તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 9th May 2026
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની ઓચિંતી મુલાકાત : ગંદકી અને ઉખડેલી ટાઇલ્સ જોઈ અધિકારીઓનો ઉધડો લીધો : જૂઓ વિડીયો
એસીની ખામી અને પીએમ રૂમની અસુવિધા બદલ મંત્રીએ નારાજગી વ્યક્ત કરી બેદરકાર અધિકારીઓને બદલીની ચીમકી આપી : ઓપીડીમાં દર્દીઓના ખબર-અંતર પૂછી લાયન્સ કેન્સર હોસ્પિટલની પણ મુલાકાત લીધી : ચીફ આરએમઓ કેતન નાયક અને ઈકબાલ કડીવાલા સહિતનો કાફલો સાથે રહ્યો

સુરત:સુરત શહેરની જીવાદોરી સમાન નવી સિવિલ હોસ્પિટલની કથળતી જતી સુવિધાઓ અને દર્દીઓની વ્યાપક ફરિયાદો વચ્ચે આજે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ અચાનક સરપ્રાઈઝ વિઝિટ કરતા હોસ્પિટલ તંત્રમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. મંત્રીએ કોઈ પણ પૂર્વ સૂચના વગર હોસ્પિટલના વિવિધ વિભાગોમાં રૂબરૂ તપાસ કરતા ગંદકી, તૂટેલી ટાઇલ્સ અને એસીની સમસ્યાઓ સપાટી પર આવી હતી. કામગીરીમાં ઉદાસીનતા દાખવતા અધિકારીઓને આડેહાથ લેતા મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો વ્યવસ્થા નહીં સુધરે તો અન્યત્ર ફરજ સોંપવામાં આવશે.
ગંદકી અને મરામતમાં બેદરકારી બદલ તંત્રને ખખડાવ્યું
આરોગ્ય મંત્રીએ હોસ્પિટલના વોર્ડ અને બાથરૂમની વ્યક્તિગત મુલાકાત લીધી હતી, જ્યાં સફાઈનો અભાવ જોવા મળતા તેમણે તંત્રને કડક સૂચના આપી હતી. હોસ્પિટલના અનેક ભાગોમાં ટાઇલ્સ ઉખડી ગયેલી હાલતમાં જોઈને તેમણે પી.ડબલ્યુ.ડી. (PWD) વિભાગના અધિકારીઓને સ્થળ પર જ બોલાવી તાત્કાલિક રિપેરિંગ શરૂ કરવા નિર્દેશ આપ્યા હતા. ખાસ કરીને હોસ્પિટલમાં એર કન્ડિશનિંગની સમસ્યા અને પોસ્ટમોર્ટમ (PM) રૂમમાં જોવા મળતી અસુવિધાઓ અંગે તેમણે ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને આ મામલે સુપરિન્ટેન્ડન્ટ અને આરએમઓ સાથે તાકીદની બેઠક યોજી હતી.
દર્દીઓ સાથે આત્મીય સંવાદ અને હિંમત પૂરી પાડી
વ્યવસ્થાની સમીક્ષા બાદ પ્રફુલ પાનશેરિયાએ ઓપીડી અને ઇનડોર વોર્ડમાં સારવાર લઈ રહેલા દર્દીઓ સાથે મુલાકાત કરી હતી. તેમણે દર્દીઓ અને તેમના પરિવારજનોના ખબર-અંતર પૂછ્યા હતા અને તેમને જલ્દી સ્વસ્થ થવા માટે હિંમત અને સકારાત્મકતા રાખવા પ્રેરણા આપી હતી. મંત્રીની આ આત્મીયતા જોઈ દર્દીઓએ પણ પોતાની લાગણી વ્યક્ત કરી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે સામાન્ય નાગરિકને ઉત્તમ અને સુવિધાસભર સારવાર મળે તે સરકારની પ્રથમ પ્રાથમિકતા છે.
લાયન્સ કેન્સર હોસ્પિટલની મુલાકાત અને ભવિષ્યની રણનીતિ
સિવિલમાં ચેકિંગ પૂર્ણ કર્યા બાદ તેમણે નજીકમાં આવેલી લાયન્સ કેન્સર હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી અને ત્યાં અપાતી આરોગ્ય સેવાઓની વિગતો મેળવી હતી. આ મુલાકાત દરમિયાન સિવિલ હોસ્પિટલના ચીફ આરએમઓ ડોક્ટર કેતન નાયક, નર્સિંગ યુનિયનના ગુજરાત પ્રમુખ ઈકબાલ કડીવાલા તેમજ વિવિધ વિભાગોના એચઓડી હાજર રહ્યા હતા. પ્રફુલ પાનશેરિયાએ અંતમાં જણાવ્યું હતું કે સુરત સિવિલની સેવાઓને વધુ દર્દીકેન્દ્રિત બનાવવા માટે આગામી દિવસોમાં પણ આ પ્રકારે ઓચિંતી તપાસ અને સમીક્ષા ચાલુ રાખવામાં આવશે.
(6:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
