તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
ડીસામાં આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો:ત્રણ જાણીતી પેઢીઓ પર દરોડા : અંદાજે 1,444 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ
બજારમાં ખૂબ જ પ્રચલિત એવી 'પરિવાર', 'કવિરાજ' અને 'શ્રેષ્ઠ' બ્રાન્ડના ઘીના જથ્થામાં શંકા જણાતા તેના નમૂનાઓ લેવામાં આવ્યા

બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસામાં આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્વોને પાઠ ભણાવવા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શહેરની ત્રણ જાણીતી પેઢીઓ પર ઓચિંતા દરોડા પાડ્યા છે. શંકાસ્પદ ઘીનું વેચાણ થતું હોવાની ચોક્કસ બાતમીના આધારે તંત્રએ આ મોટી કાર્યવાહી હાથ ધરી છે, જેમાં લાખો રૂપિયાની કિંમતનો શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી ભેળસેળિયા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ડીસામાં આવેલી ત્રણ ડેરી પ્રોડક્ટ્સ પેઢીઓ પર તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન બજારમાં ખૂબ જ પ્રચલિત એવી 'પરિવાર', 'કવિરાજ' અને 'શ્રેષ્ઠ' બ્રાન્ડના ઘીના જથ્થામાં શંકા જણાતા તેના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા આ બ્રાન્ડના કુલ 4 જેટલા શંકાસ્પદ નમૂનાઓ એકત્ર કરી તેને તપાસ માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.
દરોડા દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને મોટી સફળતા મળી છે. અધિકારીઓને સ્થળ પરથી અંદાજે 1,444 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો, જેને તાત્કાલિક અસરથી જપ્ત કરી સીલ કરવામાં આવ્યો છે. આ જપ્ત કરાયેલા જથ્થાની બજાર કિંમત અંદાજે 8.28 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે. રિપોર્ટ ન આવે ત્યાં સુધી આ જથ્થાના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, લેબોરેટરીમાંથી નમૂનાનો રિપોર્ટ આવ્યા બાદ જો તેમાં ભેળસેળ સાબિત થશે, તો સંબંધિત પેઢીઓ અને તેના માલિકો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તંત્રએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે લોકોના જીવ જોખમમાં મૂકીને નફો કમાતા કોઈપણ વેપારીને છોડવામાં આવશે નહીં.
(9:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
