જિનીયર ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:12 PM IST)