<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

વડોદરાના હરિનગર બ્રિજ પર બેફામ સ્પીડનો કહેર: બિલ્ડરના પુત્રની એન્ડેવર કારે 5થી વધુ વાહનોને અડફેટે લેતા 2નાં કમકમાટીભર્યા મોત

ગોત્રી-હરિનગર ઓવરબ્રિજ પર પૂરપાટ ઝડપે દોડતી લક્ઝરી કારે રિક્ષા અને બાઇક સહીતના વાહનોને કચડી નાખ્યા; નિર્દોષ નાગરિકોના મોતના પગલે શહેરમાં ભારે રોષ અને અરેરાટી.

​વડોદરા: ગુજરાતના સાંસ્કૃતિક નગર ગણાતા વડોદરા શહેરમાંથી બેફામ ડ્રાઇવિંગ અને અસંવેદનશીલતાની અત્યંત હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના હરિનગર અને ગોત્રી બ્રિજ વિસ્તારમાં એક ધનાઢ્ય બિલ્ડરના પુત્ર દ્વારા પોતાની વૈભવી ફોર્ડ એન્ડેવર કાર બેફામપણે હંકારીને રસ્તા પર જઈ રહેલા નિર્દોષ નાગરિકો અને વાહનોને અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં અંદાજે પાંચથી વધુ વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો હતો, જ્યારે બે નિર્દોષ લોકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.

​પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરાના હરિનગર બ્રિજ પરથી પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલી એન્ડેવર કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. બેકાબુ બનેલી આ લક્ઝરી કારે બ્રિજ પરથી પસાર થતી એક રિક્ષા, અલ્ટો કાર અને બે-ત્રણ બાઇક સહીતના પાંચથી નવ જેટલા વાહનોને જોરદાર ટક્કર મારી ફંગોળી દીધા હતા. ટક્કર એટલી ભયાનક હતી કે રિક્ષા અને અન્ય વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ભયાનક અકસ્માતમાં એક રિક્ષાચાલક અને એક મહિલા સહિત કુલ બે વ્યક્તિઓના કરુણ મોત થયા છે, જ્યારે અન્ય કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને ત્વરિત સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

​ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં કાર ચલાવનાર યુવક એક જાણીતા બિલ્ડરનો પુત્ર હોવાનું સામે આવતા રોષે ભરાયેલા લોકો અને મૃતકોના પરિજનો દ્વારા આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની અને ફાંસીની સજા આપવાની ઉગ્ર માગ કરવામાં આવી છે.

​પોલીસે આ મામલે ગુનો નોંધીને કાર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર માઘરીની સઘન તપાસ શરૂ કરી છે. દિવાળીના તહેવારો ટાણે જ બનેલી આ ગોઝારી ઘટનાએ સમગ્ર વડોદરા શહેરને હચમચાવી દીધું છે અને વાહનચાલકોની બેદરકારી સામે મોટો સવાલ ઊભો કર્યો છે.

(4:47 PM IST)