<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

વઘઇમાં દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલ આરોપી હરેશ ચૌધરી ગણતરીના દિવસોમાં ઝડપાયો : IG પ્રેમવીરસિંહ અને SP પૂજા યાદવનું સફળ માર્ગદર્શન

PI એ.એ. ચાવડા અને ટીમે ટેક્નિકલ સર્વેલન્સની મદદથી સુસરદાના શખ્સને દબોચ્યો : ભારતીય ન્યાય સંહિતાની કલમ 64(1) હેઠળ નોંધાયેલા ગંભીર ગુનામાં વઘઇ પોલીસની મોટી કાર્યવાહી

 ડાંગ:  ડાંગ જિલ્લાના વઘઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બળાત્કાર જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડવામાં વઘઇ પોલીસને મોટી સફળતા મળી છે. ગત ૨૯ એપ્રિલ, ૨૦૨૬ના રોજ નોંધાયેલા આ ગુનામાં પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

 ઘટનાની વિગત અને પોલીસ કાર્યવાહી:

વઘઇ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૬૪(૧) અને ૩૫૧(૩) હેઠળ ગુનો રજીસ્ટર નં. ૧૧૨૧૯૦૦૭૨૬૦૨૨૫/૨૦૨૬ નોંધવામાં આવ્યો હતો. આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને ડાંગ જિલ્લાના પોલીસ અધિક્ષક પૂજા યાદવ દ્વારા આરોપીને તાત્કાલિક ઝડપી લેવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી.

નાયબ પોલીસ અધિક્ષક કે.આર. ડીમરીના સીધા માર્ગદર્શન હેઠળ વઘઇ પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ. ચાવડાએ વિશેષ પોલીસ ટીમોની રચના કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે હ્યુમન સોર્સિસ અને ટેક્નિકલ સર્વેલન્સનો સચોટ ઉપયોગ કરીને આરોપીની હિલચાલ પર સતત નજર રાખી હતી, જેના અંતે આરોપીને દબોચી લેવામાં સફળતા મળી હતી.

 ઝડપાયેલ આરોપીની ઓળખ:

પોલીસના સકંજામાં આવેલા આરોપીની ઓળખ હરેશભાઇ હરીચંદભાઇ ચૌધરી (રહે. સુસરદા, કારભારી ફળીયુ, તા. વઘઇ, જી. ડાંગ) તરીકે થઈ છે. પોલીસે આરોપીની અટકાયત કરી તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.

આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ. ચાવડાની સાથે એ.એસ.આઇ. ગંગદાસભાઇ, સંતોષભાઇ તથા વઘઇ પોલીસ મથકના અન્ય કર્મચારીઓએ મહત્વનું યોગદાન આપ્યું હતું. પોલીસની આ ત્વરિત કામગીરીને પગલે પંથકમાં ચકચાર મચી છે.

(10:04 AM IST)