<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

"જે હનુમાનજી પ્રેમથી શ્રીરામને વશ કરતા, શું આપણે તેમને વશમાં કરીશું ? "સાળંગપુર હનુમાનજી કોપીરાઇટ વિવાદ વચ્ચે પૂ. મોરારીબાપુનું મોટું નિવેદન

કોઠારી સ્વામીએ સ્પષ્ટતા કરી - શ્રદ્ધા અને ધર્મને કોપીરાઇટમાં ન બાંધી શકાય, ભક્તોના મનમાં આસ્થા જ સૌથી મોટી છે : વિવાદ બાદ મંદિર તંત્ર ભક્તોની લાગણીને ધ્યાનમાં રાખીને કોઈ નક્કર નિર્ણય લે તેવી શક્યતા

બોટાદ-સાળંગપુર તા.૧૭ : બોટાદ જિલ્લાના પ્રખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિરની તસવીરો અને વીડિયો પર કોપીરાઇટનો દાવો કરવાના મામલે ઉભા થયેલા વિવાદ વચ્ચે પૂજ્ય મોરારિબાપુએ મહત્વનું નિવેદન આપ્યું છે. આધ્યાત્મિક ગુરુ મોરારિબાપુએ કહ્યું કે, "જે હનુમાનજી પ્રેમથી શ્રીરામને વશ કરતા હતા, શું આપણે તેમને કાયદા અને કોપીરાઇટમાં વશમાં કરીશું?"

સાળંગપુર હનુમાનજી મંદિર દ્વારા ભક્તોને મંદિરની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર ન કરવા માટે કોપીરાઇટની નોટિસ આપવામાં આવી હતી. આનાથી ભક્તોમાં રોષની લાગણી ફેલાઈ હતી. આ વિવાદ વચ્ચે મોરારિબાપુએ સ્પષ્ટતા કરતા કહ્યું કે ભગવાન, ભક્તિ અને શ્રદ્ધા જેવી બાબતો કોઈ કાયદા કે કોપીરાઇટના બંધનમાં બંધાઈ શકે નહીં. હનુમાનજી તો સેવા અને સમર્પણના પ્રતીક છે.

મંદિરના કોઠારી સ્વામીએ પણ આ મામલે સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું કે કોપીરાઇટનો હેતુ કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવાનો નહોતો. મંદિરની આજીવિકા અને મેનેજમેન્ટ માટે કેટલાક નિયમો જરૂરી છે, પરંતુ ભક્તોની આસ્થા સૌથી ઉપર છે. ભક્તો જે પ્રેમથી દર્શન કરે છે અને પ્રસાદ વહેંચે છે, તે જ હનુમાનજીની સાચી સેવા છે

સાળંગપુર હનુમાનજી કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. ભક્તો દૂર-દૂરથી દર્શન કરવા આવે છે અને ત્યાંના ફોટા-વીડિયો શેર કરીને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે. મોરારિબાપુના આ નિવેદન બાદ ભક્તોમાં સંતોષની લાગણી ફેલાઈ છે. લોકોનું માનવું છે કે હનુમાનજી સૌના છે અને તેમના દર્શન પર કોઈનો એકાધિકાર ન હોઈ શકે.

આ વિવાદ બાદ મંદિર તંત્ર ભક્તોની લાગણીને ધ્યાનમાં રાખીને કોઈ નક્કર નિર્ણય લે તેવી શક્યતા છે.

(3:42 PM IST)