News of Wednesday, 6th May 2026
નર્સિંગ ક્ષેત્રે ઐતિહાસિક ભરતી પ્રક્રિયા બદલ નર્સિંગ એસો. ટીમની આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા સાથે શુભેચ્છા મુલાકાત
સેવાની સાથે સંસ્કારનું ભાથું જ આધુનિક આરોગ્ય વ્યવસ્થાનો સાચો પાયો છે: આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા:પ્રથમવાર નર્સિંગમાં ૫૦થી વધુ GPSC દ્વારા અધિકારીઓની નિમણૂંક: રાજ્ય સરકારે એક વર્ષમાં પાંચ હજારથી વધુ નર્સિંગ સ્ટાફની કાયમી ભરતી કરી

સુરત :ગુજરાત રાજ્યના નર્સિંગ ક્ષેત્રમાં થયેલી અભૂતપૂર્વ પ્રગતિ અને પારદર્શક ભરતી પ્રક્રિયાને બિરદાવવા માટે નર્સિંગ એસોસિએશનની ટીમ દ્વારા રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન એસોસિએશને રાજ્ય સરકાર દ્વારા નર્સિંગ કેડરમાં કરવામાં આવેલા ઐતિહાસિક નિર્ણયો બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
આરોગ્યની સાચી કરોડરજ્જુ સમાન નર્સિંગ અધિકારીઓ સાથે સંવાદ સાધતા આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ જણાવ્યું હતું કે, નર્સિંગ સ્ટાફનું વર્તન એ ફરજ સાથે એક મનોવિજ્ઞાન પણ છે. જે વ્યક્તિ દર્દી કે સાથી કર્મચારીઓ સાથે અયોગ્ય વર્તન કરે છે, તે તેના મૂળભૂત સ્વભાવનું પ્રતિબિંબ છે, જે તેના અંગત જીવન પર પણ અસર કરે છે. જેમ એક નાનકડા છોડને વારંવાર વાળીને યોગ્ય આકાર આપવામાં આવે છે, તેમ નર્સિંગના વિદ્યાર્થી કાળથી જ યોગ્ય ઘડતર થાય તે અનિવાર્ય છે.
વધુ મંત્રીએ કહ્યું કે, સેવાની સાથે સંસ્કારનું ભાથું જ આધુનિક આરોગ્ય વ્યવસ્થાનો સાચો પાયો છે. નર્સિંગના અભ્યાસક્રમમાં 'બિહેવિયર'ને 'સ્પિરિચ્યુઅલ પાવર' એટલે કે આધ્યાત્મિક શક્તિ સાથે જોડવામાં આવે તો નર્સિંગ મેનેજમેન્ટ મજબૂત બનશે, ત્યારે જ આપણે સમાજને શ્રેષ્ઠ અને કરુણાસભર નર્સિંગ અધિકારીઓ આપી શકીશું. આપણું લક્ષ્ય સારવાર કરવાની સાથે દર્દીઓ સાથેના વ્યવહારને વધુ માનવીય બનાવી હોસ્પિટલના વ્યવસ્થાપનને નવી ઊંચાઈએ લઈ જવાનું છે. સેવાની સાથે સંસ્કારનું આ ભાથું જ આધુનિક આરોગ્ય વ્યવસ્થાનો સાચો પાયો બનશે એમ તેમણે જણાવ્યું હતું.
નર્સિંગ કાઉન્સિલના ઉપાધ્યક્ષ ઈકબાલ એ જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ પછી ગુજરાતના ૫૦૦થી વધુ નર્સિંગ સ્ટાફ દેશની પ્રતિષ્ઠિત એઈમ્સ (AIIMS) જેવી સંસ્થાઓમાં પસંદગી થઈ છે, જે ગુજરાતની નર્સિંગ ગુણવત્તાના સ્તરને કેરળ મોડેલની સમકક્ષ દર્શાવે છે. રાજ્યમાં નર્સિંગના ઇતિહાસમાં પ્રથમ વખત GPSC મારફતે એક જ વર્ષમાં ૫૦થી વધુ નર્સિંગ અધિકારીઓ, પ્રિન્સિપાલ, નર્સિંગ તજજ્ઞો, સિલેક્શન સ્કેલ અને સિનિયર સ્કેલ પ્રોફેસરોની નિમણૂંક કરવામાં આવી છે. કોવિડ મહામારી બાદ રાજ્યમાં અત્યાર સુધીમાં પાંચ હજારથી વધુ નર્સિંગ સ્ટાફની કાયમી ભરતી કરવામાં આવી છે. આ સાથે આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિટેન્ડન્ટની ૧૫૦થી વધુ જગ્યાઓ ભરતી દ્વારા ભરીને બઢતી-બદલીના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું છે, જેમાં કર્મચારીઓને સ્થળ પસંદગીનો લાભ પણ મળ્યો છે.
આ બેઠકમાં નર્સિંગ એસો. દ્વારા કેટલાક મહત્વના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં નર્સિંગ કર્મચારીઓના અલાઉન્સ અને વિદ્યાર્થીઓના સ્ટાઇપેન્ડમાં વધારો, બઢતીના બાકી પ્રશ્નોનો નિકાલ, ઉચ્ચતર પગાર ધોરણના કેસોનું ઝડપી નિરાકરણ સહિતના પ્રશ્નોને આરોગ્ય મંત્રીએ ધ્યાનપૂર્વક સાંભળીને ટૂંક સમયમાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સંયુક્ત બેઠક યોજવાની ખાતરી આપી હતી.
નર્સિંગ ક્ષેત્રને વધુ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે આગામી જૂન મહિનામાં અમદાવાદ ખાતે એક વિશેષ પરિસંવાદનું આયોજન કરવામાં આવશે. જેમાં રાજ્યભરના નર્સિંગ વ્યાવસાયિકો અને તજજ્ઞો સહભાગી થશે.
આ મુલાકાત પ્રસંગે નર્સિંગ એસો.ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિપકમલ વ્યાસ, ગુજરાત શાખાના પ્રમુખ હિતેશ ભટ્ટ, નર્સિંગ કાઉન્સિલના ઉપાધ્યક્ષ ઈકબાલ કડીવાલા, જોઈન્ટ સેક્રેટરી હેમદીપ પટેલ અને ખજાનચી નિલેશ લાઠીયા સહિત નર્સિંગ એસો.ના એસ્ટર માર્ગે, જ્યોત્સનાબેન ચૌધરી, લક્ષ્મણ ચારણ, વિરેન પટેલ, જગદીશ બુહા, અલ્પેશ શાહ અને શૈલેષ નાઈ સહિત રાજ્યભરના નર્સિંગ એસો.ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
(6:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
