તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
તાપીના નિઝરના લક્ષ્મીખેડા ગામે સ્વાસ્થ્ય સાથે ચેડાં :માન્ય મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો નકલી તબીબ ઝડપાયો
પશ્ચિમ બંગાળના આ શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પોલીસે મોટી માત્રામાં મુદ્દામાલ પણ જપ્ત કર્યો

તાપી જિલ્લામાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા બોગસ તબીબો સામે પોલીસે લાલ આંખ કરી છે. તાજેતરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા નિઝર તાલુકાના લક્ષ્મીખેડા ગામે દરોડા પાડીને કોઈપણ પ્રકારની માન્ય મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા એક નકલી તબીબને ઝડપી લેવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળના આ શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પોલીસે મોટી માત્રામાં મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.
મળતી માહિતી મુજબ, તાપી એસઓજી પોલીસને બાતમી મળી હતી કે નિઝર તાલુકાના લક્ષ્મીખેડા ગામમાં એક શખ્સ ડોક્ટર તરીકેની ઓળખ આપીને નિર્દોષ ગ્રામજનોની સારવાર કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે લક્ષ્મીખેડા ગામે તપાસ હાથ ધરતા એક શખ્સ બીમાર દર્દીઓને તપાસી રહ્યો હોવાનું જણાયું હતું. પોલીસની પૂછપરછમાં આ શખ્સ પાસે મેડિકલ પ્રેક્ટિસ માટેના કોઈ કાયદેસરના દસ્તાવેજો કે ડિગ્રી ન હોવાનું બહાર આવ્યું હતું.
ઝડપાયેલા બોગસ તબીબની ઓળખ લીંટુ બેરાગી તરીકે થઈ છે, જે મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી છે. તે છેલ્લા કેટલાક સમયથી લક્ષ્મીખેડા ગામે સ્થાયી થઈને એલોપેથીક દવાઓ આપી રહ્યો હતો. લોકોના જીવ જોખમમાં મૂકીને કોઈપણ અધિકાર વગર તબીબી સારવાર કરતા આ શખ્સની એસઓજી પોલીસે સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી છે. પશ્ચિમ બંગાળના આ 'મુન્નાભાઈ' ની ધરપકડથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
પોલીસે દરોડા દરમિયાન આ બોગસ ડોક્ટર પાસેથી સ્ટેથોસ્કોપ, ઇન્જેક્શન, એલોપેથીક દવાઓ અને તબીબી સારવારમાં વપરાતા અન્ય સાધનો મળી કુલ 41,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ દ્વારા આ શખ્સ કેટલા સમયથી અહીં પ્રેક્ટિસ કરી રહ્યો હતો અને તેને દવાઓનો જથ્થો ક્યાંથી પૂરો પાડવામાં આવતો હતો તે દિશામાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
ગ્રામ્ય વિસ્તારોમાં સસ્તી અને ઝડપી સારવારના નામે ગરીબ દર્દીઓને ફસાવતા આવા બોગસ તબીબો સામે તાપી પોલીસ દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. કોઈ પણ પ્રકારની જાણકારી કે તાલીમ વગર આપવામાં આવતી એલોપેથીક દવાઓ દર્દી માટે જીવલેણ સાબિત થઈ શકે છે. તંત્ર દ્વારા ગ્રામજનોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ માત્ર માન્ય ડિગ્રી ધરાવતા ડોક્ટરો પાસે જ સારવાર કરાવે અને આવા શંકાસ્પદ તબીબોની જાણકારી તુરંત પોલીસને આપે.
(2:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
