<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

સુરતમાં પૂર બાદ આરોગ્યની ચિંતા: વરાછા, લીંબાયત અને ઉધનામાં ડ્રેનેજ લાઈનોમાં કાદવ-પ્લાસ્ટિકનો ભરાવો : મનપાની મેગા સફાઈ ઝુંબેશ શરૂ

પૂરના પાણી ઉતરતા જ સ્વચ્છતા અભિયાન તેજ : જેસીબી અને સકર મશીનથી ચોક-અપ લાઈનો સાફ : ચોમાસા દરમિયાન રોગચાળો અટકાવવા તંત્રની તૈયારી

સુરત, તા. 16 : છેલ્લા દિવસોમાં પડેલા ધોધમાર વરસાદ અને પૂર બાદ હવે સુરત મહાનગરપાલિકાએ શહેરને સ્વચ્છ રાખવા માટે મોટું અભિયાન હાથ ધર્યું છે. પૂરના પાણી ઉતર્યા બાદ વરાછા, લીંબાયત અને ઉધના ઝોનમાં ડ્રેનેજ લાઈનોમાં મોટા પ્રમાણમાં કાદવ, કચરો અને પ્લાસ્ટિકનો ભરાવો થઈ ગયો હતો.

પાણીના નિકાલમાં અવરોધ ન થાય અને રોગચાળો ન ફેલાય તે માટે મનપા દ્વારા આ ત્રણેય વિસ્તારોમાં મેગા સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. 

 

સફાઈ કામગીરીમાં જેસીબી, સકર મશીન અને મેન્યુઅલ સફાઈ કામદારોની મદ લેવામાં આવી રહી છે. ચોક-અપ થયેલી ડ્રેનેજ લાઈનોને ખોલીને તેમાંથી કાદવ અને પ્લાસ્ટિકની થેલીઓ કાઢવામાં આવી રહી છે.

 

મનપાના અધિકારીઓનું કહેવું છે કે પૂર દરમિયાન વહીને આવેલો કચરો ડ્રેનેજમાં ભરાઈ જવાને કારણે આગળ વરસાદ આવે તો ફરી પાણી ભરાવાની શક્યતા હતી. તેને ધ્યાનમાં રાખીને પ્રાથમિકતા ધોરણે આ કામગીરી કરવામાં આવી રહી છે.

ચોમાસા દરમિયાન ડેન્ગ્યુ, મેલેરિયા અને અન્ય જળજન્ય રોગોનો ભય વધી જતો હોય છે. તેને ધ્યાનમાં રાખીને મનપા દ્વારા સફાઈ સાથે-સાથે ફોગિંગ અને દવા છંટકાવની કામગીરી પણ કરવામાં આવી રહી છે.

સ્થાનિક નાગરિકોએ પણ સફાઈ ઝુંબેશને આવકારી છે અને પ્લાસ્ટિકનો કચરો ડ્રેનેજમાં નાખવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

(3:30 PM IST)