તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd June 2026
ગુજરાતના એકમાત્ર વાઘને મળશે સાથીઃ ચોમાસા પછી થશે ‘મેગા મિલન'
રતનમહાલના વાઘે દેવગઢ બારિયા, છોટાઉદેપુર, ડોલરિયા, સાગટાળા અને સુખી ડેમ વિસ્તારમાં આશરે ૧૨૦ ચોરસ કિલોમીટરનો પોતાનો વિસ્તાર બનાવી લીધો છે : ભારતમાં વાઘ નવેમ્બરથી એપ્રિલ વચ્ચે પ્રજનન કરે છે અને આ યોજનાનો ઉદ્દેશ્ય આગામી પ્રજનન સીઝન શરૂ થાય તે પહેલાં વાઘણને અહીં લાવવાનો છે

અમદાવાદ,તા.૨: ગુજરાતમાં એક કરતાં વધુ સમયથી વાઘની હાજરી છે. વાઘ માટે વાઘણ લાવવાની ઘણા સમયથી ચાલી રહેલી ચર્ચા વચ્ચે સારા સમાચાર આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ચોમાસા પછી ગુજરાતના એકમાત્ર વાઘને સાથી મળવાની સંભાવના છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી(NTCA) એ રાજ્ય સરકાર પાસે વસવાટ મૂલ્યાંકનનો વિગતવાર અહેવાલ માંગ્યો છે. રતનમહાલ વિસ્તારમાં વાઘણ લાવવા આ છેલ્લો મોટો અવરોધ છે. આ પગલું રાજ્યમાં વાઘની ટકાઉ વસ્તી સ્થાપિત કરવાના પ્રયાસોનો એક ભાગ છે.
સૂત્રોએ જણાવ્યું કે મૂલ્યાંકન માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને ચોમાસું પૂરું થતાં જ તે આટોપી લેવામાં આવશે. NTCA એ સ્પષ્ટ કર્યું છે કે આ અહેવાલ સબમિટ અને મંજૂર થયા પછી જ માદા વાઘને અહીં લાવવામાં આવશે, જેમાં શિકારની ઘનતાના અંદાજો સામેલ હોવા જરૂરી છે.
રતનમહાલના વાઘે દેવગઢ બારિયા, છોટાઉદેપુર, ડોલરિયા, સાગટાળા અને સુખી ડેમ વિસ્તારમાં આશરે ૧૨૦ ચોરસ કિલોમીટરનો પોતાનો વિસ્તાર બનાવી લીધો છે. આ તમામ રતનમહાલ વિસ્તારના ૨૫ કિલોમીટરની ત્રિજ્યામાં આવે છે. છેલ્લા એક વર્ષથી આ પ્રાણી પર નજર રાખી રહેલા અધિકારીઓએ તેના સફળ શિકાર અને તે આ વિસ્તારમાં સારી રીતે અનુકૂળ થઈ ગયો હોવાના અન્ય પુરાવાઓ નોંધ્યા છે.
NTCA કોઈ પણ અંતિમ નિર્ણય લેતા પહેલાં, પ્રસ્તાવિત સાઇટ પર શિકારની ઉપલબ્ધતા, વસવાટની યોગ્યતા, જળ સંસાધનો, સુરક્ષાના પગલાં અને માનવ-વન્યજીવ સંઘર્ષના જોખમોની તપાસ આ વસવાટ મૂલ્યાંકન અંતર્ગત કરશે. ઓથોરિટીએ ફેબ્રુઆરીમાં યોજાયેલી એક બેઠક દરમિયાન, રાષ્ટ્રીય વાઘ ગણતરી પૂર્ણ થયા પછી માદા વાઘ મોકલવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી હતી અને ગુજરાતમાં ગણતરીની કવાયતને પણ લીલી ઝંડી આપી હતી.
કોઈપણ વન્ય પ્રાણીને નવા વિસ્તારમાં સ્થળાંતર કરવામાં આવે તે પહેલાં વસવાટ મૂલ્યાંકનની વિનંતી એ સામાન્ય રીતે છેલ્લી જરૂરિયાત હોય છે. ભારતમાં વાઘ નવેમ્બરથી એપ્રિલ વચ્ચે પ્રજનન કરે છે અને આ યોજનાનો ઉદ્દેશ્ય આગામી પ્રજનન સીઝન શરૂ થાય તે પહેલાં વાઘણને અહીં લાવવાનો છે.
વાઘણને એરલિફટ કરીને નર વાઘના વર્તમાન વિસ્તારની નજીક છોડવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ માટે પોતાના મૂળ વિસ્તારમાંથી છૂટી પડી ગઈ હોય અથવા સાથીની શોધમાં ભટકતી હોય તેવી વાઘણ પસંદ કરવામાં આવશે. જો આવું કોઈ પ્રાણી ઉપલબ્ધ ન હોય, તો વિગતવાર સ્ક્રીનિગ પછી જંગલમાંથી પકડાયેલી વાઘણ પર વિચાર કરવામાં આવી શકે છે. પસંદ કરાયેલી વાઘણનું હેલ્થ ચેકઅપ અને વર્તણૂકનું મૂલ્યાંકન કરવામાં આવશે. વાઘણને વાઘની નજીકના વિસ્તારમાં મુક્ત કર્યા પછી સતત દેખરેખ રાખવા માટે રેડિયો કોલર લગાવવામાં આવશે.
અંદાજે ૬ વર્ષની ઉંમરનો આ વાઘ ગયા વર્ષે ફેબ્રુઆરીના મધ્યમાં રતનમહાલ-મધ્ય પ્રદેશ સરહદ પર દેખાયો હતો અને ત્યારબાદ આ અભયારણ્યમાં સ્થિર થયો હતો. ત્યારથી, અધિકારીઓએ કેમેરા ટ્રેપ અને CCTV ફૂટેજ દ્વારા સતત તેની હિલચાલ નોંધી છે, જે વન્યજીવ નિષ્ણાતોના મતે કામચલાઉ રોકાણને બદલે સ્થાયી વસવાટ દર્શાવે છે. લાંબા સમયના આ વસવાટને કારણે હવે ગુજરાતને ફરી એકવાર ઓલ-ઈન્ડિયા ટાઈગર એસ્ટિમેશન ૨૦૨૬માં સ્થાન મળ્યું છે, જે દેશના સૌથી મોટા વન્યજીવ સર્વેક્ષણોમાંનું એક છે.
ગુજરાતમાં વાઘની છેલ્લી વસ્તી ગણતરી ૧૯૮૯માં કરવામાં આવી હતી, જ્યારે અધિકારીઓ માત્ર પંજાના નિશાન નોંધી શક્યા હતા પરંતુ વાઘ જોવા મળ્યો ન હતો. ત્યારબાદ ૧૯૯૨માં ગુજરાતને વાઘ ધરાવતા રાજ્યોની યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યું હતું. ત્યારથી, ૨૦૧૯માં માત્ર એક વાર વાઘ જોવા મળ્યો હતો, પરંતુ તે માંડ ૧૫ દિવસ જીવતો રહ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ લાંબા ગાળાના વસવાટને જોતા ગુજરાતને ફરીથી વાઘની હાજરી ધરાવતા રાજ્ય તરીકે સ્થાપિત કરવું માત્ર વાજબી જ નહીં પણ જરૂરી પણ છે.
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
