<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

વાહકજન્ય રોગ નિયંત્રણ અંગે આરોગ્ય મંત્રીની હાઇ-લેવલ બેઠક : ગાંધીનગરમાં પરેડ જવાનો માટે યુદ્ધના ધોરણે ફોગિંગ અને સર્વેલન્સ હાથ ધરાયું

રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં આવેલા જવાનોના આરોગ્ય માટે સઘન પગલાં : દરેક બ્લોક દીઠ ૪ આરોગ્ય કર્મચારીઓ નિયુક્ત કરવા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાના આદેશ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: રાજ્યમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોના અસરકારક નિયંત્રણ અને અટકાયતી પગલાંના ભાગરૂપે ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના તમામ જિલ્લાઓ તેમજ મહાનગરપાલિકા વિસ્તારોમાં રોગચાળાની સ્થિતિ અંગે વિગતવાર સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

'રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ'માં ભાગ લેવા માટે વિવિધ રાજ્યોમાંથી BSF, CRPF અને ITBPના જવાનો ૨૧ સપ્ટેમ્બરથી ગાંધીનગર આવી પહોંચ્યા છે, જેમના માટે ગાંધીનગરના સેક્ટર-૨૮ અને ૨૯ના નવા સરકારી આવાસમાં કામચલાઉ વ્યવસ્થા કરાઈ છે. આ નવા આવાસમાં પાણી ભરાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતાં કેટલાક જવાનોમાં ડેન્ગ્યુના કેસ નોંધાયા છે, જેઓ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ અંગે આરોગ્ય મંત્રીએ સ્થિતિની વિગતો મેળવીને અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન ફોગિંગ, દવાઓનો છંટકાવ અને પેશન્ટ ટ્રેકિંગ યુદ્ધના ધોરણે હાથ ધરવા સૂચના આપી હતી. ઉપરાંત જવાનોના નિવાસસ્થાનો તેમજ પરેડ ગ્રાઉન્ડ ખાતે તાવનું સર્વેલન્સ, પોરાનાશક કામગીરી અને દૈનિક ફોગિંગ કરવાની તથા સરકારી આવાસના દરેક બ્લોક દીઠ ૪-૪ આરોગ્ય કર્મચારીઓ નિયુક્ત કરવા આદેશ આપ્યા હતા. આવાસ પરિસરમાં પાણીનો નિકાલ લાવવાની કડક તાકીદ પણ કરાઈ હતી.

આ બેઠકમાં આરોગ્ય મંત્રીએ જણાવ્યુ હતું કે, રાજ્યમાં છેલ્લા બે મહિના દરમિયાન ચાંદીપુરા વાયરસનો એક પણ નવો કેસ નોંધાયો નથી. પ્રથમ કેસ સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગની ટીમોએ રાત-દિવસ સઘન કામગીરી કરીને આ વાયરસનો ફેલાવો સફળતાપૂર્વક અટકાવ્યો છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, સતત કામગીરી અને વ્યાપક જાગૃતિ અભિયાનના પરિણામે વર્ષ ૨૦૨૬માં ગત વર્ષની સરખામણીએ મેલેરિયાના કેસોમાં ૩૯.૬ ટકા અને ડેન્ગ્યુના કેસોમાં ૨૦.૬ ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો છે. ચાલુ વર્ષે ૪૦મા સપ્તાહ સુધીમાં ૧.૩૯ કરોડથી વધુ લોહીના નમૂનાના પરીક્ષણમાં ૧,૪૦૧ મેલેરિયાના કેસ મળ્યા છે. જ્યારે મેડિકલ કોલેજો સંલગ્ન ૪૨ હોસ્પિટલોના ખાસ નિદાન કેન્દ્રો પર ૧.૫૦ લાખથી વધુ સીરમ સેમ્પલ તપાસાતા ૨,૩૪૫ દર્દીઓમાં ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યો છે. રાજ્યમાં જરૂરી દવાઓ અને સાધન-સામગ્રીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોને પણ ઘર આસપાસ પાણી ભરાવા ન દેવા અપીલ કરાઈ છે.

(2:14 PM IST)