<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

ગોધરામાં ચૂંટણી ટાણે જ હવાલા રેકેટનો પર્દાફાશ : 'આપ' ના ઉમેદવાર દ્વારા લાખોની હેરાફેરીનો ભાંડો ફૂટતા રાજકીય ભૂકંપ

૧૫ દિવસમાં આંગણિયા પેઢીઓ દ્વારા ૫૦ લાખથી વધુની લેવડદેવડના પુરાવા મળ્યા : પંચમહાલ SOG એ બાતમીના આધારે દરોડા પાડી ત્રણ શખ્સો સામે ગાળિયો કસ્યો

ગોધરા: ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે પંચમહાલમાં પોલીસે એક મસમોટા નાણાકીય કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પંચમહાલ પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ ગોધરામાં ચાલતા ગેરકાયદેસર હવાલા નેટવર્ક પર તવાઈ બોલાવી લાખો રૂપિયાની હેરાફેરી ઝડપી પાડી છે. આ ઘટનામાં ખાસ કરીને આમ આદમી પાર્ટીના ઉમેદવારની સંડોવણી બહાર આવતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.

આંગણિયા પેઢીઓ મારફતે થતી હતી નાણાકીય હેરાફેરી:
ગોધરા SOG ને મળેલી ચોક્કસ બાતમીના આધારે શહેરના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે છેલ્લા ૧૫ દિવસ દરમિયાન પી.એમ. આંગણિયા અને વી. પટેલ આંગણિયા જેવી પેઢીઓ મારફતે ૫૦ લાખ રૂપિયાથી વધુની રકમની હેરાફેરી કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ નાણાંનો ઉપયોગ ચૂંટણી દરમિયાન મતદારોને પ્રલોભન આપવા અને રોકડ વહેંચવા માટે કરવામાં આવનાર હતો.

'આપ' ના ઉમેદવાર અજય વસંતાણી સહિત ત્રણ સામે કાર્યવાહી:
આ હવાલા કાંડમાં ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર ૧૧ ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને સક્રિય કાર્યકર્તા અજય સોમાલાલ વસંતાણીનું નામ મુખ્ય સૂત્રધાર તરીકે સામે આવ્યું છે. આ ઉપરાંત અન્ય કાર્યકર્તા રમણભાઈ ગુલાબભાઈ બારીયા અને દર્શિત કૃષ્ણકાંત સોનીની પણ સંડોવણી ખુલી છે. પોલીસના જણાવ્યા મુજબ, આ શખ્સોએ રાજ્યના અન્ય જિલ્લાઓના શખ્સો સાથે મળીને આખું નેટવર્ક ઊભું કર્યું હતું. હાલમાં ગોધરા એ-ડિવિઝન પોલીસ મથકે આ મામલે વિધિવત ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

સુરત અને દિલ્હીના કનેક્શનની આશંકા:
નોંધનીય છે કે, પંચમહાલ જેવી જ મોડસ ઓપરેન્ડી સુરતમાં પણ જોવા મળી હતી, જ્યાં સુરત ક્રાઈમ બ્રાન્ચે દિલ્હી-સુરત વચ્ચે ચાલતા મોટા પોલિટિકલ ફંડિંગ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો હતો. સુરતના હિમાંશુ પાહુજા અને આકાશ મિશ્રા દ્વારા જે રીતે કરોડોનું બ્લેક ફંડ મોકલવાનું રેકેટ ઝડપાયું હતું, તેના જેવી જ કડીઓ આ કેસમાં પણ જોવા મળી રહી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ નાણાંનો સ્ત્રોત ક્યાં છે અને તેમાં બીજા કયા મોટા માથાઓની સંડોવણી છે. ચૂંટણી ટાણે જ આટલી મોટી રકમ ઝડપાતા વહીવટી તંત્ર અને પોલીસ વધુ સતર્ક બની છે.

(8:06 AM IST)