News of Saturday, 18th April 2026
તાપીના ઉચ્છલમાં હર્ષ સંઘવીના આક્રમક તેવર: "પ્રિયંકા ગાંધી કે ડિમ્પલ યાદવ સાંસદ બની શકે, તો દેશની સામાન્ય નારી કેમ નહીં?"
વિકાસ સંકલ્પ સભામાં આદિવાસી નૃત્ય સાથે ભવ્ય સ્વાગત: મહિલા અનામત મુદ્દે DyCM એ વિપક્ષી નેતાઓનાં નામ દઈને વંશવાદ પર કર્યા આકરા પ્રહાર

ઉચ્છલ (તાપી): દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં રાજકીય ગરમાવો તેજ થયો છે. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના માણેકપુર ગામે આયોજિત ભાજપની 'વિકાસ સંકલ્પ સભા'માં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિપક્ષ પર આકરા તેવર બતાવ્યા હતા. પરંપરાગત આદિવાસી વાજિંત્રો અને નૃત્ય સાથે થયેલા ભવ્ય સ્વાગત બાદ, મંચ પરથી હર્ષ સંઘવીએ મહિલા અનામત અને વંશવાદના મુદ્દે કોંગ્રેસ સહિતના પક્ષોને આડે હાથ લીધા હતા.
આદિવાસી પરંપરામાં રંગાયા હર્ષ સંઘવી
સભા પૂર્વે જ્યારે હર્ષ સંઘવી માણેકપુર પહોંચ્યા ત્યારે તેમનું સ્વાગત પરંપરાગત રીતે કરવામાં આવ્યું હતું. સ્થાનિક આદિવાસી નૃત્ય અને સંગીતના તાલે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. હર્ષ સંઘવી પોતે પણ આ ઉત્સાહમાં જોડાયા હતા અને આદિવાસી સંસ્કૃતિનું સન્માન કરી ગ્રામજનોનું અભિવાદન ઝીલ્યું હતું. સભામાં રાજ્ય મંત્રી જયરામભાઈ ગામીત સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા.
મહિલા અનામત બિલ મુદ્દે આક્રમક પ્રહારો
હર્ષ સંઘવીએ પોતાના ભાષણમાં સીધું જ પ્રિયંકા ગાંધી અને ડિમ્પલ યાદવનું નામ લઈને વિપક્ષની મનશા પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે ગર્જના કરતા કહ્યું કે, "જો રાહુલ ગાંધીની બહેન કે અખિલેશ યાદવની પત્ની સાંસદ બની શકતી હોય, તો મારા દેશની સામાન્ય પરિવારની દીકરી કેમ સાંસદ ન બની શકે?" તેમણે આક્ષેપ કર્યો હતો કે વિપક્ષના વિરોધ અને પરિવારવાદને કારણે જ સામાન્ય મહિલાઓને નેતૃત્વની તક આપતું મહિલા અનામત બિલ વર્ષો સુધી લટકતું રહ્યું હતું.
તાપીના રાજકારણમાં ખળભળાટ
DyCM ના આ નિવેદનથી તાપીના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ભાજપ સરકાર સામાન્ય નારીને શક્તિશાળી બનાવવા માટે કટિબદ્ધ છે, જ્યારે વિપક્ષ માત્ર પોતાના પરિવારના સભ્યોને જ પદ પર જોવા માંગે છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે આદિવાસી વિસ્તારોમાં ભાજપે આક્રમક પ્રચાર શરૂ કરીને વિપક્ષને બેકફૂટ પર લાવી દીધો છે.
સભાના અંતે હર્ષ સંઘવીએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી. તાપીના આદિવાસી મિજાજ અને હર્ષ સંઘવીના આક્રમક ભાષણે કાર્યકરોમાં નવો જોશ ભરી દીધો છે.
(9:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
